• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

`કાલર' સંસ્કૃતિ જીવંત થાય તો ચારાની અછત ન રહે

અંબર અંજારિયા દ્વારા : ભુજ, તા. 30 : સમાજની ભૂખ ભાંગતી ખેતી જેના પર આધારિત છે, તેવી આપણી સંસ્કૃતિમાં માતાનો મમતાભર્યો દરજ્જો મેળવનાર ગાય સહિત 20 લાખથી વધુ પશુઓ ધરાવતા રણપ્રદેશ પર વરસાદી વહાલ નહીં વરસતાં ઘાસચારાની અછતથી અકળાઈ રહ્યો છે. માત્ર ખેડૂત કે પશુપાલક જ નહીં, પરંતુ  સૌએ સાથે મળીને ચારાની ચિંતા કરવી પડશે... ચારાની અછતની કપરી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે છેલ્લા દોઢેક દાયકાથી લખપત લુપ્તપ્રાય થઈ ગયેલી ઘાસચારાનો બેથી ત્રણ વર્ષ સુરક્ષિત સંગ્રહ કરવાની કમાલ કલા સમાન `કાલર' પ્રથાને પુન: જીવંત કરવી જોઈએ તેવો મત જાણકાર, જાગૃત કૃષિચિંતકો વ્યક્ત કરી રહ્યા છે. કચ્છની ધરતી પર ધમધમતા ખમતીધર ઉદ્યોગગૃહો, સંસ્થાઓ, સરકાર સહિયારી મદદ કરે, તેવી માંગ પણ અસ્થાને નથી અને ચારાની અછતથી અકળાતા વર્ગનો અધિકાર પણ  છે... પરંતુ `કાલર' જેવી જૂની અને જાણીતી `ચારા સંગ્રહ'ની પરંપરા પુન: જીવંત બને તો નબળાં વર્ષમાં ચારા વિના પશુઓ ભુખ્યાં ન રહી જાય... ગાયને ચારો-પાણી ન મળવાથી તેની શોધમાં પશુપાલકોની હિજરતની ભીતિ પણ વધી જાય. દૂધનું ઉત્પાદન પણ ઘટી જાય... ચારાની અછતનાં પરિણામરૂપે સર્જાતી વિકટ સ્થિતિ રણપ્રદેશના અર્થતંત્ર પર અસર કરે છે.

ચારા સંગ્રહ માટે `કાલર' બનાવવી કમાલ કલા છે

`કાલર' એક ભૂંગા જેવું મજબૂત માળખું છે. ગમે તેટલો વરસાદ પડે તોય અંદર પાણીનું એક ટીપું પણ ન જાય, તેવી અદ્ભુત રચના કરીને તેની અંદર સતત બે કે ત્રણ વર્ષ વરસાદ પડે તો પણ ખૂટે નહીં, તેટલાં ઘાસચારાનો સંગ્રહ કરાતો. આવી `કાલર'ની રચના કરવી એ એક કમાલની કલા છે... કૌશલ્ય છે. તેના ખાસ કારીગરો હતા. આ અદ્ભુત `ચારારક્ષક' પ્રાચીન પરંપરાની સાથોસાથ આધુનિક ખેતીની એક ટેકનોલોજી પણ ચારા અછતનાં સંકટને દૂર કરવાનો અકસીર ઈલાજ છે, જેનું નામ છે નોન વુવન યુવી  ટનલ ટેકનોલોજી. આ ટેકનોલોજીની મદદથી બારેમાસ ઘાસચારાની ખેતી થઈ શકે છે... તેની થોડીક વાત પણ આગળ પર કરશું. વિવિધ કૃષિપોષક પ્રવૃત્તિઓ કરતી `સાત્ત્વિક' સંસ્થાના યુવા સંયોજક પ્રવીણ મૂછડિયા કહે છે કે, દરેક ગામમાં કાલર બનાવવાની પ્રથા હતી. બેથી ત્રણ વર્ષ ચાલે તેટલો ઘાસચારાનો સંગ્રહ કરાતો. છેલ્લે સુધી અબડાસા, પ્રાંથળમાં આ વ્યવસ્થા મજબૂત હતી, પરંતુ છેલ્લા 15 વર્ષથી આ પ્રથા તૂટી છે. વરસાદ વરસોવરસ સારો થવા માંડતાં ખેડૂતો-પશુપાલકો થોડા બેફિકર બની ગયા અને હવે વાંધો નહીં આવે તેવા વિચારે ચિંતામુક્ત બની, `કાલર' સંસ્કૃતિને ભૂલી ગયા.

