• મંગળવાર, 21 જુલાઈ, 2026

વરસાદના વર્તારા વચ્ચે કચ્છમાં ધૂપછાંવનો માહોલ

ભુજ, તા. 19 : હવામાન વિભાગે રાજ્યની સાથે કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે. વરસાદના વર્તારા વચ્ચે જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં ધૂપછાંવનો માહોલ જોવા મળ્યો હતો. ભુજ તાલુકાના દહીંસરા અને આસપાસના ગ્રામીણ વિસ્તારમાં વરસાદી ઝાપટાં વરસતાં પાણી વહેતાં થયાં હતાં. ભુજ સહિતનાં સ્થળોએ ખાસ રીને સવારના ભાગે વાદળોની આવન-જાવન જોવા મળી હતી. પવનની ઝડપમાં વધઘટ વચ્ચે વાતાવરણમાં ગરમી-ઉકળાટ યથાવત્ રહ્યા હતા. મહત્તમ તાપમાન જિલ્લામાં સરેરાશ 35થી 37 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. પવનની ઝડપ 10થી 15 કિ.મી. નોંધાઈ હતી. દરમ્યાન ભુજ તાલુકાના દહીંસરા અને આસપાસના વિસ્તારમાં ચાતક નજરે રાહ જોડાવ્યા બાદ  વરસાદી ઝાપટાં પડતાં માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતાં. પુનડી, ધુણઈ, સરલી, ચુનડી, ગોડપર, મેઘપર તરફ વરસાદી ઝાપટાંના અહેવાલ મળ્યા હતા. બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ 24-25 જુલાઈ આસપાસ સર્જાવાની શક્યતા છે. આ સિસ્ટમના પ્રભાવથી રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ વરસાદનો એક સારો રાઉન્ડ આવે તેવી સંભાવના ઉજળી બનતી જોવા મળી રહી છે. હવામાન વિભાગની સાથે વિવિધ હવામાન મોડેલમાં પણ આ બાબતે સકારાત્મક સંકેત જોવા મળી રહ્યા છે. 

Panchang

dd