ભુજ, તા. 19 : રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સમિશન
અને કોરિડોરના વળતર મુદ્દે ખેડૂતોના હિતમાં મહત્ત્વના નિર્ણય લીધા છે ત્યારે આ નિર્ણયની
અમલવારી કરવા માટે ઘડાયેલા નવા નિયમો અંગે
સમજ આપવા ભુજમાં પરિસંવાદ યોજાયો હતો. વળતર પ્રક્રિયાને પારદર્શી બનાવવા જિલ્લાકક્ષાએ
ખાસ માર્કેટરેટ કમિટીની રચના કરાશે. પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાએ ખેડૂતો સાથે પરિસંવાદ
વિશેષમાં ટ્રાન્સમિશન લાઈનો નાખતી વખતે રાઈટ ઓફ વે કોરિડોર અને ટાવર આધારિત વિસ્તારની
જમીનના વળતર સંબંધી અસરગ્રસ્તોને ન્યાય વળતર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઘડાયેલા
નવા નિયમો તથા અદ્યતન માર્ગદર્શિકા અંગે ખાસ
સમજ આપી હતી. શ્રી અમૃતિયાએ કહ્યું કે, ટ્રાન્સમિશન લાઈન તેમજ ટાવર ઊભા કરતી
વખતે જમીન અને વૃક્ષોને થતા નુકસાનના વળતર અંગે નવી સંકલિત અદ્યતન માર્ગદર્શિકા રાજ્ય
સરકારે અમલી કરી છે, જેમાં ગતિશીલ નિર્ણયો લઈ શકાય તે માટે માર્કેટરેટ
કમિટી દ્વારા નિર્ધારિત જમીનની બજાર કિંમતના 200 ટકા એટલે કે, બેગણું વળતર જમીન અસરગ્રસ્ત કે ખેડૂતોને ચૂકવાશે.
ઉપરાંત દરેક બાજુ એક મીટરનું વધારાનું વિસ્તરણ
ધ્યાને લેવામાં આવશે. કોરિડોરના સંદર્ભમાં માર્કેટરેટ કમિટી દ્વારા નિર્ધારિત
જમીનની બજાર કિંમતને ધ્યાને લઈ ગ્રામ્ય વિસ્તારમાં 30 ટકા, શહેરી વિસ્તારમાં
45 ટકા તેમજ મહાનગરપાલિકાઓમાં
60 ટકા દરે ચૂકવણી કરાશે. સાસંદ વિનોદભાઈ ચાવડાએ ખેડૂતો સાથે
સંવાદ કરતા કિસાનોના આર્થિક હિતમાં હંમેશાં સરકાર કામ કરતી હોવાનું જણાવીને ઉમેર્યું
હતું કે, જમીન અસરગ્રસ્તોને ન્યાયીક વળતર મળે તે બજારભાવ નક્કી કરવા રાજ્ય સરકાર જિલ્લાકક્ષાએ ખાસ માર્કેટરેટ કમિટીની રચના કરશે. આ કમિટીના ચેરમેન
જિલ્લા કલેક્ટર રહેશે તથા જમીન માલિકો વતી એક પ્રતિનિધિ તથા ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડરના
એક પ્રતિનિધિ સભ્ય રહેશે. જરૂરિયાત હશે તો અન્ય બે વધારાના સભ્યો નિમવામાં આવશે.આ કમિટીમાં
ત્રણ જમીન મૂલ્યાંનકારોની પણ નિમણૂક કરાશે.
જે પૈકી એકની નિમણૂક જમીન માલિકો કરશે, એક કંપની દ્વારા અને એક
જિલ્લા કલેક્ટર દ્વારા કરાશે. કલેક્ટર અનિલ
રાણાવસિયાએ વીજટાવર તથા કોરિડોરના વળતર મુદ્દે
રાજ્ય સરકારના નવા પરિપત્ર અંગે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન
હુણ, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ
જાડેજા, વીરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન
મહેશ્વરી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા,
ભુજ તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણી, ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન
નાથાણી, ભાજપ પ્રભારી ફલજીભાઈ ચોધરી, જિ.ભાજપ
પ્રમુખ દેવજીભાઈ વરચંદ ઉપસ્થિત રહ્યા હતા.