ભુજ, તા. 7 : `એક લાખના બદલામાં ત્રણ લાખ'ની જાળ બિછાવી લોકોને મનોરંજન બેન્કના નકલી નોટોના
બંડલો આપી છેતરવાના પ્રયાસ કરતા ભુજના બે સગાભાઇને આવી નોટો સાથે એલસીબીએ ઝડપી પાડયા
છે. સસ્તાં સોનાંની અને એકના ડબલની લાલચ આપી છેતરપિંડી કરતા ઇસમોને ઝડપીને કાયદેસરની
કાર્યવાહી કરવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી મળેલી સૂચનાનાં પગલે એલસીબીની ટીમ સતત
નજર રાખી રહી છે. આ વચ્ચે ટીમને ખાનગી બાતમી મળી હતી કે, એક લાખના
બદલામાં ત્રણ લાખ રૂપિયાની લાલચ આપી છેતરપિંડીના પ્રયાસવાળા હાલે આરટીઓ સર્કલ એચ.ડી.એફ.સી.
બેન્કની પાસે ગલીમાં હાજર છે. તેમના પાસે ચીટિંગ માટેનો મુદ્દામાલ પણ ટુ-વ્હીલરમાં
પડયો છે. આ બાતમીના પગલે એલસીબીએ ત્યાંથી બે ભાઇ એવા સુફિયાન અભુ ઓઢેજા અને ઉઝેર અભુ
ઓઢેજા (રહે. કેમ્પ એરિયા, ડી.પી. ચોક, ભુજ)ને
ઝડપી તેમના પાસે બે- ટુ-વ્હીલર્સ ચકાસતાં તેમાંથી રૂા. 100, 200 તથા 500ના દરની નોટોના બંડલો જેમા
અમુક બંડલો ઉપરના ભાગે સાચી નોટો અને નીચે મનોરંજન બેન્કની નકલી નોટોના બંડલો મળી આવ્યા
હતા. આ બંડલો બાબતે બન્નેને પૂછપરછ કરતાં તેઓ મોબાઇલ ફોનમાં સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ,
વોટ્સએપમાં નોટોના વીડિયો બનાવી
એક લાખના બદલામાં ત્રણ લાખ આપવાની જાહેરાત મૂકી લોકોને વિશ્વાસમાં લઇ છેતરપિંડી
કરી રૂપિયા પડાવતા હતા. આરોપીઓ પાસેથી અસલ રૂા. 5600, નકલી નોટોના 209 બંડલ, એક ફોન કિં. રૂા. 5,000 તથા બે ટુ-વ્હીલર કિં. રૂા.
60,000નો મુદ્દામાલ કબજે લઇ બી-ડિવિઝન
પોલીસ મથકે ગુનો દાખલ કરાવાયો હતો. આ કામગીરીમાં એલસીબીના પી.આઇ. અશોક મકવાણા, પી.એસ.આઇ. જે.બી. જાદવ, એમ.એચ. શિણોલની સૂચના અને માર્ગદર્શન હેઠળ હે.કો. શક્તિસિંહ ગઢવી, રણજિતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, પ્રવીન્દ્રસિંહ ચૌધરી, જયદેવસિંહ જાડેજા, જીવરાજભાઇ ગઢવી, શ્યામભાઇ ગઢવી, ભરત ગઢવી, કોન્સ. કલ્પેશ ચૌધરી, દિનેશભાઇ ચૌધરી જોડાયા હતા.