ગાંધીધામ, તા. 17 : દેશના વડાપ્રધાનના 25 વર્ષના સેવાકાળ પૂર્ણ થવાની
ઉજવણીના ભાગરૂપે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા સેવા સંકલ્પ અભિયાન હેઠળ વિશેષ જનજાગૃતિ
કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત જિલ્લાના વિવિધ ગામડાઓમાં નાર્કોટિક્સ
ડ્રગ્સ અને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ સેમિનારો યોજીને 5000થી વધુ નાગરિકોને માહિતગાર
કરાયા હતા. સાયબર ગુનાઓથી બચવાના સાવચેતીના ઉપાયો અને નાર્કોટિક્સ ડ્રગ્સના દૂષણને
નાથવાના હેતુથી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધીક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ વિશેષ
ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ અભિયાન હેઠળ જિલ્લાના દરેક પોલીસ મથક વિસ્તારના બબ્બે
ગામડાઓની મુલાકાત લેવામાં આવી હતી. અંજાર-ભચાઉ, એસ.સી.એસ.ટી. સેલ ડીવાય.એસ.પી., થાણા ઈન્ચાર્જ દ્વારા
કુલ 29 ગામોની રૂબરૂ મુલાકાત લઈ સેમિનારોનું
આયોજન કરી નાગરિકોને સીધું સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં અંજાર વિભાગના 13, ભચાઉના 16 ગામડાઓનો સમાવેશ થાય છે. આ
સેમિનારો દરમ્યાન નશાને ના કહો, જીવનને
હા કહો અને સ્વસ્થ સમાજ, સુરક્ષિત રાષ્ટ્રના સૂત્રો સાથે ગ્રામજનોને
નશાના દૂષણથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી. સાથે સાયબર ક્રાઈમથી બચવા શું કરવું,
શું ન કરવું તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉપરાંત ઈ ગુજકોપ નેત્રમ, સુરક્ષા
સેતુ સોસાયટી, મહિલા સુરક્ષા, નિર્ભયા,
અભયમ, જન રક્ષક 112 ટોલ ફ્રી નંબર, સ્ટુડન્ટ પોલીસ કેડેટસ અંગે સવિસ્તાર માહિતી
આપવામાં આવી હતી. ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.