• શનિવાર, 18 જુલાઈ, 2026

ઘાસચારાની અછતથી દૂધ ઉત્પાદનમાં 60 ટકા સુધી ઘટાડો

રમેશ ગઢવી દ્વારા : કાઠડા (તા. માંડવી) તા. 12 : ચોમાસાંના મધ્યમાં પણ કચ્છમાં સંતોષકારક વરસાદ ન વરસતાં તેની ગંભીર અસર હવે ખેતી ઉપરાંત પશુપાલન અને ડેરી ઉદ્યોગ પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ઘાસચારાની તીવ્ર અછતને કારણે દુધાળા પશુઓનાં દૂધ ઉત્પાદનમાં અંદાજે 60 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હોવાનું પશુપાલકો અને દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જણાવી રહ્યા છે. પરિણામે ગામડાંથી શહેર સુધી દૂધના પુરવઠામાં ઘટાડો થતાં દૂધ વિક્રેતાઓ, ડેરીઓ અને ગ્રાહકો સૌ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કચ્છના અનેક વિસ્તારોમાં પશુઓ માટે લીલોચારો તો દૂરની વાત રહી, સૂકું ઘાસ પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ નથી. પશુઓને પૂરતું પોષણ ન મળતાં તેમની દૂધ આપવાની ક્ષમતામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અગાઉ જે પશુઓ નિયમિત રીતે પૂરતું દૂધ આપતા હતા, તેઓ હવે ખૂબ ઓછું દૂધ આપી રહ્યા છે. તેની સીધી અસર બજારમાં પહોંચતા દૂધના જથ્થા પર પડી રહી છે. ઘરેઘરે દૂધ પહોંચાડતા ફેરિયાઓના જણાવ્યા મુજબ અગાઉ જ્યાં એકત્રિત રીતે દરરોજ 80થી 100 લિટર દૂધ મળતું હતું, ત્યાં આજે માંડ 40થી 50 લીટર દૂધ મળી રહ્યું છે. કાયમી ગ્રાહકોને પણ માંગ મુજબ દૂધ પૂરું પાડવું મુશ્કેલ બન્યું છે. અનેક સ્થળોએ દૂધનું રેશાનિંગ જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. કાઠડાથી માંડવી સુધી દૂધની ફેરી કરતા ગાવિંદ વાલજી પાસ્તાએ જણાવ્યું હતું કે, `ગ્રાહકોમાં શુદ્ધ દૂધ પ્રત્યે જાગૃતિ વધી છે. લોકો પેકેટના દૂધ કરતાં સીધા ફેરિયાઓ પાસેથી મળતું તાજું અને ભેળસેળરહિત દૂધ વધુ પસંદ કરે છે. ઘણા ગ્રાહકો તો સ્પષ્ટ કહે છે કે, ભલે થોડા રૂપિયા વધુ લઈ લો, પરંતુ શુદ્ધ દૂધ આપજો. જો કે, વરસાદ ન હોવાથી પશુઓને પૂરતો ચારો  મળતો નથી અને હાલ પહેલાં કરતાં માત્ર 40 ટકા જેટલું જ દૂધ મળી રહ્યું છે.ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા કરસન ગઢવીએ જણાવ્યું હતું કે, ઘાસચારાની અછતની અસર માત્ર દૂધના જથ્થા પર જ નહીં, પરંતુ દૂધના ફેટ પર પણ પડી રહી છે. પશુઓને પૂરતું પોષણ ન મળતાં ફેટ ઘટી રહ્યો છે, જેના કારણે પશુપાલકોને દૂધના યોગ્ય ભાવ પણ મળી રહ્યા નથી. ખર્ચ સતત વધી રહ્યો છે, જ્યારે આવક ઘટી રહી છે, જેના કારણે પશુપાલકોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી રહી છે. કચ્છમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડેરી ઉદ્યોગે અનેક પરિવારોને રોજગારી અને આવકનું મજબૂત સાધન પૂરું પાડ્યું છે. ખેડૂતો ઉપરાંત મોટી સંખ્યામાં પશુપાલકો અને દૂધ વેચાણ સાથે સંકળાયેલા પરિવારો આ વ્યવસાય પર નિર્ભર છે, પરંતુ વરસાદની લાંબી ખેંચે સમગ્ર વ્યવસ્થાને હચમચાવી દીધી છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો ઘાસચારાનું સંકટ વધુ ઘેરું બનશે અને દૂધ ઉત્પાદનમાં હજુ વધુ ઘટાડો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. પશુપાલકો સરકાર સમક્ષ ઘાસચારો, પશુઆહાર પર સહાય તેમજ રાહત પેકેજની માંગ કરી રહ્યા છે. 

Panchang

dd