• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

ઈસરોની નેશનલ ડ્રોન કોમ્પિટિશનમાં ભુજની વિદ્યાર્થિની ઝરણા પટેલ ચમકી

ભુજ, તા. 30 : ભુજની તેજસ્વી વિદ્યાર્થિની ઝરણા પટેલના સક્રિય યોગદાનવાળી નિરમા યુનિવર્સિટીની `ટીમ એરો'એ ઈસરો દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત નેશનલ રોબોટિક્સ કોમ્પિટિશન `આઈ રોક યુ'માં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ઝરણાએ પોતાનો પ્રાથમિક તથા માધ્યમિક અભ્યાસ ધોરણ 10 સુધી કેન્દ્રીય વિદ્યાલય નં. 1, આર્મી કેન્ટ, ભુજ ખાતે અને ત્યારબાદ ધોરણ 11 તથા 12નો અભ્યાસ અમદાવાદ ખાતે કર્યો હતો. હાલમાં તે નિરમા યુનિવર્સિટી ખાતે બી.ટેક. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન (ઈસી)ના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહી છે. તેમના માતા આઈટીઆઈ ભુજ ખાતે સુપરવાઈઝરી ઈન્સ્ટ્રક્ટર (એસઆઇ) અને પિતા બેંક ઓફ બરોડા, પાટણ ખાતે ચીફ મેનેજર તરીકે કાર્યરત છે. અવકાશી સંશોધન અને પ્લેનેટરી એક્સપ્લોરેશન ક્ષેત્રે યુવા ઈજનેરોમાં સંશોધન વૃત્તિ વધે તે હેતુથી ઈસરોના યુ.આર. રાવ સેટેલાઈટ સેન્ટર (યુ.આર.એસ.સી.) દ્વારા બેંગ્લુરુ ખાતે 21થી 23 જુલાઈ દરમિયાન આઇરિક યુ-2026 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી આઈઆઈટી મદ્રાસ, આઈઆઈટી કાનપુર, આઈઆઈટી ધારવાડ અને એનઆઈટી કાલિકટ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સહિત કુલ 590 ટીમે ભાગ લીધો હતો, જેમાંથી ફાઈનલ મિશન રાઉન્ડ માટે માત્ર 20 ટોચની ટીમો પસંદ થઈ હતી, જેમાં નિરમા યુનિવર્સિટીની ટીમ એરો સામેલ હતી. રાષ્ટ્રીય અવકાશ દિવસ (નેશનલ સ્પેસ ડે) નિમિત્તે 23 ઓગસ્ટે અમદાવાદ ખાતે ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (એસએસી) દ્વારા આ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ટીમ એરોએ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવી રૂા. 10 લાખનું રોકડ ઈનામ પ્રાપ્ત કર્યું હતું. આ એવોર્ડ વિતરણ સમારોહમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્રાસિંહ શેખાવત, ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, ઈસરોના ચેરમેન ડો. વી. નારાયણન, એસએસી, યુઆરએસસી, એનઆરએસસી અને એચએસએફસીના ડિરેક્ટર્સ તેમજ ભાવિ ગગનયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં કોઈ પણ પ્રકારની માનવ મદદ વગર કાર્ય કરી શકે તેવા ઓટોનોમસ ડ્રોન મિશનની થીમ રાખવામાં આવી હતી. આ મિશન અંતર્ગત ડ્રોને સંપૂર્ણ સ્વાયત્ત રીતે ટેક-ઓફ કરવું, જીપીએસ રહિત વાતાવરણમાં નેવિગેટ થવું, ચોક્કસ માર્કર્સ ઓળખવા, ઓટોનોમસ ચાર્જિંગ ડોક પર લેન્ડિંગ કરી માનવ હસ્તક્ષેપ વગર રિચાર્જ થવું, મિશન ડેટા બેઝ સ્ટેશનને ટ્રાન્સફર કરવો અને ફરીથી ઉડાન ભરવી જેવા જટિલ કાર્યો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઇ) અને ઈમેજ પ્રોસાસિંગ ટેક્નોલોજી દ્વારા પાર પાડવાના હતા. આ ફાઈનલ મિશન માટે ટીમોને 45 મિનિટનો સમય અપાયો હતો, પરંતુ ઝરણા અને તેની ટીમે આ કામગીરી માત્ર 4 મિનિટમાં જ સફળતાપૂર્વક પૂર્ણ કરી નેશનલ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું.

Panchang

dd