ગાંધીધામ, તા. 16 : ગાંધીધામ મહાનગરપાલિકામાં આજે
પ્રભારી મંત્રી આવવાના છે, ત્યારે વ્યાજમાફી
યોજના તેમજ અન્ય કામો અને ખાડે જઈ રહેલા વહીવટની સમીક્ષા કરીને નિર્ણયો લેવામાં આવે
તે જરૂરી છે. હાલના સમયે મહાનગરપાલિકામાં વર્ષો જૂના જે કરદાતાઓએ ટેક્સ નથી ભર્યો તે
વ્યાજ વગર મહાનગરપાલિકાને ટેક્સ ભરપાઈ કરે તે માટેની વ્યાજમાફી યોજના લાગુ કરવાની તૈયારીઓ
છે, પરંતુ કોઈ કારણોસર તે અટકી છે. જો આવી રીતે યોજનાઓ અટકતી
રહેશે, તો સ્વભંડોળ ઉપર આવે તેવી કોઈ સંભાવના દેખાતી નથી. આ ઉપરાંત
સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણયો ઉપર પણ અસરો દેખાઈ રહી છે તેમાં સભામાં નિર્ણય લેવાઈ
ગયા છે, સભાની મંજૂરી મળી ગઈ છે, પરંતુ
ત્યારપછીની જે અધિકારીઓ દ્વારા કાર્યવાહી થવી જોઈએ તે થતી નથી. આ ઉપરાંત મહાનગરપાલિકાનો એન્નિનીયારિંગ
વિભાગ સાવ ખાડે ગયો છે. હાલમાં જે એન્જિનીયરો છે તે બધા કોન્ટ્રાક્ટ બેઇઝ ઉપરના છે
અને અતિ મહત્ત્વની જવાબદારીઓ તેમને સોંપવામાં આવી છે અને તેની ઉપર યોગ્ય કામો થતાં
નથી, વ્યાપક ફરિયાદો છે, રોડ-રસ્તા
સહિતની સ્થિતિ સુધારવાના બદલે આ એન્જિનીયરો અન્ય પડોજણમાં છે. તેનું પરિણામ નાગરિકોને
ભોગવવું પડી રહ્યું છે, જેથી સરકારમાંથી તાકીદે ઇજનેરો મહાનગરપાલિકામાં
મૂકવામાં આવે તે પણ જરૂરી છે આવા અનેક મુદ્દાઓ છે પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા
મહાનગરપાલિકા કચેરીમાં ખાતે સમીક્ષા કરવાના છે તેવા સમયે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને પદાઅધિકારીઓ
પાસેથી સમસ્યાઓ જાણીને જે વહીવટી સમસ્યાઓ આવી રહી છે તેને દૂર કરવી જરૂરી છે.
તાકીદે કોઈ નિર્ણય ન લેવાય, તો પણ સરકારમાંથી ઝડપથી મહાનગરપાલિકાના
મામલામાં નિર્ણયો લઈને ખૂટતી કડી પૂર્ણ કરવામાં આવે તે જરૂરી હોવાનું જાણકારો જણાવી
રહ્યા છે.