ભુજ, તા. 16 : કચ્છી નવવર્ષ નિમિત્તે આજે
ભુજ સ્થિત આઈના મહેલ ખાતે કચ્છ રાજપરિવાર દ્વારા રાજવી પરંપરા અને વૈદિક વિધિ મુજબ
બીજ પૂજા તથા આષાઢી ચંદ્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભે રાજવી પરિવારનું પરંપરાગત
સ્વાગત કરાયું હતું. નવવિવાહિત દીકરીબા ત્રિશુલિનીકુમારી
(મહારાણી, બાંસવાડા) લગ્ન બાદ પ્રથમ વખત તેમના પતિ મહારાવ
બાંસવાડા જગમાલાસિંહજી સાથે કચ્છ આગમન પ્રસંગે કચ્છ રાજપરિવાર દ્વારા શાહી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે રાજવી પરિવારના મોભી મહારાજ હનુવંતાસિંહજી,
યુવરાજ પ્રતાપાસિંહજી,
યુવરાણી શાલિનીકુંવરબા,
યુવરાજ અનિરુદ્ધાસિંહજી તથા યુવરાજ મેઘદીપાસિંહજી સહિત પરિવારજનો,
મહેમાનોએ ઉપસ્થિત રહી નવદંપતીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ
આઈના મહેલ ખાતે પૂજનની વિધિ યોજાઈ હતી. પરિવારના મોભી હનુવંતાસિંહજીના હસ્તે ચંદ્ર પૂજન સંપન્ન કરાયું
હતું. ધાર્મિક વિધિ ગોર કૃપાલ મહારાજ તથા સહ ગોર
અક્ષય મહારાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરાઈ હતી. ધર્મગુરુ માતંગદેવ ઉપસ્થિત રહ્યા હતા. પૂજન બાદ
ત્રિશુલિનીકુમારી તથા જગમાલાસિંહજીના હસ્તે
આરતી બાદ પ્રસાદ વિતરણ કરાયું હતું. રાજપરિવારના સભ્ય રઘુરાજાસિંહજીએ ખાસ ઉપસ્થિત રહી
આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમમાં કવિ પબુ
ગઢવી, કેડીસીસી બેન્કના ચેરમેન દેવરાજ ગઢવી, ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલ ગઢવી, કચ્છ જિલ્લા
ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ રસિકબા જાડેજા, મહાવીરસિંહ જાડેજા,
કમલાસિંહ ઠાકુર, દેવજ્ઞ પિનારા, ઋષિ ગજ્જર, યશપાલસિંહ વાઘેલા, ભવદીપાસિંહ ઝાલા, પૂર્વ મામલતદાર શ્રી ત્રિવેદી,
અંકિતાબેન અયાચી, જાગુબા કેસરિયા, સંજનાબેન ઠાકુર, અલકાબા ઝાલા, દેવ્યાનીબા
ચુડાસમા વિ. ઉપસ્થિત રહ્યા હતા. આઈના મહેલ તથા શરદબાગના અધિકારીઓ અને સ્ટાફે સહયોગ
આપ્યો હતો.