મનસુખ ઠક્કર દ્વારા : ભચાઉ, તા. 7 : દિવાળી પર્વ નિમિત્તે નગરમાં
કાપડ, મીઠાઈ, ડેકોરેશન અને ફટાકડા
બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જૂના-નવા બસ સ્ટેશન વિસ્તાર અને
જૂની મુખ્ય બજારમાં ગ્રાહકોની ભારે ચહલપહલથી સતત ધમધમાટ રહ્યો હતો. ખાસ કરીને મોબાઈલ
વેચાણ કરતા વેપારીઓ દ્વારા આપવામાં આવતી આકર્ષક ગિફ્ટ્સથી ખરીદીમાં નોંધપાત્ર ઉત્સાહ
જોવા મળ્યો હતો. જો કે, સાંકડી બજારોમાં દુકાનો બહાર મંડપ અને
સાઉન્ડ સિસ્ટમ લગાવવાની વેપાર પદ્ધતિને કારણે ટ્રાફિક સમસ્યા વકરી હતી, જેને પગલે પડોશી વેપારીઓ અને રાહદારીઓની મુશ્કેલી નિવારવા ટ્રાફિક પોલીસે દોડધામ
કરવી પડી હતી. નાના દીવડા, રંગોળીના કલર, ફૂલ-તોરણ સહિતની સામગ્રી ખરીદવા માટે શ્રમજીવી વર્ગમાં ભારે ઉત્સાહ દેખાતો
હતો. પર્વ નિમિત્તે ધાર્મિક સ્થળો પર પણ શણગાર કરવામાં આવ્યો હતો અને ભાવિકો મોટી સંખ્યામાં
દર્શને ઊમટયા હતા. મુંબઈ સ્થિત વાગડવાસીઓની ઉપસ્થિતિથી બજારની રોનકમાં નવો જોમ પુરાયો
હતો. સોનાના વધતા ભાવો છતાં ધનતેરસના દિવસે ખરીદીનો ઉત્સાહ યથાવત્ રહ્યો હતો. સ્થાનિક
50થી 55 જેટલા સોનાના વેપારીઓ પૈકી એક વેપારીએ જણાવ્યું હતું કે, ઊંચા ભાવ હોવા છતાં લોકોએ 25 ગ્રામ સુધીનું સોનું ખરીદીને
પરંપરા જાળવી રાખી છે. આ ઉપરાંત, બાળકોનાં
કપડાં સહિતની ખરીદીમાં પણ સારી ઘરાકી જોવા મળી હતી. ફટાકડા બજારમાં તંત્ર તરફથી સત્તાવાર
મંજૂરી ન હોવા છતાં મોટો વ્યવસાય થયો હતો. બજારમાં ઊંચા ભાવ સાથે વેચાણ થયું હોવા છતાં
લોકોએ ખરીદી કરી હતી. તાલુકા મથકનાં કારખાનાના કર્મચારીઓ, ખેતી
પાકના મજૂરો અને ખેડૂતોની આવકમાં થયેલા વધારાને કારણે બજારમાં ખરીદી પરાકાષ્ઠાએ પહોંચી
હતી. દિલીપભાઈ બાવળિયાના જણાવ્યા અનુસાર, હિરો બાઇકના 200થી વધુ વાહનનાં વેચાણનો અંદાજ
હતો, તેની સામે માત્ર 50 બાઇકનું વેચાણ થયું હતું, જ્યારે ઇ-બાઇકનું વેચાણ પણ નોંધનીય રહ્યું હતું.