પેરિસ તા. 3 : પેરિસ પેરાલિમ્પિકમાં ગઇકાલે રાત્રે શાનદાર સુમિત
અંતિલે રેકોર્ડ સાથે ભાલાફેંકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેણે ટોકિયો બાદ પેરિસમાં
પણ ગોલ્ડન થ્રો કર્યો હતો અને નવો પેરાલિમ્પિક વિક્રમ બનાવ્યો હતો. જો કે, આજે રાત્રે
નવ વાગ્યા સુધી ભારતના ખાતામાં નવા ચંદ્રકોનો ઉમેરો થયો નહતો. રાકેશકુમાર અને અર્ચનાદેવીએ
તિરંદાજીમાં કાંસ્ય ચંદ્રક પર નિશાન લગાવ્યું હતું. બેડમિન્ટનમાં નિથ્યા સિવન પણ કાંસ્ય
ચંદ્રક જીતી હતી. આ ત્રણેય ચંદ્રક ભારતને સોમવારે મોડી રાત્રે પ્રાપ્ત થયા હતા. જયારે
આજે ગોલ્ડન ગર્લ અવનિ લેખરા પ0 મીટર રાયફલ થ્રી પોઝિશનમાં ફાઇનલમાં પાંચમા સ્થાને રહી
હતી. તે પેરિસમાં બીજો મેડલ જીતી શકી નથી. ચંદ્રક સૂચિમાં ભારત 3 ગોલ્ડ, પ સિલ્વર અને
7 બ્રોન્ઝ મળી 1પ મેડલ સાથે 16મા ક્રમ પર છે. બે વખતના વર્લ્ડ ચેમ્પિયન અને પેરાલિમ્પિકના
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતના સુમિત અંતિલે પેરિસમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. પુરુષોની
ભાલા ફેંક એફ-64 સ્પર્ધામાં સુમિત અંતિલે ગોલ્ડન થ્રો સાથે નવો પેરાલિમ્પિક રેકોર્ડ
બનાવ્યો હતો. સુમિતના ભાલાએ 70.પ9 મીટરનું અંતર કાપ્યું હતું. જે પેરાલિમ્પિકનો વિક્રમ
છે. તેણે ટોકિયોમાં 68.પપ મીટર દૂર ભાલો ફેંકીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. શ્રીલંકાના
ખેલાડી દુલાન કોડિથુવકકુ 67.03 મીટરના થ્રો સાથે રજત ચંદ્રક અને ઓસ્ટ્રેલિયાના મિશલ
બ્યૂરિયન 64.89 મીટરના થ્રો સાથે કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળ રહ્યા હતા. પેરિસ પેરાલિમ્પિકની
ઓપનિંગ સેરેમનીમાં ભારતના ધ્વજવાહક રહેલા સુમિત અંતિલે પહેલા પ્રયાસમાં જ 69.11 મીટર
દૂર ભાલો ફેંકીને રેકોર્ડ તોડી નાંખ્યો હતો. હરિયાણાના 26 વર્ષીય આ દિવ્યાંગ ખેલાડીએ
બીજા પ્રયાસમાં તેનો રેકોર્ડ સુધારીને આ રમતોત્સવમાં 70 મીટરનો આંકડો પાર કરનારો પહેલો
ખેલાડી બની ગયો હતો. આ સ્પર્ધામાં ભારતનો ખેલાડી સંદીપ 62.80 મીટરના થ્રો સાથે ચોથા
નંબર પર રહ્યો હતો. જ્યારે ભારતનો ત્રીજો ખેલાડી સંદીપ સંજય સરગર પ8.03 મીટરના થ્રો
સાથે સાતમા ક્રમે રહ્યો હતો. - શિતલદેવી- રાકેશકુમારને કાંસ્ય
ચંદ્રક : ભારતીય તીરદાંજ જોડી શિતલદેવી અને રાકેશકુમારે ઇટાલીની જોડી
એલોઓરા સારતી અને માટેઓ બોનાસીના સામેનો મુકાબલો રસાકસ પછી 1પ6 વિરુદ્ધ 1પપ પોઇન્ટથી
જીતીને કાંસ્ય ચંદ્રક કબજે કર્યો હતો. આખરી ચાર એરો બાકી હતા ત્યારે ભારતીય જોડી એક
પોઇન્ટ પાછળ હતી. અંતમાં ભારતીય જોડીએ શાનદાર વાપસી કરી કાંસ્ય ચંદ્રક જીતી લીધો હતો.
શિતલ 17 વર્ષની છે. જ્યારે રાકેશકુમાર 39 વર્ષના છે. - બેડમિન્ટનમાં વધુ એક કાંસ્ય ચંદ્રક : મહિલા બેડમિન્ટન ખેલાડી નિથ્યા
શ્રી સિવને એસએચ-6 સ્પર્ધામાં ઇન્ડોનેશિયાની ખેલાડી રીના માર્લિનાને 21-14 અને
21-6થી હાર આપી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.