ગાંધીધામ, તા. 9 : દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા
સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત વાયબ્રન્ટ તિરંગા યાત્રા સાથે `હર ઘર તિરંગા' ઉજવણીનો આરંભ કરાયો હતો. વિશાળ તિરંગા સાથે નીકળેલી આ યાત્રા દરમિયાન દેશભક્તિનો
અનેરો માહોલ સર્જાયો હતો `વંદે માતરમ્'ની ભાવનાને સમર્પિત `હર ઘર તિરંગા' અભિયાનની ઉજવણીનો પ્રારંભ પોર્ટ કોલોની- ગોપાલપુરી
ખાતેથી કરાયો હતો. ડી.પી.એ. ચેરમેન સુશીલકુમાર સિંઘ દ્વારા તિરંગા યાત્રાનું નેતૃત્વ
કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં ડીપીએના અધિકારીઓ અને કર્મચારીઓ, સીઆઈએસએફ કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, દીનદયાળ મહિલા શક્તિ કેન્દ્ર (ડીએમએસકે), સુરક્ષા કર્મચારીઓ
અને સામાન્ય જનતા સહિતના ઉમંગભેર જોડાયા હતા. આ યાત્રા દરમ્યાન ભાઈચારો અને દેશભક્તિનાં
દર્શન થયાં હતાં. ત્રિરંગાના રંગમાં રંગાયેલા અને દેશભક્તિના ઉત્સાહથી ગુંજી ઊઠેલી
પોર્ટ ટાઉનશિપમાં એક જીવંત દૃશ્ય રજૂ થયું હતું. સહભાગીઓએ સમગ્ર યાત્રા દરમિયાન ગર્વથી
રાષ્ટ્રધ્વજ વહન કર્યો હતો. વાતાવરણ દેશભક્તિના સૂત્રો અને વંદે માતરમ્ની ભાવનાથી ગુંજી
ઊઠ્યું હતું, રાષ્ટ્ર પ્રત્યે ગર્વ, એકતા
અને ભક્તિની ઊંડી ભાવના પ્રતાબિંબિત થઇ હતી. નાગરિકોને ત્રિરંગાને માત્ર રાષ્ટ્રીય પ્રતીક તરીકે જ નહીં,
પરંતુ ભારતની એકતા, સાર્વભૌમત્વ અને સહિયારી રાષ્ટ્રીય
ઓળખના સ્વરૂપ તરીકે ઊજવવા માટે પ્રોત્સાહિત કરીને `હર ઘર તિરંગા'ની ભાવનાને મજબૂત બનાવવાના હેતુથી યાત્રાનુ આયોજન
કરાયું હતું. પોર્ટ સમુદાય, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને સ્થાનિક સમુદાયની ઉત્સાહી ભાગીદારી સાથે દીનદયાલ પોર્ટે `વંદે માતરમ્'ની શાશ્વત ભાવનાને સમર્પિત - રાષ્ટ્રીય ગૌરવ,
એકતા અને સામૂહિક ભાગીદારીના મજબૂત સંદેશ સાથે હર ઘર તિરંગાની ઉજવણી
કરાઈ હતી.