• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

શુદ્ધીકરણ વિવાદ : રાહુલ સામે ફરિયાદ

નવી દિલ્હી, તા. 30 : ઉત્તરાખંડના હદ્વાની જિલ્લામાં શ્રીરામ સેનાના અમિતકુમારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સામે કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમિતકુમારે આરોપ લગાવ્યો છે કે, રાહુલ ગાંધીએ તેમના વિરુદ્ધ જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો છે, તેથી રાહુલ ગાંધી સામે એફઆઈઆર દાખલ થવી જોઈએ. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, શુદ્ધીકરણ કરવું એ એસસી-એસટી એક્ટ હેઠળ ગુનાહિત કૃત્ય છે અને જેમણે પણ આવું કર્યું છે, તેમની સામે તાત્કાલિક ફરિયાદ થવી જોઈએ. હદ્વાની જિલ્લા પોલીસનું કહેવું છે કે, આ મામલે હજુ સુધી કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. હાલમાં પોલીસ શ્રીરામ સેનાના અમિતકુમાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદની તપાસ કરી રહી છે. આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી પૂર્ણ થયા બાદ શ્રીરામ સેનાના સભ્યોએ તે જગ્યાએ શુદ્ધીકરણ હવન કર્યો હતો. આ ઘટના સામે આવ્યા બાદ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મામલે એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી. શુદ્ધિકરણ વિવાદ અંગે શ્રીરામ સેના ધર્માર્થ સેવા ન્યાસના સભ્ય વિનોદ આર્ય (જેમણે શુદ્ધિકરણ કરાવ્યું હતું)એ જણાવ્યું કે, સનાતન પરંપરાના અનુયાયી તરીકે, જ્યાં ભગવાન શ્રીરામની પૂજા થાય છે અને ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, તે સ્થળની સ્વચ્છતા સુનિશ્ચિત કરવી મારો પ્રાથમિક અધિકાર અને ફરજ છે. તેઓ પોતે અ.જા. સમાજમાંથી આવે છે અને આ કાર્યક્રમ દરમિયાન તેમની સાથે અ.જા. સમુદાયના અન્ય ભાઈઓ પણ સામેલ હતા. આર્યએ વધુમાં જણાવ્યું કે, તેમણે કોઈ ખોટું કામ કર્યું નથી. તેઓ અનુસુચિત હોવા છતાં રાહુલ ગાંધી તેમની સામે કાનૂની કાર્યવાહી અને કેસ નોંધવાની માંગ કરી રહ્યા છે, જેથી તેઓ રાહુલ ગાંધી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માગે છે, કારણ કે તેમના પર ખોટું દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે અને ધરપકડની માંગ થઈ રહી છે.

Panchang

dd