• રવિવાર, 01 નવેમ્બર, 2026

લખપતમાં બે વર્ષમાં ટ્રેન દોડતી થશે

દયાપર (તા. લખપત), તા. 31 : તાલુકના મુખ્ય મથક દયાપર ખાતે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરતાં રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી તથા કચ્છના પ્રભારી કાંતિભાઈ અમૃતિયાએ વક્તવ્યમાં કહ્યું હતું કે, અહીં ટ્રેન તો દોડતી થશે, પરંતુ કચ્છમાં 2000 શિક્ષકની ઘટનો પ્રશ્ન છે જેમાંથી 1500ની નિયુક્તિ કરાશે અને શિક્ષકઘટની સમસ્યા પૂરી કરાશે. દયાપર ખાતે નાના વેપારીઓની સ્વરોજગારી માટે 40 દુકાન ગ્રામહાટનું લોકાર્પણ તથા પ્રાથમિક કુમારશાળાનું ભૂમિપૂજન, દૂધ કલેક્શન સેન્ટરનું લોકાર્પણ કરતા રાજ્ય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, કચ્છનો હજુ 50 ટકા વિકાસ થયો છે હવે બે વર્ષમાં ઘણું બધું થવાનું છે. વડાપ્રધાનની 25 વર્ષની મહેનત છે. પોતે 1982માં નખત્રાણા આવતા, ત્યારે રસ્તાના ઠેકાણાં ન હતા, હવે ફોર લેન, સિક્સ લેન બની રહ્યા છે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ વક્તવ્યમાં કહ્યું હતું કે, ડેરી ઉદ્યોગના કારણે ખેતી, પશુપાલનમાં ઘેર બેઠાં રોજગારી મળે છે. અગાઉ કચ્છ વિકાસ બોર્ડની માગણી થતી, હવે તો કચ્છ વિકાસનું મોડેલ બની ગયું છે. કાર્યક્રમનાં પ્રારંભે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ અબડાસા વિસ્તારના છ કરોડ પશુધન માટે ઘાસચારો, ખેડૂતોને સહાય, ટાંકા, બોર, ટ્રેક્ટર માટે લોન સબસીડી અંગે વાત કરી હતી. સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે સમાજોને લાભ મળે તે જોવા અનુરોધ કર્યો હતો.  કાર્યક્રમ પહેલાં કાંતિભાઈ અમૃતિયાએ માતાનામઢ ખાતે આશાપુરા માતાજીનાં દર્શન કર્યાં હતાં. બાદમાં દયાપર ખાતે ભૂમિપૂજન કરી સભા સંબોધી હતી. વાર્ષિક 20 લાખથી વધુ રકમનું દૂધ ડેરીને આપનારા પશુપાલકોનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, પ્રભારી રાજેશભાઈ પલણ, હિતેશભાઈ, જુગરાજસિંઘ સરદાર, વેરસલજી તુંવર, મોડ જાફર સુમરા, વલીમામદ જત, સરપંચ જયાબેન પટેલ, વિક્રમસિંહ સોઢા, જેતમાલજી જાડેજા, કાંતિભાઈ લીંબાણી, હસમુખ પટેલ, પુનિત ગોસ્વામી વિગેરે હાજર રહ્યા હતા. સંચાલન જયેશદાન ગઢવીએ કર્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd