• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

પાવરપટ્ટીમાં ઘાસ વિતરણમાં અવ્યવસ્થા

નિરોણા (પાવરપટ્ટી), તા. 31 : કચ્છમાં રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત વિસ્તારોના માલધારીઓને રાહતદરે ઘાસ વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ પાવરપટ્ટીમાં ઘાસ મેળવવા માટે ઘાસકાર્ડ બનાવવાની પ્રક્રિયા ગોકળગતિએ થયા પછી મળેલા ઘાસકાર્ડ પર ઘાસ મેળવવામાં પરેશાની હોવાની ફરિયાદ ઊઠી હતી. પંથકના ઓરીરા નજીક આવેલા વન વિભાગના ઘાસ ગોડાઉનમાંથી પશુપાલકોને ઘાસ વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરંતુ ત્યાં વિતરણ વ્યવસ્થા એકમાત્ર વન વિભાગના મહિલા કર્મચારીના હવાલે હોઇ ઘાસ મેળવવા પશુપાલકોને ભારે મુશ્કેલી ઊભી થઇ છે. તેવું પશુપાલકો જણાવે છે. અહીં ઘાસ મેળવવા માટે માલધારીઓ વાહનો સાથે આવ્યાં પછી વિતરણ વ્યવસ્થામાં અવ્યવસ્થાને લઇ ખાસ કરીને ટ્રેક્ટરોની લાંબી-લાંબી કતારો જોવા  મળી હતી. અન્ય સ્થળોએથી આયાત કરીને  ઘાસની વેંચાણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. માલધારીઓના જણાવ્યા પ્રમાણે પંથકમાં થયેલા થોડા વરસાદ પછી સીમાડાના ઘાસ ઊગી પશુઓના મોઢાં સુધી પહોંચે તેને સમય લાગી શકે છે. ત્યારે વહેલામાં વહેલી તકે અરજદારોને ઘાસકાર્ડ આપી ઘાસનું સહેલાઇથી વિતરણ કરવામાં આવે તે અતિ જરૂરી છે. 

Panchang

dd