ગાંધીધામ, તા. 31 : કચ્છનાં બે મહાબંદરના કારણે
માલ-ભાડાની આવકમાં સમગ્ર પશ્ચિમ રેલવેમાં સાર્વધિક આવક મેળવતા કચ્છ એરિયામાં માળખાંકીય
સુવિધાઓ વિકસાવામાં રેલવે દ્વારા વિવિધ પ્રોજેક્ટો હાથ ધર્યા છે. સામખિયાળી-ગાંધીધામ
સુધીના ફોર ટ્રેકનાં ચાલતાં કામ પૈકી સામખિયાળીથી ભચાઉ સુધી ત્રીજી અને ચોથી લાઈનનું
કામ પુર્ણ થયું હતું. આજથી નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. રેલવેના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો
મુજબ સફળ એન્જિન ટ્રાયલ પૂર્ણ થયા બાદ આજથી અમદાવાદ ડીઆરએમ વેદપ્રકાશ દ્વારા નિરીક્ષણ
હાથ ધરવામાં આવ્યું છે. આ સિદ્ધિથી કચ્છ ક્ષેત્રની રેલ કનેક્ટિવિટી, માલપરિવહન ક્ષમતા તથા સંચાલન કાર્યક્ષમતામાં
નોંધપાત્ર વધારો થશે. આ પ્રોજેક્ટમાં કુલ 32.90 કિલોમીટર લંબાઈમાં નવી રેલ લાઇન વિકસાવવામાં આવી છે, જેમાં ડાઉન લાઇન 16.398 કિલોમીટર અને અપ લાઇન 16.502 કિલોમીટરનો સમાવેશ થાય છે.
સમગ્ર વિસ્તારમાં નવા ટ્રેક પાથરવાનું તથા લાંકિંગ કાર્ય પૂરું કરાયું છે. પડકારજનક
ભૌગોલિક પરિસ્થિતિઓ વચ્ચે 6.25 લાખ ઘનમીટર
અર્થવર્ક, 1.27 લાખ ઘનમીટર
બ્લેન્કાટિંગ તથા 0.96 લાખ ઘનમીટર
બેલાસ્ટ પાથરવાનું કામ કરાયું છે. તેમજ ભારે રેલ ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ચાર મોટા
(ખફષજ્ઞિ) પુલ તથા 25 નાના પુલનું
નિર્માણ કરવામાં આવ્યું છે. સામાખિયાળી, વોંધ અને ભચાઉ સ્ટેશનો પર જરૂરી રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરવામાં
આવ્યું છે. ઉપરાંત ચાર રેલ લાઇનને અનુરૂપ નવ લેવલ ક્રોસિંગનું પણ વિસ્તરણ કરવામાં આવ્યું
છે. મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ વેદપ્રકાશે જણાવ્યું હતું કે,
પશ્ચિમ રેલવે પોતાના રેલ નેટવર્કને વધુ સક્ષમ, સુરક્ષિત અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ વિકસાવવા માટે સતત કાર્યરત છે. આ
જ દિશામાં અમદાવાદ મંડળના સામખિયાળી ભચાઉ રેલખંડ પર ચૌહરીકરણ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં
આવ્યો છે. આ પ્રોજેક્ટ કચ્છ ક્ષેત્રમાં વધતા રેલ ટ્રાફિકનાં દબાણને ઘટાડવા તથા બંદર
આધારિત માલપરિવહનને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે. સામખિયાળી-ભચાઉ
સેક્શન કચ્છના ઔદ્યોગિક વિસ્તારો તેમજ કંડલા અને મુંદરા બંદરોને દેશના મુખ્ય રેલ નેટવર્ક
સાથે જોડતો અત્યંત મહત્ત્વપૂર્ણ માર્ગ છે. આ જ રેલખંડ મારફતે ભુજ, ગાંધીધામ, વાયોર તથા આસપાસના વિસ્તારોમાં પણ મોટા પાયે
માલપરિવહન કરવામાં આવે છે. હાલમાં આ રેલખંડ
મારફતે અમદાવાદ મંડળનું સર્વાધિક ગ્રોસ મિલિયન ટન લાડિંગ પરિવહન થાય છે. સતત વધી રહેલા
રેલ ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ માર્ગ પર વધારાની રેલ લાઇનોની જરૂરિયાત લાંબા સમયથી
અનુભવાઈ રહી હતી. ચૌહરીકરણ કાર્ય પૂર્ણ થતાં આ રેલખંડની લાઇન ક્ષમતામાં નોંધપાત્ર વધારો
થશે, જેના પરિણામે ટ્રેનોનું સંચાલન વધુ સુરક્ષિત, સમયબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે થઈ શકશે. વાણિજ્યિક સંચાલન શરૂ કરતાં પહેલાં
જરૂરી સુરક્ષા મંજૂરી, અંતિમ નિરીક્ષણ તથા નિર્ધારિત ગતિ પરીક્ષણની
તમામ ઔપચારિકતાઓ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.