માધાપર, તા. 16 : આજે કચ્છી નવા વર્ષ આષાઢી બીજની
ઉજવણી ગામમાં વાજતે-ગાજતે થઇ હતી. જય જગન્નાથ, જય રણછોડ, જય માખણચોરના જયઘોષ સાથે નીકળેલી રથયાત્રાએ
આકર્ષણ જમાવ્યું હતું. આજે માધાપર મધ્યે રથયાત્રાનું ભવ્ય આયોજન ભુજ નરનારાયણદેવ તાબાનાં
સ્વામિનારાયણ પ્રસાદી મંદિર જૂનાવાસ-માધાપરએ કર્યું હતું. જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ
સ્વામિનારાયણ મંદિર (ભાઇઓ) માધાપર નવાવાસથી થઇ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ જય
જગન્નાથ, જય રણછોડ, જય માખણચોરના જયઘોષ
સાથે નીકળેલી રથયાત્રા રઘુનાથજી મંદિર પર રઘુનાથજી
મંદિરના પ્રમુખ વેલજીભાઇ ભુડિયા અને ટ્રસ્ટીઓ દ્વારા હારારોપણ કરી પૂજા-આરતી કરી હતી.
આ આકર્ષણરૂપ રથયાત્રા માધાપરના મુખ્ય માર્ગ પર શંકર મંદિર ચોકથી વથાણ ચોક થઇ બસ સ્ટોપ
પાસેથી પ્રસાદી મંદિર જૂનાવાસ માર્ગે ફરી હતી. આ રથયાત્રાના પ્રેરણાસ્રોત સ.ગુ. પુરાણી
સ્વામી બાળકૃષ્ણદાસજી, સ.ગુ. પુરાણી સ્વામી કેશવજીવનદાસજી,
પ.પૂ. મહંત સ.ગુ.પૂ. સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત
સ.ગુ. પૂ. સ્વામી ભગવદ્જીવનદાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત રહ્યા
હતા. રથ પર બિરાજેલા ભગવાન જગન્નાથ, બલરામ, બહેન સુભદ્રાની સુશોભિત મૂર્તિ અને શણગારેલા રથને હરિભક્તો દોરી વડે લઇ જતા
હતા. આકર્ષક રથયાત્રા નિહાળવા ઠેકઠેકાણેથી લોકો ઊમટયા હતા. શંકર મંદિર ચોક પર વિશાળ
સંખ્યામાં હરિભક્તો, આગળના ભાગે બેન્ડ પાર્ટી અને બાળ રાસમંડળી
વાજતે-ગાજતે ગામની મુખ્ય શેરીથી પસાર થઇ હતી. રથયાત્રાનો પ્રારંભ શ્રીફળ વધારી,
આરતી કરી સ્વામિનારાયણ મંદિરના સંતો સ.ગુ. બાલકૃષ્ણસ્વામી, વિજ્ઞાનસ્વરૂપ સ્વામી, સૂર્યપ્રકાશ સ્વામી, પરમેશ્વર સ્વામી, સત્યપ્રકાશ સ્વામી, શ્રીજીનંદન સ્વામી, ઘનશ્યામચરણ સ્વામી, કેશવપ્રિયદાસજી સ્વામી, અક્ષરમુનિદાસજી સ્વામી,
મુક્તિમુનિદાસજી સ્વામી, નૌત્તમમુનિ સ્વામી,
દેવનંદન સ્વામી, શૌનકમુનિ સ્વામી, દિવ્યપ્રસાદ સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. માધાપર-નવાવાસ સ્વામિ. મંદિરના ટ્રસ્ટી
ભીમજીભાઇ ભુડિયા, કાનજીભાઇ વેકરિયા, જાદવજીભાઇ
ભુડિયા, કાનજીભાઇ ભુડિયા, હીરજીભાઇ ભુડિયા,
નવાવાસ પંચાયતના સરપંચ વાલજીભાઇ ડાંગર, જિ. પંચાયત
સદસ્ય રમેશભાઇ ચાડ, તા.પં. સદસ્ય હરીશભાઇ પિંડોરિયા, માધાપર-નવાવાસ સ્વામિ. મંદિરના માજી પ્રમુખ રવજીભાઇ ભુડિયા, માજી ટ્રસ્ટી વાલજીભાઇ ભુડિયા, નવચેતન અંધજન મંડળ માધાપરના
ખજાનચી જીણાભાઇ ડબાસિયા ઉપસ્થિત રહ્યા હતા. જૂનાવાસ પ્રસાદી મંદિરના જાદવજીભાઇ વરસાણી,
સંજયભાઇ ભુડિયા અને હરિભક્તો રથયાત્રામાં જોડાયા હતા. માધાપર નવાવાસ
બહેનોના મંદિર પાસે સાંખ્યયોગી બહેનોએ જગન્નાથ ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. રથ અરજણભાઇ
ભુડિયાનાં માર્ગદર્શન હેઠળ તૈયાર થયો હતો.