ગાંધીધામ, તા. 31 : આજકાલ માણસ ગુસ્સા કે કંટાળામાં
શું ન કરે ? કોઇ રૂમ બંધ કરીને બેસી
જાય, તો કોઇ ઘર છોડીને ભાગી જાય, પણ આ શહેરમાં
એક મહાશયે તો કંટાળો ઉતારવાનો એવો હાઇટેક અને ઊંચો રસ્તો શોધ્યો કે લોકે શ્વાસ અદ્ધર
કરીને તમાશો જોવા મજબૂર થયા હતા. શહેરના ટાગોર રોડ નજીક લીલા હોસ્પિટલની સામે સપનાનગર
તરફ જતા માર્ગ પરના એક ખાનગી મોબાઇલ ટાવર પર આજે અચાનક એક શખ્સ ચડી બેઠો હતો. લોકોએ
વિચાર્યું કે, કદાચ નેટવર્ક પકડાતું નહીં હોય એટલે ઉપર ગયો હશે,
પરંતુ આ શખ્સ નશામાં દ્યુત અને ટાવરની છેક ટોચ પર પહોંચીને આરામથી સૂઇ
ગયો હતો. આ ભાઇને ટાવર પર નિરાંતે સૂતેલા જોઇને નીચે ભેગા થયેલા લોકોમાં ભારે દોડધામ
થઈ પડી હતી. ત્યારે સૌ કોઇ મુંઝાયા હતા કે આ સુપરમેનને નીચે કેમ ઉતારવો ? આખરે એક યુવાને તેને બચાવવાના ઉમદા આશયથી ટાવર પર ચડવાનું જોખમ લીધું,
પરંતુ આ યુવાન ઉપર પહોંચીને સૂતેલા શખ્સને જગાડવા જતાં આ ટાવરરાજાનો
પિત્તો ગયો હતો અને પેલા યુવાનને લાફા ઝીંકી દીધા હતા. મહામહેનતે કાલાવાલા કરીને અને
સમજાવી-પટાવીને આખરે આ હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત આણવામાં આવ્યો અને શખ્સને નીચે ઉતારાયો
હતો. તે હેમખેમ નીચે આવતાં સ્થળ પર હાજર લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આ શખ્સ ઘરના કંટાળા
અને ગૃહકંલેશથી એવો કંટાળ્યો હતો કે, શાંતિથી ઊંઘવા માટે તેને
આખા ગાંધીધામમાં મોબાઇલ ટાવરની ટોચ જ સૌથી સુરક્ષિત અને શાંત જગ્યા લાગી હોવાનું પોલીસ
સૂત્રોએ જણાવ્યું હતું.