નવી દિલ્હી, તા.
5 : ભારતીય હોકી ટીમના ઉપકેપ્ટન અને ડિફેન્ડર અમિત રોહિદાસને રવિવારે બ્રિટન સામે પેરિસ
ઓલિમ્પિકના ક્વાર્ટર ફાઈનલ મેચમાં રેડ કાર્ડ બતાવવામાં આવ્યા બાદ એક મેચનો પ્રતિબંધ
મુકવામાં આવ્યો છે. એટલે કે મંગળવારના રોજ જર્મની સામે રમાનારા સેમીફાઈનલ મુકાબલામાં
અમિત રોહિદાસ રમી શકશે નહીં. બ્રિટન સામેના મેચમાં બીજા ક્વાર્ટર દરમિયાન રોહિદાસ મિડફીલ્ડ
ડ્રિબલિંગ કરી રહ્યો હતો ત્યારે તેની સ્ટીક બ્રિટનના એક ખેલાડીને લાગી હતી અને ઓનફિલ્ડ
અમ્પાયરે રોહિદાસને રેડકાર્ડ બતાવી દીધું હતું. અમિત રોહિદાસને રેડ કાર્ડ મળતા ભારતને
મેચનો મોટો હિસ્સો માત્ર 10 ખેલાડી સાથે રમ્યો હતો. જો કે ચાર ક્વાર્ટર બાદ ભારત સ્કોરલાઈન
1-1થી રોકવામાં સફળ રહ્યું હતું. બાદમાં પીઆર શ્રીજેશના દમદાર પ્રદર્શનની મદદથી ભારતે
શૂટઆઉટમાં જીત નોંધાવીને સેમિફાઈનલમાં જગ્યા કરી હતી. એફઆઈએચના સત્તાવાર નિવેદનમાં
કહેવામાં આવ્યું છેકે અમિત રોહિદાસને એફઆઈએચ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ દોષિત માનવામા
આવ્યો છે અને એક મેચ માટે પ્રતિબંધ લદાયો છે. પ્રતિબંધ મેચ નંબર 35ને પ્રભાવિત કરે
છે જે જર્મની સામે ભારતનો સેમિફાઈનલ મેચ છે. આ મેચમાં અમિત રોહિદાસ ભાગ લઈ શકશે નહી
અને ભારત માત્ર 15 ખેલાડીઓની સ્ક્વોડ સાથે રમશે. બીજી તરફ હોકી ઈન્ડિયાએ રોહિદાસ ઉપર
એક મેચના પ્રતિબંધ સામે પહેલા જ અપીલ દાખલ કરી છે. આ અપીલ ઉપર એફઆઈએચનીસમિતિ નિર્ણય
કરશે. હોકી ઈન્ડિયાના સુત્રોના કહેવા પ્રમાણે ટૂર્નામેન્ટ ડાયરેક્ટરે અમિતને એક મેચ
માટે પ્રતિબંધિત કર્યો છે. હોકી ઈન્ડિયાએ આ નિર્ણય સામે અપીલ કરી છે. મેદાન ઉપર રેફરીએ
શરૂઆતમાં ઘટનાને ગંભીર ઉલ્લંઘન માન્યું નહોતું. જો કે વિડિયો રેફરલ બાદ રેડકાર્ડ આપ્યું
હતું.