ગાંધીધામ, તા. 16 : ગાંધીધામના મુખ્ય રેલવે સ્ટેશનના
બદલે ભારતનગર નજીકના ગોપાલપુર રેલવે સ્ટેશનને કાર્યરત કરીને મોટાભાગની ટ્રેનોનું સંચાલન
અહીંથી થશે તેવામાં ખરાબ માર્ગો અને અન્ય પરિસ્થિતિના કારણે ગોપાલપુર રેલવે સ્ટેશન
પહોંચવા માટે લોકોને અને મુસાફરોને અનેક કોઠા વીંધવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. શહેરના સેક્ટર વિસ્તાર તેમજ ભારતનગર સહિતના મોટાભાગના
વિસ્તારોના લોકોને તેમજ મુસાફરોને ગોપાલપુર રેલવે સ્ટેશન પહોંચવા માટે ટાગોર રોડથી
સુંદરપુરી થઈને પાણીના ટાંકાથી સીધા ભારતનગર વોર્ડ ઓફિસથી ગોપાલપુર રેલવે સ્ટેશનને
પહોંચવું પડે, પરંતુ આ રોડ અત્યંત ખરાબ
છે, મોટા મોટા ખાડાઓ છે. સામાન્ય વરસાદમાં આ રોડ ઉપરથી પસાર થવું
મુશ્કેલ છે. જો એકથી બે ઇંચ વરસાદ પડે, તો રેલવે સ્ટેશનને પહોંચી
શકાય કે નહીં તે પ્રશ્નો ઊભો થશે. આ ઉપરાંત ટાગોર રોડથી જૂનીકોર્ટ થઈને જૂના પોલીસ
સ્ટેશન અને આપનાનગર ચાર રસ્તાથી સીધો એફસીઆઇ કોલોનીથી ગોપાલપુર રેલવે સ્ટેશને પહોંચી
શકાય છે, પરંતુ અહીં અપનાનગર ચાર રસ્તાથી માર્ગ ખરાબ છે અને ત્યારપછી
દબાણ અને ઝૂંપડપટ્ટી પણ છે. અહીં અનેક વખત અસામાજિક પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદો ઊઠી
છે તે વચ્ચે આ માર્ગ ઉપરથી મુસાફરોને ગોપાલપુર રેલવે સ્ટેશન પહોંચવા માટે મુશ્કેલીઓનો
સામનો કરવો પડે તેવી સ્થિતિ હાલના સમયે છે. જો મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરીને
દબાણો દૂર કરાય અને આખો માર્ગ ખુલ્લો કર્યા પછી મરંમત કરવામાં આવે, તો આ હાલના સમયે અલગ અલગ વિસ્તારમાંથી
મુસાફરો સીધો ટાગોર રોડ પકડે છે અને ત્યાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડ ઉપરથી
સીધા રેલવે સ્ટેશન જઈ શકે છે, ઉપરાંત શહેરના આંતરિક વિસ્તારોમાંથી
સીધું રેલવે સ્ટેશન જઈ શકાય છે, પરંતુ ગોપાલપુર રેલવે સ્ટેશન
કાર્યરત થયા પછી મોટાભાગની ટ્રેન અહીં સંચાલિત થશે તેવામાં શહેરી અને સેક્ટર વિસ્તારના
લોકોને રેલવે સ્ટેશન પહોંચવું મુશ્કેલ થાય તેવું છે રિંગરોડ બનતા ઘણો સમય લાગશે,
હાલના સમયે ખોડિયારનગરથી ગોપાલપુર રેલવે સ્ટેશન સુધી પ્રથમ તબક્કામાં
લગભગ બે મહિનામાં તે રોડ થશે, પરંતુ ભારતનગર અને અન્ય માર્ગોની
સ્થિતિ સારી નથી. મહાનગરપાલિકા દ્વારા તેમાં સુધારો થાય, તો નાગરિકો
ગોપાલપુર રેલવે સ્ટેશન પહોંચી શકે તેમ છે.