ભુજ, તા. 30 : કચ્છ-બૃહદ કચ્છવાસીઓ જેની આતૂરતાપૂર્વક
રાહ જોતા હોય છે તે ભુજ ખાતે હમીરસર કિનારે યોજાતા સાતમ-આઠમના મેળાનો કોન્ટ્રાક્ટ 8.96 લાખમાં ધ સ્ટેશનરી મોલને સોંપાયો
હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષની તુલનાએ સુધરાઇને આ વર્ષે દોઢેક લાખ વધુ મળ્યા હતા. ભુજના
હમીરસર કાંઠે યોજાતો સાતમ-આઠમનો મેળો હવે શનિ-રવિવારની આજુબાજુ જ હોવાથી ચાર દિવસીય
બની ગયો છે. શ્રાવણ માસ આવતાં જ તહેવારોની
ઉજવણીઓ શરૂ થઇ જતી હોય છે, જે અંતર્ગત યોજાતા ઉપરોકત મેળામાં
કચ્છમાંથી તો મોટી સંખ્યામાં મેળાના માણીગરો ઊમટતા હોય છે, સાથોસાથ
દેશ-વિદેશથી પણ અનેક લોકો ખાસ આ મેળો માણવા આવતા હોય છે. અપૂરતા વરસાદને પગલે હજુ સુધી
હમીરસર તળાવ નવાં નીરનાં હિલોળાથી વંચિત છે પરંતુ તળાવ કિનારે ચૂનાથી પ્લોટ પાળવાનું
શરૂ થાય તે સાથે જ મેળાના માણીગરોના હૈયાં હિલોળા લેવાનું શરૂ થઇ જતાં હોય છે અને આગોતરો
ઉત્સાહ ફેલાયેલો રહે છે. ભુજ સુધરાઇ દ્વારા થોડા દિવસો પહેલાં મેળાનો કોન્ટ્રાક્ટ આપવા
ટેન્ડર બહાર પડાયું હતું, જેની અંતિમ તારીખ સુધી પાંચેક પાર્ટીઓએ
મેળો લેવા રસ દાખવ્યો હતો. ગઇકાલે નગરપાલિકા ખાતે પ્રમુખ શીતલ શાહ, કારોબારી ચેરમેન કમલ ગઢવી તેમજ ટેન્ડર ભરનારાઓની ઉપસ્થિતિમાં ટેન્ડર ખોલાયાં
હતાં, જેમાં સૌથી વધુ ભાવ એટલે કે, 7.60 લાખ અને જીએસટી મળી 8.96 લાખ રૂપિયા ભુજના ધી સ્ટેશનરી
મોલના હોવાથી તેમને મેળાનો કોન્ટ્રાક્ટ ફાળવાયો હતો. આગામી માસની તા. 3/9 અને 4/9 બે દિવસીય હમીરસર કિનારે મેળો
યોજાશે. ત્યારબાદ શનિ-રવિવાર હોવાથી મેળાનો કોન્ટ્રાક્ટ લેનાર વધારાના બે દિવસ મેળો
ચલાવશે તેવું લાગી રહ્યું છે.