ગાંધીધામ, તા. 16 : ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવેશ
થયેલા ગ્રામીણ વિસ્તારમાં કામ કરતા સફાઈ કામદારોને એજન્સીએ વેતનનું ચુકવણું ન કરતાં
કામદારો મહાનગરપાલિકા પહોંચ્યા હતા અને કમિશનરને રજૂઆત કરી હતી. કોર્પોરેશનમાં સમાવેશ
થયેલા ગ્રામીણ વિસ્તારમાં કાર્યરત કામદારો અને કર્મચારીઓને એજન્સીમાં સમાવવામાં આવ્યા
છે. મહાનગરપાલિકા એજન્સીને લાખો રૂપિયાનું ચુકવણું કરે છે અને એજન્સી એ તે રૂપિયાથી
ગ્રામીણ વિસ્તારમાં કામ કરતા સફાઈ કામદારોનું વેતન આપવાનું છે, પરંતુ સફાઈ કામદારોને એક મહિનાથી વધુ સમય વીતી
ગયા પછી પણ વેતન ન મળતાં કામદારોએ કામ બંધ કર્યું હતું અને મહાનગરપાલિકા કચેરી ખાતે
કમિશનરને આ બાબતે રજૂઆત કરી હતી, જેના પગલે યોગ્ય પગલાં ભરવાની
ખાતરી આપવામાં આવી હતી. આ મામલામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠે એજન્સીના
જવાબદારોને મહાનગરપાલિકામાં બોલાવ્યા છે, તેમની સાથે સફાઈ કામદારોના
પગાર બાબતે ચર્ચા કરવામાં આવશે અને સમસ્યાનું સમાધાન લાવવામાં આવશે. તત્કાલીન નાયબ
મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગ્રામીણ વિસ્તારના પંચાયતમાં કામ કરતા કર્મચારીઓને એજન્સીમાં
સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારપછી એજન્સી નક્કી તમામ કર્મચારીઓને એજન્સીમાં
લેવામાં આવ્યા છે પાલિકા એજન્સીને રૂપિયા આપે છે અને એજન્સી કર્મચારીઓને પગાર કરે છે,
પરંતુ દોઢ મહિનાથી વધુનો સમય વીતી જવા છતાં સફાઈ કામદારોને પગાર ન મળતાં
સમસ્યા ઊભી થઈ હતી અને તેઓ મહાનગરપાલિકા પહોંચ્યા હતા.