કાઠડામાં કમાલ પરંપરા : જન્મ દિવસે ચારા માટે દાન

ભારમલભાઈ કહે છે કે, 2019માં દુકાળ પડયો ત્યારથી કાઠડામાં `પશુપોષક પરંપરા' શરૂ  કરાઈ. ગામમાં કોઈનો જન્મ દિવસ હોય, ઉત્તરક્રિયા, વડીલોની સ્મૃતિમાં, નવાં ઘરનું વાસ્તુ, વાહન ખરીદી જેવા પ્રસંગોએ ચારા માટે દાન અપાય છે. આ પરંપરાથી દરમહિને દોઢ લાખ રૂપિયા જેટલું ભંડોળ એકઠું થઈ જાય છે. ગામેગામના લોકોએ ચારા વિના ગાય માતા ભૂખી ન રહે તેની જવાબદારી સ્વીકારીને આ પરંપરામાંથી પ્રેરણા લેવી જોઈએ. અત્યારે ઘાસચારો છેક પંજાબથી આવી રહ્યો છે. ત્યારે વિવિધ સમાજો, દાતાઓ વિના વિલંબ આગળ આવીને ગાયને ચારો પૂરો પાડવા પીઠબળ પૂરું પાડે તેવી અપીલ પણ કિસાન-પશુપાલક સમુદાય કરી રહ્યો છે.

ઉદ્યોગો પશુદીઠ 20 રૂપિયા આપે તોયે નિભાવ થઈ જાય

અત્યારે સરકાર ઘાસચારા માટે પશુદીઠ 30 રૂપિયા સબસીડી આપે છે, પરંતુ તે પૂરતી નથી. કચ્છની ધરતી પર ધમધમતા ખમતીધર ઉદ્યોગગૃહો પણ સાથે મળીને પશુદીઠ 20 રૂપિયા આપે તો સરકાર અને ઉદ્યોગોનું પીઠબળ મળીને 50 રૂપિયામાં પશુઓને પોષણ પૂરું પાડી શકાય તેમ છે, તેવું સૂચન કૃષિચિંતકો કરી રહ્યા છે.

અત્યારે ગાયમાતા માટે ઘાસચારાની અછતની કપરી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ઉદ્યોગો થોડા સમયગાળા પૂરતું કોર્પોરેટ સામાજિક જવાબદારી (સીએસઆર) હેઠળ અન્ય તમામ પ્રવૃત્તિઓ કરતાં પહેલાં ચારા માટે પીઠબળને પ્રાથમિક્તા આપે તો દૂધ, ગોબર, ગૌમૂત્ર સહિત ઉપયોગી વસ્તુઓ આપતી ગાયમાતાઓ અકાળે જીવ ન ખોવે.

યુવાનો પોતાના ખર્ચમાં કાપ મૂકી ચારાદાન કરે

ગામેગામના યુવાનો સાથે મળીને પોતાના ખર્ચ પર કાપ મૂકે અને ઘાસચારા માટે ભંડોળ એકઠું કરે તો અછતનો આ કપરો કાળ કપાઈ જાય તેમ છે, તેવું સૂચન પણ કરતાં કૃષિ જગતની ચિંતા કરનારાઓ કહે છે કે, ઢોરવાડા, ઘાસડેપો ધમધમતા કરી, સરકાર પણ કચ્છના કિસાનો-પશુપાલકો, ગાયમાતા, પશુઓની સામે જુએ.

