ભુજ, તા. 31 : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ
પટેલની જન્મજયંતી તેમજ `રાષ્ટ્રીય
એકતા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે પશ્ચિમ
કચ્છ પોલીસ દ્વારા `એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંદેશ
સાથે `રન ફોર યુનિટી' માર્ચનું
આયોજન ભુજ ખાતે કરવામાં આવ્યું હતું.
ગુજરાતના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય
કેશુભાઇ પટેલ, પ્રભારી સચિવ આનંદ પટેલ, કલેક્ટર રાણાવસિયા, પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિકાસ
સુંડા સહિતે જ્યુબિલી ગ્રાઉન્ડથી રન ફોર યુનિટીને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું
હતું. આ મહાનુભાવોએ રન ફોર યુનિટીમાં સહભાગી થઇને રાષ્ટ્રીય એકતાનો સંદેશો આપ્યો હતો.
રાજ્યમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલના એકતાના સંદેશને અપનાવીને એક ભારત શ્રેષ્ઠ ભારતના
સંકલ્પને સાકાર કરવા આહવાન કર્યું હતું. શ્રી અમૃતિયાએ વિકસિત ભારત 2047ના વિઝનમાં સહભાગી થઈને રાષ્ટ્ર
નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી હતી. ધારાસભ્ય કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશની અખંડિતતા સરદાર વલ્લભભાઇ પટેલની કુનેહના
લીધે શક્ય બની છે. રન ફોર યુનિટી જ્યુબિલી
ગ્રાઉન્ડથી ટાઉનહોલ સર્કલ, આફ્રેડ સર્કલ, લેક વ્યૂ હોટલ સર્કલ, મંગલમ ચાર રસ્તા, કલેક્ટર કચેરી ત્રણ રસ્તા પાસેથી પસાર થઈને પરત જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે પહોંચી
હતી. સમગ્ર રૂટ પર ખાતે દેશભક્તિના નારાઓ સાથે રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવામાં આવ્યો
હતો. મહાનુભાવો અને નાગરિકોએ સામૂહિક રીતે રાષ્ટ્રપ્રેમ અને એકતાના શપથ લીધા હતા. રન
ફોર યુનિટીમાં મુંદરા એએસપી ગૌતમ વિવેકાનંદન, વન સંરક્ષક ધીરજ
મિત્તલ, ઈન્ડિયન આર્મીના લેફ્ટેનન્ટ કર્નલ વી.કે. સિંઘ,
ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરીખ, નિવાસી
અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, અધિક કલેક્ટર પારસ વિઠાણી,
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અનીલ ગોસ્વામી, ભુજ પ્રાંત અધિકારી મહેશ નાકિયા, નાયબ વન સંરક્ષક જે.આર.
પટેલ, અગ્રણી હિતેશભાઈ
ખંડોલ, ભીમજીભાઈ જોધાણી,
બિંદિયાબેન ઠક્કર, મીતભાઈ ઠક્કર, કમલભાઈ ગઢવી, પશ્ચિમ કચ્છ હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટ સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ,
કર્મચારીઓ, કચ્છ યુનિવર્સિટીનો સ્ટાફગણ,
ભારતીય વાયુસેના અને આર્મીના જવાનો જોડાયા હતા.