વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 17 : માતૃભૂમિ
કચ્છને ક્યારેય ન ભૂલતા કચ્છીઓ હવે બૃહદ રીતે કર્મભૂમિની સેવામાં લાગ્યા છે. તાજેતરમાં
સામત્રા લેવા પટેલ હિન્દુ કોમ્યુનિટીએ લગાતાર 33મી નિશાળનું બિલ્ડિંગ સ્થાનિક છાત્ર-છાત્રાઓ માટે અર્પણ કર્યું
હતું. સામત્રા દ્વારા 100 શાળા નિર્માણનો
સંકલ્પ લેવાયો છે. સ્થાનીય શિક્ષણાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને દફતર સહિતની
સામગ્રી અપાઇ હતી. વૃક્ષારોપણ કરાયું હતું. જ્યાં શિક્ષણ સુવિધાઓમાં ભૌતિક રીતે ખૂટતી
કડી પૂરવા કચ્છીઓ મોટી સેવા કરી રહ્યા છે. નાઇરોબીથી કચ્છમિત્રને વિગતો આપતાં દેવશીભાઇએ
જણાવ્યું કે, સામત્રા કોમ્યુનિટી સ્થાનીય
બાળકોનાં કલ્યાણ માટે કૃતનિશ્ચયી છે. જાણીતા કચ્છી દાનવીર એવા કે. કે. પટેલે કહ્યું
કે, મારું દાન કર્મભૂમિને અર્પણ કરવાની પરિવારની લાગણી છે. અમે
કેન્યા દેશની મજબૂતી માટે સમર્પણ કરી રહ્યા છીએ. અમારો લક્ષ્યાંક 100 નિશાળના બિલ્ડિંગ ઊભાં કરી
સરકારને અર્પણ કરવાનો છે. તાજેતરમાં કિથયોકો વિસ્તારમાં મસિંગા સબ કાઉન્ટી- માચાકોસ
ખાતે શાળા અર્પણ કરાઇ, ત્યારે છ વર્ગખંડ
નવા, બે ક્લાસનું નવીનીકરણ અને 8 શૌચાલયનું નિર્માણ કરાયાની માહિતી અપાઇ
હતી. સામત્રા લેવા પટેલ હિન્દુ કોમ્યુનિટી નાઇરોબીનાં આ કાર્ય માટે દેવશી વિશ્રામ વરસાણી, લક્ષ્મીબેન
પરિવારે નાણાકીય ભંડોળ પૂરું પાડયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સામત્રા ગામના સરાહનીય કાર્યમાં દાતાઓ હંમેશાં તૈયારી દાખવતા રહ્યા છે. તે
પૈકી એનડાટા પ્રાથમિક શાળા 33મી છે, જે ચોવીસીના
કોઇ પણ ગામ માટે પ્રેરક પ્રવૃત્તિ છે. ભંડોળ સહયોગી પરિવારના મહિલા સભ્યો સાથે દાતાઓ
અને કાર્યકરો જોડાયા હતા. સામત્રાના આ વિશેષ કાર્ય માટે ભુજ મંદિર મહંત પુરાણી ધર્મનંદનદાસજી
સ્વામી, ઉપમહંત પુરાણી
ભગવદ્જીવન સ્વામી, કોઠારી
પાર્ષદ જાદવજી ભગત, સ.ગુ. કોઠારી દેવપ્રકાશ સ્વામી, નાઇરોબીની વિવિધ સંસ્થાઓના સભ્યો, યુ.કે. સમાજ અધ્યક્ષ માવજીભાઇ વેકરિયા
(કેન્ફોર્ડ), દાતા સામજીભાઇ શિવજી દબાસિયા (જયસામ), કે.કે. જેસાણી, કેન્યામાં ચોવીસી ગામોએ રાજીપો વ્યક્ત
કર્યો હતો. ભુજ સમાજ વતી વેલજીભાઇ, ગોપાલભાઇએ પણ પીઠ થાબડી હતી.