નખત્રાણા, તા. 30 : છેલ્લા કેટલાક સમયથી જંગલ તથા
ગામની વસતીમાં વધેલો જંગલી સૂવર (ભૂંડ)નો ત્રાસ વધ્યો હોવાથી વાડીવિસ્તારમાં થયેલાં
નુકસાન સામે પગલાં લેવા તંત્રને આવેદનપત્ર પાઠવાયું હતું. સૂવરોએ ખેતરોમાં ઊગેલા પાકોને
નુકસાન પહોંચાડી ધરતીપુત્રોની ચિંતા વધારી નાખી છે. એમાં તંત્ર તરફથી રજૂઆત કર્યા છતાં
દાદ ન મળતાં ભારતીય કિસાન સંઘ તાલુકાની સમિતિઓના સભ્યોએ મામલતદાર, વનતંત્ર, ધારાસભ્ય તથા
સંઘની જિલ્લા સમિતિને સમસ્યા નિવારવા પત્ર લખ્યો હતો. આ તાલુકા સંગઠનના પ્રમુખ શિવદાસ
કેશરાણી, જગદીશ લીંબાણી, જગદીશ કેશરાણી,
ભરત નાથાણી તથા અન્ય કિસાનોએ ભેગા થઈ પત્રમાં જણાવ્યું કે, સૂવરો ઝટકા મશીન તોડીને વાડી-ખેતરોમાં જે નુકસાન પહોંચાડી રહ્યા છે,
તેનાથી પાક વાવણીની મહેનત પાણીમાં જાય છે અને પાકો પર છાંટવામાં આવતી
દવા ભૂંડોના પેટમાં જવાથી મરણ પામે છે તો ખેડૂતો દંડાય છે. આ રીતે ન્યાય તૂટતો હોવાથી
પગલાં ન લેવાયા તો આંદોલન કરવા ચીમકી આપી હતી.