સુડધ્રોમાં સુંદર ચારાસંગ્રહ, તેરાનાં લિંક તળાવ યાદ આવે

સુડધ્રો ગામ પાસે ચારાસંગ્રહ માટેની સુંદર વ્યવસ્થા હતી. બે વર્ષ સતત દુકાળ પડે તો પણ પશુઓ માટે પૂરતો ચારો મળી રહેતો હતો. ખાસ પશુઓ માટે પીવાનાં પાણીનાં તળાવ હતાં. અબડાસાનાં તેરામાં લિન્ક તળાવો હતાં. લોકો અને પશુઓ માટે પીવાનાં પાણીનાં અલગ-અલગ તળાવો હતાં. દુકાળનાં દર્દથી દાઝવાનો લાંબો, વર્ષોનો અનુભવ ધરાવતા વડીલ ખેડૂતો, પશુપાલકોએ દીર્ઘદૃષ્ટિ સાથે આ બધી અદ્ભુત વ્યવસ્થા ઊભી કરી હતી.

યુવાનો પોતાના ખર્ચમાં કાપ મૂકી ચારાદાન કરે

ગામેગામના યુવાનો સાથે મળીને પોતાના ખર્ચ પર કાપ મૂકે અને ઘાસચારા માટે ભંડોળ એકઠું કરે તો અછતનો આ કપરો કાળ કપાઈ જાય તેમ છે, તેવું સૂચન પણ કરતાં કૃષિ જગતની ચિંતા કરનારાઓ કહે છે કે, ઢોરવાડા, ઘાસડેપો ધમધમતા કરી, સરકાર પણ કચ્છના કિસાનો-પશુપાલકો, ગાયમાતા, પશુઓની સામે જુએ.

નોન વુવન યુવી ટનલ ટેકનોલોજીથી બારેમાસ ચારો વાવી શકાય

`કાઝરી' સંચાલિત કેવિકે ભુજના મુખ્ય વૈજ્ઞાનિક અને અભ્યાસુ અધિકારી ડો. મનીષ  કંવટ કહે છે કે, અમે ખારાં પાણી-જમીનમાં પણ બારેમાસ પાકી શકે તેવા વિવિધ જાતના ચારાની ઓળખ કરી, કચ્છમાં તેની સફળ ખેતી કરી બતાવી છે. કચ્છમાં કેવું છે કે, ગામેગામ ગૌચર જમીન છે. તેના પર નોન વુવન યુવી ટનલ ટેકનોલોજીની મદદથી બારેમાસ ચારાની ખેતી શક્ય છે, તેવી ચારાની અછત વચ્ચે આશા જન્માવતી વાત ડો. કંવટે કરી છે. નોન વુવન યુવી ટનલ ટેકનોલોજીની મદદથી ગિની ઘાસ, રંજકો, બાજરો, જવ, ફોડરબીટ જુવાર, ગોવાર સહિત ચારાની ચાર મિશ્રખેતી પ્રણાલી ચારાની અછત થવા ન દે.આમ તો કચ્છમાં કાઠડા, કનકપર અને એવાં ઘણાં બધાં ગામો ગૌચર જમીનને જીવતી કરીને તેના પર ઘાસચારાની ખેતી કરવા સાથે ચારા બેન્ક જેવી વ્યવસ્થા કરવા માટે જાણીતાં છે. કાઠડાના કર્મઠ કિસાન ભારમલભાઈ ગઢવી કહે છે કે, કચ્છે ચારાની ચિંતા કરવી જોઈએ. કેનાલમાં પણ પૂરતાં નર્મદાનાં પાણી નથી આવતાં ત્યારે જનપ્રતિનિધિઓ થોડાક સક્રિય બને તેવી પણ ખેડૂત સમુદાયમાં લાગણી છે.

Panchang

dd