• રવિવાર, 02 ઑગસ્ટ, 2026

ખડીર-ચોબારીમાં દોઢથી બે ઇંચ : ગાંધીધામ-ભચાઉમાં એક ઈંચ,ભુજમાં ઝરમર હાજરી

ભુજ, તા. 31 : બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, તો રાજ્યમાં ઓફશોર ટ્રફ, પશ્ચિમી વિક્ષોભ સહિતની સક્રિયતાના કારણે અનેક સ્થળે વરસાદ વરસવો શરૂ થયો છે ત્યારે હવામાન વિભાગે આજે કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી સંભાવના વચ્ચે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. રવિવારે પણ જિલ્લામાં ભારે વરસાદ માટેનું યલો એલર્ટ જારી કરાયું છે. સમગ્ર રાજ્યમાં ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી વચ્ચે મોડી સાંજે પૂર્વ કચ્છમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. પૂર્વ કચ્છના તાલુકાઓમાં પવન સાથે ભારે વરસાદી ઝાપટું વરસ્યું હતું. વરસાદ શરૂ થતાંની સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વાગડથી મેઘરાજાનાં આગમન બાદ ભચાઉ, ગાંધીધામ અને અંજારમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદની આ ઇનિંગ્સ દરમિયાન અડધાથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. વરસાદી સર્કિટની અસરથી સવારથી સખત ઉકળાટ અને વાદળછાયાં વાતાવરણ વચ્ચે સાંજે રાપર અને ખડીરમાં વરસાદ પડ્યો હતો. સાંજે છ વાગ્યે રાપરમાં વરસાદી ઝાપટાં પડતાં રસ્તા પરથી જોશભેર પાણી વહ્યાં હતાં. ભારે વરસાદી ઝાપટાંથી શહેરની મુખ્ય બજારમાં જોશભેર પાણી વહી નીકળ્યાં હતાં, તો ખડીરમાં સાંજે ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હોવાનું ધોળાવીરાથી સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું હતું. અંદાજે દોઢેક ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું, તો રામવાવ અને ચોબારી પંથકમાં પણ તોફાની પવન સાથે વરસાદી ઝાપટાં પડયાં હોવાનું અમારા પ્રતિનિધિ રામજી મેરિયાએ જણાવ્યું હતું. સતત એક કલાક સુધી વરસાદ વરસતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. વાતાવરણમાં બફારો અને ભેજ હોતાં રાત્રે હજુ વધુ વરસાદની શક્યતા નકારી શકાય નહીં. દરમિયાન, રાત્રે 9.30ના અરસામાં ભુજમાં ધીમી ધારે વરસાદ વરસવો શરૂ થયો હતો. ગાંધીધામ-આદિપુરમાં દિવસભર સૂર્યપ્રકાશિત વાતાવરણ રહ્યું હતું તેમજ શહેરીજનો ભારે બફારાનાં કારણે ત્રસ્ત બન્યા હતા. રાત્રે 8.15 વાગ્યાના અરસામાં વાતાવરણ પલટાયુ હતું. પવન સાથે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. ધોધમાર હેલી વરસતાં ગાંધીધામ-આદિપુરના માર્ગો ઉપર વરસાદી પાણી જોશભેર વહી નીકળ્યાં હતાં. વરસાદ શરૂ થતાંની સાથે જ જોડિયા નગરોમાં વીજ પુરવઠો ઠપ થઈ જતા અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી. સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા એવી પરિસ્થિતિ સર્જાઇ છે. આ લખાય છે ત્યારે રાત્રિના પણ વરસાદી માહોલ બરકરાર રહ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં શહેરીજોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, અંધારપટનાં કારણે શહેરમાં ખોદાયેલા ખાડાઓથી જોખમી સ્થિતિ સર્જાવાની દહેશત લોકોને સતાવી રહી છે. ભચાઉમાં સંધ્યા સમયે વરસાદ સખત પવન સાથે વરસી પડ્યો હતો. વીજળીના કડાકા અને સુસવાટા મારતા પવન સાથે ભચાઉમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. આધોઇ, સામખિયાળી, આમરડી, સિકરા ગામે સખત પવન સાથે એક કલાક વરસાદ વરસી પડ્યો હતો. અગાઉ વરસાદ બાદ વાવણીકાર્ય ચાલી રહ્યું છે, ત્યારે આ વરસાદ થકી ખેડૂતો ખુશી અનુભવી રહ્યાનું આધોઈથી ભીમજીભાઈ પટેલે જણાવ્યું હતું. ચોબારી, મનફરા, ખારોઈ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. કચ્છમાં આગાહીની વચ્ચે વરસાદની ભારે પવન અને વીજના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વરસાદની શરૂઆત થતાં અડધા કલાકમાં જ અડધા ઇંચ જેટલો વરસાદ પડયો હતો, જ્યારે પવન અને ગાજવીજ ચાલુ હતા ત્યારે વીજ પુરવઠો ચાલુ હતો, જ્યારે વરસાદ અને ગાજવીજ શાંત થયા ત્યારે વીજ પુરવઠો બંધ થઇ ગયો હતો. છેલ્લા બે મહિનાથી દુધઇ પંથકમાં પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ થોડા વરસાદમાં વીજ પુરવઠો બંધ થતાં દુધઇમાં અંધારપટ છવાયો હતો. વરસાદ વરસવાની પ્રબળ શક્યતા વચ્ચે જિલ્લામાં ગરમી-ઉકળાટનું સામ્રાજ્ય જોવા મળ્યા બાદ મોડી સાંજથી વાગડ વિસ્તારમાં વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી. પવન-ગાજવીજ સાથે તોફાની વરસાદનાં મંડાણ થયાં બાદ જિલ્લામાં અન્ય જગ્યાએ પણ મેઘસવારી પહોંચવાની આશા પ્રબળ બની હતી. રાપર અને ભચાઉ તાલુકાનાં ગામોમાં વરસાદના મંડાણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરાવી હતી. અલગ-અલગ પાંચ જેટલી સિસ્ટમના પ્રભાવથી વરસાદ વરસવાની સંભાવના વચ્ચે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કરતાં તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળ્યું હતું. ડિપ્રેશન 24 કલાકમાં નબળું પડીને વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવવાની શકયતા છતાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થાય તેવી ખૂબ ઓછી સંભાવના છે. અંજાર - ગાંધીધામ વિસ્તારમાં 36.2 અને ભુજમાં 35.6 ડિગ્રી તાપમાને આખો દિવસ ગરમી-ઉકળાટનો અનુભવ થયો હતો. દિવસ દરમિયાન વાદળોની આવન-જાવન યથાવત્ રહી હતી. અત્યાર સુધી ઓછી મેઘકૃપા મેળવનાર કચ્છની વરસાદની ઘટ આ વરસાદી રાઉન્ડમાં પુરાય તેવી સંભાવના હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. 

Panchang

dd