ગાંધીધામ, તા. 19 : કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ વિભાગના રાજ્યમંત્રી શાંતનુ ઠાકુર તાજેતરમાં કંડલા પોર્ટની
મુલાકાતે આવ્યા હતા. તે દરમ્યાન જુદા-જુદા કામદાર સંગઠનોએ કામદારોને સ્પર્શતા વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી. ટ્રાન્સપોર્ટ એન્ડ
ડોક વર્કર્સ યુનિયન કંડલાના પ્રમુખ એલ. સત્યનારાયણની
આગેવાની તળે રાજ્યમંત્રીનું મંત્રી સ્મૃતિચિહ્ન સાથે અભિવાદન કરાયુ હતું. યુનિયને રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ડીપીએના
બોર્ડમાં કામદાર સંગઠના પ્રતિનિધિને સમાવવા, બાકી રહી ગયેલા પોર્ટના
કર્મચારીઓને પ્લોટ ફાળવણી, સીસીસી (પેન્શન) નિયમો 1972, હેઠળ આવરી લેવા માટે એક વખત
વિકલ્પનો ઉપયોગ કરવાનો સ્વીકાર વિ. મુદ્દે રજૂઆત કરી હતી. આ વેળાએ યુનિયનના લલિત વરિયાણી, જીવરાજભાઈ ભાંભી, દિવ્યા
નાયર, જેઠાલાલ દેવરિયા, ક્રિષ્નારાવ,
અલી મામદ, શામજી કટુઆ વિગેરે હાજર રહ્યા હતા. કુશળ-અકુશળ અસંગઠિત કામદાર સંગઠન પૂર્વ અને પશ્ચિમ કચ્છના પ્રમુખ
પૂનમબેન જાટ અને મંત્રી વેલજીભાઈ જાટ સહિતના પ્રતનિધિમંડળ દ્વારા ડીપીએના બાકી રહી ગયેલા કર્મચારીઓને પ્લોટ ફાળવવા, બાકી રહી ગયેલા
કર્મચારીઓને કાયમી કરવા, પોર્ટ ઓપરેશનલ વિભાગમાં ખાલી પડેલી જગ્યા સત્વરે ભરવા
અનુરોધ કર્યો હતો. વધુમાં પોર્ટ હોસ્પિટલમાં
બનાવટી મેડિકલ બિલ કૌભાંડ મામલે જવાબદારો સામે પગલાં ભરવા રજૂઆત કરી હતી. કંડલા પોર્ટ
કર્મચારી સંઘના પ્રતિનિધિ મંડળે પોર્ટના બાકી રહી ગયેલા કર્મચારીઓને પ્લોટ ફાળવવા,
મકાન ભાડા પેટે 15થી 20 ટકા કરવા
અને એરીયર્સની ચુકવણી કરવા, એનપીએસમાં
થયેલા સુધારા પોર્ટમાં લાગુ કરવા વિ. મુદ્દે રજૂઆત કરી હતી. આ વેળાએ પ્રમુખ રાણા વિરસિયા, ગુલશન
એલ્વિયા, ભરત કોટિયા, સંદિપ પરમાર,
અનવર માંજોઠી, પ્રદીપ કોચર, વીના રતવાણી વિગેરે હાજર રહ્યા હતા.
આ ઉપરાંત કંડલા પોર્ટ ડોક એસસી અને એસટી એમ્પ્લોઈઝ યુનિયનના પ્રમુખ વાલજીભાઈ દનીચાએ તેમના પ્રતિનિધિ મંડળ દ્વારા કંડલા ફ્રી હોલ્ડ લેન્ડ
અને જમીન નિતી,ગાંધીધામ-આદિપુરની લેન્ડ પોલિસી પાસ કરવા,
ટ્રાન્ફસર ફી બંધ કરવા, જૂની પેન્શન યોજનાનો લાભ આપવા વિ. રજૂઆત કરી હોવાનું મંત્રી કૈલાસ સાસિયાએ
જણાવ્યું હતું.