અંજાર, તા. 30 : કોઈ આકસ્મિક સંજોગોમાં જ્યારે
જરૂરિયાતમંદો લોહીની જરૂરિયાત ઉદ્ભવે છે. આવા સંજોગોમાં રક્તદાતાઓ પોતાના રક્તનું અનુદાન
કરી કોઈનો જીવ બચાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ લોકોએ કરેલાં રક્તદાનને સંગ્રહ માટે યોગ્ય વ્યવસ્થાના અભાવે અંજાર સહિત
આજુબાજુના વિસ્તારના લોકોને અનેક પ્રકારની
હાલાકી વેઠવી પડતી હતી. આ સ્થિતિને પહોંચી વળવા માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અંજાર
શાખા દ્વારા દીપક મધુકાંતભાઈ વ્યાસ પરિવાર
બલ્ડબેંક આગામી એકાદ મહિનામાં વીડી ચાર રસ્તા પાસે નંદીશાળાના સામેના ભાગે રેડક્રોસની
બિલ્ડિંગમાં કાર્યરત કરવામાં આવશે. અંજાર બલ્ડબેંક કાર્યરત કરવા માટે છેલ્લા કેટલાય
વર્ષોથી પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. સમયાંતરે આ અંગે ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી.
અબલત્ત બલ્ડ બેંક કાર્યરત કરવા માટે જરૂરી મંજૂરી પ્રક્રિયાને લઈને પ્રકલ્પ ખોરંભે
ચડયો હતો. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે મંજૂરી આપવામાં આવી છે.
જેના કારણે અંજારમાં બલ્ડ બેંક કાર્યરત કરવાનું સ્વપ્ન સાકર થવા જઈ રહ્યું છે. અંજાર
રેડક્રોસ શાખાના ચેરમેને વસંતભાઈ કોડરાણીએ
જણાવ્યું હતું કે, અદ્યતન સાધનોથી સજ્જ આ બલ્ડબેંકમાં 1200 રક્તબગ સંગ્રહ થાય તેવી ક્ષમતા
છે. એક મેડિકલ ઓફિસર, એક પેથોલોજિસ્ટ,
બે ટેકનિશિયન, બે નર્સ સહિતના સ્ટાફની નિમણૂક કરવામાં
આવી છે. સંભવત ઓક્ટોબર મહિનામાં બલ્ડબેંકનું લોકાર્પણ કરવામાં આવશે. આ રક્તબેંકથી અંજાર
શહેર ઉપરાંત તાલુકાના 68 ગામડાં સહિતના
વિસ્તારના લોકોને આપતકાલિન સંજોગોમાં લોહી સરળતાથી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું
છે. આ બેંકનાં સંચાલન ખર્ચને પહોંચી વળવા માટે શ્રેષ્ઠીઓને આગળ આવવા તેમણે અપીલ કરી
હતી. આ પ્રકલ્પ માટે સ્વ. દીપકભાઈ મધુકાંતભાઈ વ્યાસ પરિવારની સ્મૃતિમાં હસ્તે ધારાશાત્રી
મેહુલભાઈ વ્યાસ પરિવાર દ્વારા રૂા. 25 લાખ તથા સ્વ. જેરામભાઈ (બબાકાકા) ભગવાનજીભાઈ રાવલિયાની સ્મૃતિમાં
તેમના પરિવારજનો દ્વારા રૂા. પાંચ લાખનું અનુદાન,
તેમજ સાંસદ વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી, ડિસ્ટ્રીક્ટ
મિનરલ ફાઉન્ડેશન સ્ટેટ નોડેલ યુનિટના સીએસઆર ફંડ સહિતનાનો આર્થિક સહકાર સાંપડયો છે.
પીજીવીસીએલ દ્વારા સોલાર પ્લાન્ટ માટે સહકાર આપવામાં આવ્યો હતો. રક્તબેંક શરૂ કરવા
માટે વિદ્યાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, ગુજરાત
રાજ્ય રેડક્રોસના પૂર્વ ચેરમેન ડો. ભાવેશ આચાર્ય, હાલના ચેરમેન
અજયભાઈ પટેલ, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા રેડક્રોસના ચેરમેન ધવલભાઈ
આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સહિતનાનો સહકાર સાંપડયો
હતો. અંજાર રેડક્રોસ શાખા દ્વારા કોઈ પણ સ્થળે રક્તદાન કેમ્પ યોજી શકાય તે પ્રકારની
બસની વ્યવસ્થા છે, જેના ઉપયોગ થકી સમયાંતરે કેમ્પો યોજવામાં આવે
છે. બેંક પરિસરમાં ભવિષ્યમાં કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન વિચારાણા તળે છે. અંજાર
શાખાના વાઈસ ચેરમેન હાજી અબ્દુલ ઈસ્માઈલ ખત્રી, ખજાનચી હિરેનભાઈ
પંડયા, પૂર્વ ચેરમેન મહેશભાઈ દોશી, ડો.
સી.એન. મહેતા, જિલ્લા કારોબારી ચેરમેન રામજીભાઈ ધેડા તથા દિનેશભાઈ
રાવલ, ડેની શાહ સહિતના આ પ્રકલ્પના સુચારુ સંચાલન માટે પ્રયત્નશીલ
છે.