ભુજ, તા. 26 : તાલુકાના નારાણપર ગામે ઈન્સ્ટિટયૂટ
ઓફ યૂથ ડેવલપમેન્ટ અને સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ગ્રંથસારથિઓના
સન્માન અને પ્રોત્સાહન માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાંચન દ્વારા
વિચાર અને વ્યક્તિત્વ ઘડતરના ઉદ્દેશ સાથે સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ
તથા સંયોજક જિજ્ઞાબેન જોશી દ્વારા ચલાવવામાં આવતાં ઝોલા પુસ્તકાલયના છ વર્ષ પૂર્ણ કરી
સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ અને મહિલા પુસ્તક પરબને ત્રણ વર્ષ પૂર્ણ કરી ચોથાં વર્ષમાં
મંગલ પ્રવેશ પ્રસંગે મુખ્ય મહેમાન ઈન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટના પ્રમુખ રસનિધિભાઈ
અંતાણીની ઉપસ્થિતિમાં આ પ્રકલ્પ ચલાવનાર ગ્રંથસારથિઓના સન્માન અને નવા ગ્રંથસારથિઓને આવકારવાનો કાર્યક્રમ યોજાયો હતો.
શાળાના મંત્રી અને સહમંત્રીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ સમગ્ર પ્રકલ્પના માર્ગદર્શક
વર્ષાબેન જોશીએ પ્રસંગ પરિચય આપ્યો હતો. રસનિધિભાઈ અંતાણીનું સન્માન વર્ષાબેન જોશીએ, તો પુસ્તક પરબના કાર્યકર દિનેશભાઈ ઠક્કરનું
સન્માન જિજ્ઞાબેન જોશીએ કર્યું હતું. હિનાબેનનું સન્માન લતાબેન પટેલે કર્યું હતું.
સંયોજક જિજ્ઞાબેને જોશીએ નારાણપર અને તેની આસપાસના 10 ગામમાં કાર્યરત ઝોલા પુસ્તકાલયનો
અહેવાલ રજૂ કર્યો હતો. ઈન્સ્ટિટયૂટ દ્વારા કચ્છમિત્ર જુનિયરના 11 વાર્ષિક લવાજમ ભેટ મળેલાં છે, જે તમામ કચ્છમિત્ર જુનિયર આસપાસની 10 પ્રાથમિક શાળામાં પહોંચાડવામાં
આવી હોવાનું જણાવાયું હતું. દિનેશભાઈ ઠક્કર તરફથી તેમના પુત્ર દેવના જન્મદિન નિમિત્તે
આ પ્રકલ્પ માટે રૂા. 5000ના પુસ્તકો
ભેટ આપવામાં આવ્યા હતા. રસનિધિભાઈ તરફથી પણ પુસ્તકો અપાયાં હતાં. નિર્મલાબેન ધુઆનું
પણ સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષક લતાબેન પટેલે સૌનો આભાર માન્યો હતો. વ્યવસ્થામાં
શાળાના તમામ શિક્ષકો તથા બી.એડ.ના તાલીમાર્થી બહેનોનો સહયોગ મળ્યો હતો.