રાપર, તા. 16 : અધિક માસ હોવાથી આષાઢી બીજ
અંગ્રેજી કેલેન્ડર મુજબ મોડી આવી અને વરસાદ પણ જાણે આષાઢી બીજની સંગત કરતો હોય તેમ
શુકનવંતો પડતાં લોકોમાં આશાનો સંચાર થયો હતો. દરમ્યાન ગાંધીધામ ખાતે વરસાદી માહોલ વચ્ચે
હળવાં ઝાપટાં પડયાં હતાં. સવારથી જ વાતાવરણ વાદળછાયું અને પવન વગરનું હતું. 11 વાગ્યે ધીમી ધારે શાંતિથી એકાદ
કલાક જેટલો વરસ્યો હતો. ત્રિકમસાહેબની સમાધિ દરિયાસ્થાનથી ત્રિકમસાહેબના વીરડા સુધી
આયોજિત રથયાત્રામાં જોડાયેલા ભાવિકો પણ વરસાદમાં ભીંજાયા હતા. આજે બપોર સુધીમાં 43 મિમી (પોણા બે ઇંચ) વરસાદ નોંધાયો
હોવાનું મામલતદાર એચ.બી. વાઘેલાએ જણાવ્યું હતું. અગાઉનો 55 મિમી સાથે આજનો 43 મિમી જોડતાં રાપરનો મોસમનો
કુલ વરસાદ 98 મિમી (આશરે ચાર ઈંચ) જેટલો
નોંધાયો હતો. હાઈવે પટ્ટીનાં કાનમેરમાં વરસાદે આષાઢી બીજનું શુકન સાચવ્યું હોવાનું
સરપંચ રામજીભાઈ રાજપૂતે જણાવ્યું હતું, તો માણાબામાં પણ વાવણીલાયક વરસાદ થયો હોવાનું સરપંચ અકબરભાઈ રાઉમાએ જણાવ્યું
હતું. ત્રંબૌમાં અડધા ઈંચ જેટલો વરસાદ હોવાનું ડોલરરાય ગોરે જણાવ્યું હતું,
તો રામવાવ, કુડા વગેરે ગામોમાં પણ સવારે વરસ્યો
હોવાનું તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ આહીરે જણાવ્યું હતું. દરમ્યાન ગાંધીધામમાં વહેલી સવારથી જ વાદળછાયાં વાતાવરણ
વચ્ચે 11 વાગ્યાના અરસામાં વરસાદી ઝાપટાંથી
વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે, સામાન્ય ઝાપટાં પછી દિવસ દરમિયાન તડકો યથાવત રહ્યો હતો. ગાંધીધામ સંકુલમાં
વરસાદ તૂટી પડશે તેવું વાતાવરણ હતું, પરંતુ સવારે છાંટા પડયા
બાદ વરસાદી ઝાપટું આવ્યું હતું. માર્ગો ભીંજાયા હતા. આદિપુર, મેઘપર બોરીચી તથા મેઘપર કુંભારડી સહિતના ગ્રામીણ વિસ્તારમાં પણ સારું એવું
વરસાદી ઝાપટું પડયું હતું. વાદળછાયાં વાતાવરણ વચ્ચે વરસાદના અમીછાંટણાથી વાતાવરણમાં
ઠંડક પ્રસરી હતી. સંકુલવાસીઓ મેઘરાજાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા
જ્યારે આગાહી કરવામાં આવી હતી, ત્યારે નાગરિકોને વરસાદ પડવાની
આશા હતી. ત્યાર પછી આષાઢી બીજના વરસાદ પડે તેવા એંધાણ હતા, પરંતુ
દિવસ દરમિયાન સવારના ભાગે માત્ર વરસાદી ઝાપટું પડયું છે. બપોરથી તડકો યથાવત હતો અને
ગરમીનું પ્રમાણ પણ વધ્યું હતું. - દુધઈ પંથક પલળ્યો : કચ્છી નવા વર્ષના દિવસે દુધઈ પંથકમાં બપોરે 2-30 વાગ્યાની આસપાસ મેઘરાજા મન
મૂકીને 1 કલાક વરસ્યા હતા. આષાઢી બીજના પાવન દિવસે
શુકન સાચવતાં ખેડૂતોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. છેલ્લા 2 દિવસના ઉકળાટ બાદ પંથકમાં પાલર પાણી વસ્યું
હતું. સાથે શેરીઓમાં પાણીના ખાબોચિયા ભરાયા હતા.