• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

કોઠારાનાં પ્રા. આરોગ્ય કેન્દ્રમાં તબીબની અનિયમિતતાના કારણે હાલાકી

કોઠારા (તા. અબડાસા), તા. 31 : અહીંનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કેટલાક સમયથી ડોકટરની અનિયમિતતાના અભાવે અહીં આવતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે કચ્છમિત્રની ટીમને જાણવા મળ્યું કે, અહીં કાયમી એમબીબીએસ અને એક આયુષ ડોક્ટર છે, પણ આઠ દિવસમાં છ દિવસ તો તાલીમમાં હોય છે અને આયુષ ડોક્ટરને અન્ય જગ્યા પર વધારાના ચાર્જ સોંપી દેવામાં આવતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જાણે બીમાર હોય એવું લાગી રહ્યું હતું, દર્દીઓ માટે સીએચઓને બેસાડી દેવામાં આવે છે અને એના દ્વારા અહીના દર્દીને માત્ર પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. આમ તો સીએચઓને ગામડાંમાં જે સબ સેન્ટર આવેલાં હોય, ત્યાં હાજર રહેવાનું હોય છે, પણ અહીં ડોક્ટરના અભાવના કારણે બેસાડી દેવામાં આવ્યા છે, જેથી અહીં આવતા બહારગામના દર્દીને સારવારમાં હાલાકી ભોવવી પડે છે. કોઠારામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને 23 જેટલાં ગામ લાગુ પડે છે તેમછતાં અહીં આવી હાલત છે. આ અંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિનોદભાઈ દરજી અને ગામના યુવા આગેવાન પી.જે. સોઢા અને અન્ય લોકો સાથે મુલાકાત લીધી, ત્યારે અહી કોઈ પણ ડોક્ટર હાજર ન હોતા  ચેમ્બર ખાલી જોવા મળી હતી. વિનોદભાઈએ જણાવ્યું કે, અહીંના ડોક્ટરને અન્ય ગામના ચાર્જ આપી દેવાતાં કોઠારા જેવાં મોટા સેન્ટરમાં આવી પરિસ્થિતિ ઊભી થઈ છે અને મોંઘા ભાડા ખર્ચીને આવતા દર્દીને યોગ્ય સારવાર મળતી નથી. અકસ્માત કે અન્ય કોઈ ગંભીર ઘટના બને, તો ભુજ કે માંડવી જવું પડે છે, જેથી અહીં કાયમી ડોક્ટર મળે અને કોઠારા પીએચસીને સીએચસી બનાવવામાં આવે એવી માંગ કરી છે. જો ઉકેલ નહીં આવે, તો ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવવાની ચીમકી પણ આપવામાં આવી હતી. 

Panchang

dd