• રવિવાર, 01 નવેમ્બર, 2026

આજથી રણોત્સવનો પ્રારંભ : પ્રવાસીઓને સત્કારવા તંત્ર સજ્જ

ભુજ, તા. 31 : ધોરડોના સફેદ રણમાં રવિવાર તા. 1 નવેમ્બરથી રણોત્સવનો વિધિવત પ્રારંભ થવાનો છે, ત્યારે રણોત્સવમાં આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને સત્કારવા માટે કચ્છનું તંત્ર સજ્જ બન્યું છે. આ વખતે રણની સફેદી વહેલી ખીલી ઊઠતાં પ્રવાસીઓમાં રણને નિહાળવાનો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. સફેદ રણના નજારાને નિહાળવા દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં પ્રકૃતિપ્રેમીઓ કચ્છના મહેમાન બને છે, ત્યારે રેલવે માર્ગે આવતા પ્રવાસીઓ માટે ગુજરાત ટૂરિઝમ દ્વારા ભુજ રેલવે મથક પાસે સ્વાગતકક્ષ બનાવાય છે. અહીંથી પ્રવાસીઓ લક્ઝરી બસમાં મુસાફરી કરીને ટેન્ટ સિટી, ધોરડો પહોંચતા હોય છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે આ સ્વાગતકક્ષ જ્યાંથી મુસાફરો આવ-જા કરે છે ત્યાં બહારની સાઇડમાં ઊભો કરાતો હોય છે, પરંતુ ચાલુ સાલે ગુજરાત ટૂરિઝમ દ્વારા આ સ્વાગતકક્ષ ડોમ સ્ટેશનની અંદર પ્લેટફોર્મ નં. 4ની બાજુમાં ઊભો કરાયો છે. હવે એક-બે નંબર પ્લેટફોર્મ પર ઊતરતા-ચડતા પ્રવાસીઓને બ્રિજ ક્રોસ કરીને સ્વાગતકક્ષમાં પહોંચવું પડશે. વળી, પ્રશાસન દ્વારા ગાંધીનગરી-ફાટક પાસેથી ડોમ સુધી પહોંચવા સીસી રોડનું નિર્માણ પણ કરી દેવાયું છે. એક સમયે અહીં સિમેન્ટની ટ્રકો અનલોડિંગ કરવામાં આવતી હતી અને માલગાડીઓ લાગતી હતી. પ્રથમ વખત ડોમ રેલવે મથકની અંદરની બાજુમાં બની જતાં બહાર ટ્રાફિકનું ભારણ ઓછું થશે, જેથી મુસાફરો-પ્રવાસીઓ બંનેને થોડી રાહત થશે. વડાપ્રધાનની દીર્ઘદૃષ્ટિથી કચ્છનો રણોત્સવ વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર બન્યો છે, ત્યારે દેશ-વિદેશના પ્રવાસીઓ 7મી માર્ચ સુધી રણોત્સવની મજા માણી શકશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd