• શુક્રવાર, 17 જુલાઈ, 2026

નખત્રાણામાં દબાણ હટાવવાની કાર્યવાહી

નખત્રાણા, તા. 16 : તાલુકા સંકલન અને ફરિયાદ બેઠક મામલતદાર રાકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં તાલુકાની સીમતળમાં ગૌચર જમીનોમાં થયેલાં દબાણ ગામતળમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામો હટાવવા, ચોમાસામાં સંભવિત વાવાઝોડાં, અતિવૃષ્ટિ, નદીપૂર વખતે રેસ્કયૂ કરવાની ચર્ચા હાથ ધરાઇ હતી. નખત્રાણા શહેરમાં જોખમી વીજ થાંભલા, સ્ટ્રીટ લાઇટોની મરંમત, વરસાદ ખેંચાતાં પશુઓ માટે ઘાસચારાની વહેલી તકે વ્યવસ્થા કરવા, નખત્રાણામાં મુખ્ય માર્ગો પર વાહન પાર્કિંગ તથા અડચણો દૂર કરવા સહિતના મુદ્દા હાથ પર લેવામાં આવ્યા હતા. આરંભમાં સ્વાગત પ્રવચન શિરસ્તેદાર શિવજી પાયણએ કર્યું હતું. સીમતળમાં ગૌચર જમીનો પરના  વ્યાપક દબાણ તથા ગામતળમાં સરકારી જમીન પરના જાહેર જનતાને અડચણરૂપ દબાણો દૂર કરવાની પ્રક્રિયા ચાલતી હોઇ આગળની કાર્યવાહી તંત્ર દ્વારા આગળ વધારવા સૂચનો સંબંધિત અધિકારીઓને અપાયાં હતાં. નગરપાલિકાના પ્રમુખ વસંત વાઘેલાએ શહેરમાં કનડતી ટ્રાફિક સમસ્યા સંદર્ભે રજૂઆત કરતાં જાહેર માર્ગો પાસે પાર્ક થતાં વાહનો પૈકી મહિના સુધી પડતર વાહનો હટાવવા, રોડલાઇટ વીજપોલ મરંમત કરવા, વિરાણી રોડ તરફ માલવાહક વાહનોથી થતા ટ્રાફિકજામ સહિતની સમસ્યામાં પોલીસતંત્ર ધ્યાન આપે. ગ્રામજનોને પીવાનું પાણી શુદ્ધ મળે તે માટે તંત્ર વ્યવસ્થા કરે. આશાપુરા મંદિરથી શહેર તરફ આવતા માર્ગમાં સર્જાયેલા ખાડાને મરંમત કરવા, વિરાણીથી જતાવીરા તરફ પસાર થયેલા ભારે ઓવરલોડ વાહનોના કારણે જર્જરિત માર્ગ ત્વરિત મરંમત કરવા, દેશલપર-હાજીપીરનાં કામ વચ્ચે કલેકટરના જાહેરનામાં મુજબ થતું ઉલ્લંઘન સહિતના મુદ્દે પોલીસતંત્ર ધ્યાન આપે તથા રસ્તા પર ટ્રાફિકની સમસ્યા ઉકેલવા શ્રી વાઘેલાએ રજૂઆત કરી હતી. શ્રી પટેલએ સંબંધિત વિભાગના અધિકારીઓને પ્રશ્નોનું નિરાકરણ લાવવા તાકીદ કરી હતી. નખત્રાણા તા. પંચાયતના પ્રમુખ ભારતીબેન ગોસ્વામીસા. ન્યાય સમિતિના ચેરમેન જશોદાબેન વાઘેલા, તા.વિ. અધિકારી હાર્દિક ગઢવી, પાલિકા ચીફ ઓફિસર ભાવિન કાંધાણી, પા.પુ.ના દક્ષેશ પ્રજાપતિ, વન વિભાગના પી.સી. મોદી તથા શ્રી સરવૈયા, પીએસઆઇ શ્રી સામરા, જીએસઆરડીસી વિભાગના નરેશ ભાનુશાલી, પીડબલ્યુડીના ઇજનેર દિલેર સીદી, એસ.ટી. મેનેજર શ્રી ગોસ્વામી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd