• સોમવાર, 10 ઑગસ્ટ, 2026

અહંકાર એ ઐશ્વર્ય-વૈભવનું કલંક

ભુજ, તા. 9 : આરાધના ભવન જૈન સંઘના આંગણે દુર્બુદ્ધિ, સદ્બુદ્ધિ અને બોધિબુદ્ધિ વિષય પર જૈનાચાર્યની રવિવારીય પ્રવચનમાળા યોજાઈ હતી. આત્મદર્શનસૂરિશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું કે, મલિનબુદ્ધિ, કુરિતબુદ્ધિ, કુંઠિતબુદ્ધિ, કર્તવ્યબુદ્ધિ અને કલ્યાણબુદ્ધિએ બુદ્ધિના પાંચ પ્રકાર છે, જેમાં પ્રથમ ત્રણ દુર્બુદ્ધિ છે. ચાર અને પાંચમા ક્રમાંકની બુદ્ધિ અનુક્રમે સદ્બુદ્ધિ અને બોધિબુદ્ધિ છે. જીવનનું અંતિમ લક્ષ્ય સદ્બુદ્ધિ અને બોધિબુદ્ધિ તરફના પ્રયાણનું છે. જૈનાચાર્ય દુર્બુદ્ધિથી સદ્બુદ્ધિ અને અંતે બોધિબુદ્ધિ તરફ પ્રયાણ કરવાની માસ્ટર કિ બનાવતાં જણાવ્યું હતું કે, બુદ્ધિ અપૂર્ણ છે. કોઈ પણ માનવી સંપૂર્ણ નથી. આસક્તિ અને અહંકાર માનવીને સદ્બુદ્ધિ અને બોધિબુદ્ધિ તરફ આગળ વધવામાં બાધરૂપ છે. આ બંને બુદ્ધિના દોષો છે. અહંકાર એ સંપત્તિ, ઐશ્વર્ય અને વૈભવનું કલંક છે. આધ્યાત્મિક દુનિયામાં આસક્તિઓ ડાયાબિટીશ છે, અહંકાર એ એઈડ્સ છે અને ક્રોધ એ કોરોના છે. આ તમામને છોડવા માટે કષાયની સુરંગ તોડવી જ પડે. મરીને સ્વર્ગ ત્યારે જ મળે જેણે ઘરમાં સ્વર્ગ ઊભું કર્યું હોય. વાણી કેવી બોલવી, આગ જેવી, કાંટા જેવી, હવા જેવી, પુષ્પ જેવી કે વાંસળી જેવી એ આપણા હાથમાં છે. માટે જીવનને સુગંધિત બનાવવા માટે સુમધૂર બોલો, જાતે કરો, જતું કરો અને જોયા કરો, એ સૂત્રને આત્મસાત કરો અને સંભળાવી દેવાની નહીં, પરંતુ શાંતિથી અન્યને સાંભળવાની કળા હૃદસ્થ કરવાની પૂ. શ્રીએ દરેકને શીખ આપી હતી, તેવું માનદમંત્રી ચંદુભાઈ ગઢેચા અને મીડિયા કન્વીનર વેલજીભાઈ મહેતાની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.

Panchang

dd