• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

ગાંધીધામ : બનાવટી દસ્તાવેજો બનાવી કૌભાંડ રચવાનો પ્રયાસ

ગાંધીધામ, તા. 30 : શહેરના વેપારી અને કંપની જૂથ સાથે રૂા. 15 કરોડની રકમની લેણી પેટે આપેલા ચેક કેન્સલ કરાવવા માટે બોગસ દસ્તાવેજો, બનાવટી લેટરપેડ, ખોટા લોન એગ્રીમેન્ટ તૈયાર કરી કરોડો રૂપિયા હડપ કરવાનો પ્રયાસ કરવા અંગે હૈદરાબાદના વેપારી વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથેની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ છે. શહેરમાં રહેનાર ફરિયાદી જતિન સત્યનારાયણ અગ્રવાલ ઇન્ડોબ્રાઇન ઇન્ડસ્ટ્રીઝ લિ., દાંડી કેમફૂલ પ્રા. લિ., કંડલા મોટર્સ, અગ્રવાલ રોડલાઇન્સ, સેવાસન્સ એન્ટરપ્રાઇઝ, ક્રિષ્ના ઓટો સેન્ટર, અગ્રવાલ ઓટોમોબાઇલ્સ એમ સાત કંપની ધરાવે છે. બનાવના આરોપી રામરતન શિવરામ અગ્રવાલે આ ફરિયાદીની કંપની પાસે અગાઉ રૂા. 15 કરોડનું મીઠું ખરીદ્યું હતું અને જુદી-જુદી કંપનીઓના નામે આરોપીએ આ ફરિયાદીને કુલ 15 કરોડના ચેક આપ્યા હતા, જે વટાવવા જતાં તમામ ચેક પરત થયા હતા. દરમ્યાન ફરિયાદીએ આ અંગે અગાઉ અહીંની કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમો તળે ફરિયાદ કરી હતી. આ કેસમાં આરોપીએ આગોતરા જામીન મેળવવા માટે અરજી દાખલ કરી હતી, જેમાં ફરિયાદીની વિવિધ કંપનીઓના બોગસ અને બનાવટી લેટરપેડ તેમજ ખોટા લોન એગ્રીમેન્ટ તૈયાર કરી રજૂ કરાયા હતા. આ આરોપીએ ઇલેક્ટ્રોનિક માધ્યમથી બોગસ લેટરપેડ અને કાગળો ઊભા કરી ફરિયાદીની કંપનીઓના ઓથોરાઇઝ્ડ સિગ્નેટરી બોગસ, બનાવટી સહીઓ કરી ચેક કેન્સલ કરેલ છે તેવી ખોટી, ભ્રામક માહિતી દર્શાવવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. હૈદરાબાદના આ વેપારીએ પોતાની સામેની કાનૂની કાર્યવાહીમાંથી બચવા રૂા. 15 કરોડની માતબર રકમ હડપ કરી જવાના બદઇરાદાથી આ કૌભાંડ આચર્યું હોવાનું ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવાયું હતું. આદિપુર પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Panchang

dd