દયાપર (તા. લખપત), તા. 9 : ઔદ્યોગિક
એકમોથી ધમધમતા પાનધ્રો પાસે આવેલી સરકારી વસાહત વર્માનગર ખાતેનું શોપિંગ સેન્ટર જર્જરિત
થતાં હવે ગમે ત્યારે પડી શકે તેવી હાલતમાં છે. જેના કારણે અહીં આવેલી બેન્ક ઓફ બરોડા
અને પોસ્ટ ઓફિસ કચેરી જીએમડીસી ક્વાર્ટરમાં ખસેડાઇ છે. જ્યારે પાનધ્રો ખાણ ધમધમતી હતી
ત્યારે શોપિંગ સેન્ટરમાં ખાદી ઉદ્યોગ, સસ્તા અનાજની દુકાન, મંડળીની દુકાન, શાકભાજી, અનાજ કરિયાણું, વત્ર તમામ
દુકાનોમાં સાંજે ભીડ લાગતી, એટલું જ નહીં, તે સમયે દેના બેન્ક (હાલમાં બેન્ક ઓફ બરોડા)ની શાખા આ સંકુલમાં હતી તો પોસ્ટ
ઓફિસ પણ ધમધમતી હતી. વર્ષ 2008માં પાનધ્રો લિગ્નાઇટ ખાણ બંધ થઇ અને પછી પાનધ્રો વીજ મથકના
બે એકમ બંધ થતાં ક્રેપ થયાં. મોટાભાગના કર્મચારીઓની અહીંથી અન્યત્ર બદલી થતાં વર્માનગરમાં
50 ટકાથી પણ ઓછી વસ્તી થઇ ગઇ.
અકરી થર્મલ પાવર સ્ટેશન ખાનગી કંપનીને ચલાવવા અપાતાં તે સ્ટાફની પણ અહીંથી બદલી થઇ, જીએમડીસીએ 200થી વધુ મકાન જર્જરિત થતાં તોડી
પાડયાં. ડબલ ડી ટાઇપ, સિંગલ ડી ટાઇપ
મકાનોનું તો નામોનિશાન ન રહ્યું ...! જેમ મકાનો જર્જરિત થયાં તેમ શોપિંગ સેન્ટરને પણ
અંદાજિત 40 વર્ષ જેટલો
સમય થયો જેનું બાંધકામ જીએમડીસી દ્વારા કરાયું હતું. શોપિંગ સેન્ટર જર્જરિત થતાં ધમધમતો
વિસ્તાર સૂમસામ ભાસે છે. જીએમડીસી દ્વારા બીજા મકાનો બનાવવાનું કામ ચાલુ થવાનું છે, ત્યારે શોપિંગ સેન્ટર પણ નવું બને તેવી આશા
જાગી છે. હાલમાં જર્જરિત થતાં દુકાનો એકતાનગર અને વર્માનગર ગેટ પાસે કાર્યરત થઇ છે.
ખાદી ભંડારની શાખા બંધ થઇ છે.