ગાંધીધામ/મુંદરા, તા. 7 : દિવાળીના
દિવસો આવતાંની સાથે અમુક તપાસ એજન્સીઓ દોડતી થતી હોય છે. હાલમાં ગાંધીધામની એક પેઢીમાં બી.આઇ.એસ.ના પ્રકરણમાં
અમદાવાદ ડી.આર.આઇ. આવીને ગઇ હતી તેમજ કાસેઝમાં પણ જૂના પ્રકરણ ખોલવામાં આવ્યાં હતાં, તેવામાં હવે મુંદરાના એક ગોદામમાંથી લાખોની
સિગારેટ પકડાઇ છે તેમજ અન્ય એક ગોદામમાંથી ઇ-સિગારેટ બનાવવાના સ્પેરપાર્ટસ મળી આવતાં
ભેજાબાજોએ હવે પોતાની મોડસ ઓપરેન્ડી બદલાવી હોવાનું સપાટી ઉપર આવ્યું છે. અમદાવાદની
ડી.આર.આઇ.એ છેલ્લા પાંચ -સાત દિવસથી મુંદરા-ગાંધીધામમાં ધામા નાખ્યા છે. મુંદરામાં
આવેલા તમામ વેરહાઉસ તપાસાઇ રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે, જેમાં એક ગોદામમાંથી 840 બોક્સ એમ 8400 સિગારેટનો
જથ્થો મળી આવ્યો છે. આ સિગારેટ મિસડિકલેરેશનથી આવી છે કે ડયૂટી કૌભાંડ છે તે હજુ બહાર
આવ્યું નથી. સિગારેટનો આ જથ્થો ભરેલ કન્ટેનર હરિયાણાના સીમાવર્તી ગામમાં પહોંચવાનું
હતું. એજન્સીએ અન્ય કન્ટેનરો સ્થગિત કરાવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. બીજી બાજુ
એસ.ઈ.ઝેડ.ના એક વેરહાઉસમાંથી ઈ-સિગારેટ બનાવવાના સ્પેરપાર્ટસ મળી આવ્યા હોવાનું બહાર
આવ્યું છે. અગાઉ ભેજાબાજો તૈયાર ઈ- સિગારેટ વિદેશથી મિસડિકલેરેશન કરીને મંગાવતા હતા
અને સ્થાનિક બજારમાં ઠાલવતા હતા, પણ હવે
ઈ-સિગારેટ બનાવવાના સ્પેરપાર્ટસ મગાવતા થયા છે. આ સ્પેરપાર્ટસને બાદમાં જોડીને સ્થાનિક
બજારમાં વેચાય તેવી વકી છે. આ સ્પેરપાર્ટસ મળી આવતાં ભેજાબાજોએ પોતાની મોડસ ઓપરેન્ડી
બદલાવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ સ્પેરપાર્ટસ કાંડમાં મુંદરાના એક સ્થાનિક
શખ્સની પણ ભૂમિકા હોવાનું પ્રાથકિ રીતે સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. છેલ્લા કેટલાક
દિવસોથી તપાસ કરી રહેલી એજન્સી હજુ પણ મગનું નામ મરી નથી પાડી રહી. અગાઉ કાર્યવાહી
થતાં તેની એક-બે દિવસમાં જ તંત્ર દ્વારા પ્રેસયાદી જાહેર કરાતી હતી, પરંતુ હાલમાં તપાસનાં નામે મધપૂડામાંથી મધ પાડવામાં આવતું હોવાની લાગણી પ્રસરી
છે. ગાંધીધામમાં પણ થોડા દિવસ પહેલાં લાકડાંના
એક વેપારીને ત્યાં બીઆઈએસના જૂનાં પ્રકરણમાં અમદાવાદની ટીમ આવીને આંટો મારી ગઈ હોવાનું
સપાટી ઉપર આવ્યું હતું. તેમજ કાસેઝમાં પણ જૂના એક કેસમાં જે-તે કંપનીને કાગળિયા,
પૂછપરછની આંખ બતાવાતાં એ કંપનીમાં દોડધામ થઈ પડી હોવાનું જાણવા મળ્યું
હતું. તંત્રએ સચોટ કાર્યવાહી કરીને અગાઉની જેમ તેની યાદી જાહેર કરાય તેવી લાગણી પ્રબળ
બની છે. - સિગારેટ મામલે
દિલ્હી ડીઆરઆઈની કાર્યવાહી : મોડેથી બેની અટક : અમદાવાદ/મુંદરા, તા. 7 : મુંદરા પોર્ટ પર ડીઆરઆઈએ અટકાવેલા કન્ટેનરના મામલે સૂત્રોએ વધુમાં
જણાવ્યું હતું કે, આયાતી સિગારેટો
પરની ડયૂટી વધતાં દાણચોરીનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે અને આ મામલે દિલ્હીના એક
અને અમદાવાદથી એકની અટક કરવામાં આવી છે. વિશ્વસનીય સૂત્રોએ ઉમેર્યું કે, આ કાર્યવાહી અમદાવાદ નહીં, પણ સીધી દિલ્હી ડીઆરઆઈની નીગરાનીમાં
એમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અને દિલ્હીનો શખ્સ આ નેટવર્ક ચલાવતો હતો અને એક
બોગસ-સેલ કંપની બનાવીને ચાલતા આ નેટવર્કમાં અમદાવાદનો શખ્સ તેની ડિલિવરી લેતો હતો.
જે બંનેની અટક કરી લેવાઈ છે. જેમ સોપારીની માંગ વધુ પણ ડયૂટીના કારણે ગેરકાયદે ખોટા
બિલથી આયાતનું કાવતરું ઝડપાઈ ચૂક્યું છે એમ હવે સિગારેટમાં વિદેશી સિગારેટમાં પણ નેટવર્ક
ચાલે છે. આ સંદર્ભે લગભગ છેલ્લા એક સપ્તાહથી ડીઆરઆઈના દરોડા ચાલુ છે. હજુ તપાસ ચાલુ
છે, ત્યારે આગામી દિવાળીના તહેવારોમાં વધુ ફટાકડા ફૂટશે એવી શક્યતા
છે.