ભુજ, તા. 19 : કામધેનુ યુનિવર્સિટી હસ્તકની
ભુજ સ્થિત વેટરનરી કોલેજના લાયબ્રેરી વિભાગ અને વિદ્યાર્થી પ્રતિનિધિ પરિષદના સંયુક્ત
ઉપક્રમે શુક્રવારે `રાષ્ટ્રીય વાંચન દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય
ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં દૈનિક વાંચનની ટેવ કેળવવાનો અને પુસ્તકો પ્રત્યે રસ જગાડવાનો
હતો. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ, ભુજના સામાજિક કાર્યકર દિલીપ દેશમુખ (દાદા) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જીવનમાં
વર્તમાનપત્રો અને પુસ્તકોના નિયમિત વાંચનનાં મહત્ત્વ વિશે ઊંડાણપૂર્વક છણાવટ કરી હતી. કોલેજના આચાર્ય ડો.
એચ. બી. પટેલે જણાવ્યું કે, વાંચન માત્ર જ્ઞાન જ નથી આપતું,
પરંતુ વ્યક્તિના રાજિંદા વ્યવહાર અને વ્યક્તિત્વને પણ નિખારે છે. કાર્યક્રમના
ભાગરૂપે સંસ્થાના અનુસ્નાતક તેમજ ઇન્ટર્નશિપ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે વાંચન અને
સાહિત્યને લગતી ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન
કરાયું હતું. કાર્યક્રમના સંસ્થાના વિવિધ ફેકલ્ટી સભ્યો (અધ્યાપકો) દ્વારા લાયબ્રેરીને
પુસ્તકો દાનમાં અપાયાં હતાં. આ તમામ દાનમાં મળેલાં પુસ્તકોનું એક વિશેષ પ્રદર્શન યોજાયું
હતું. સંચાલન અને સંયોજન ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી અને સંસ્થાના લાયબ્રેરી ઈન્ચાર્જ ડો.
એ. આર. અહલાવતે કર્યું હતું.