ગાંધીધામ, તા. 16 :
ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે
આદિપુરથી ટ્રેન આવ્યા બાદ એન્જિન બદલવું પડતું
હોય છે, જેથી 20 મિનિટના સ્ટોપ સહિત અડધોથી
એક કલાક સુધીનો સમય ટ્રેનને વધુ લાગે છે. આ સમસ્યાનાં સમાધાન માટે રેલવે દ્વારા અગાઉ ફ્લેગ સ્ટેશન રહેલાં ગોપાલપુર રેલવે સ્ટેશનને માતબર
રકમના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે અને અદ્યતન રેલવે સ્ટેશન તૈયાર પણ થઈ ગયું છે. ગાંધીધામવાસીઓ
જેની રાહ જોઈ રહ્યા હતા, તે ગોપાલપુર
સ્ટેશન ખાતે ભુજથી ઉપડતી સાત ટ્રેનને કોમર્શિયલ
સ્ટોપેજને મંજૂરી આપવામાં આવી છે, હવે નજીકનાં જ ભવિષ્યમાં સ્ટેશન ધમધમતું થઈ જશે. રેલવે બોર્ડના ડાયરેક્ટર કોચિંગ સંજયકુમાર નિલમ દ્વારા ગત તા. 15ના આ અંગેનું નોટિફીકેશન
બહાર પાડવામાં આવ્યું હતુંઘ જેમાં દાદર-ભુજ
સયાજીનગરી એક્સપ્રેસ, (20907-20908), ભુજ-બાન્દ્રા ટર્મિનસ એસી એક્સપ્રેસ (22903-22904), બાન્દ્રા-ભુજ (12965-12966), બાન્દ્રા-ભુજ (12959-12960), પૂને -ભુજ
(11091-11092), ભુજ-શાલીમાર એક્સપ્રેસ, (22829-22830), અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલ (94801-94802) સહિત સાત ટ્રેનને ગોપાલપુર સ્ટેશન ખાતે મંજૂરી આપવામાં આવી છે. એડવાન્સ
રિઝર્વેશન પિરિયડ અથવા નો બુકિંગ ડેટ બંનેમાંથી જે વહેલું હશે, તે
પ્રમાણે રેલવે દ્વારા નિર્ણય લેવામાં
આવશે. ભુજથી આવતી આ સાત ટ્રેન વાયા ગાંધીધામ કેબિન ગોપાલપુર-ભુજ સેક્શન ખાતેથી અવરજવર કરશે. હાલ ગાંધીધામ ખાતે આદિપુરથી ટ્રેન આવ્યા બાદ આગળના પ્રવાસ
માટે તે જ દિશાએથી ટ્રેન રવાના કરવી પડે છે,
જેથી ટ્રેનનું એન્જિન રિવર્સ કરવું પડે છે, જેથી
ગાંધીધામ ખાતે આવતી તમામ ટ્રેનોનું 20 મિનિટનું સ્ટોપેજ છે. જો કે, કેટલીક ટ્રેનોનું સ્ટોપેજ 15 મિનિટ કરાયું છે, પરંતુ ટ્રેન ગોપાલપુરના રસ્તે ગાંધીધામ આવે
અને ગાંધીધામથી ઉપડીને ગાંધીધામ કેબિન સુધી ટ્રેન આવે, ત્યાં સુધી ઓછામાં ઓછો પ્રત્યેક ટ્રેનને એક કલાક જેટલો સમય લાગે છે. આ ફેરફાર થવાથી ટ્રેનનો એક કલાક જેટલો
સમય બચશે. ખાસ કરીને મુંબઈ સહિતની ટ્રેનો એક કલાક વહેલી પહોંચશે. રેલવેના સત્તાવાર
સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આગામી બે મહિના
જેટલા સમયમાં ટ્રેનો ગોપાલપુર દોડતી થઈ જશે અને રેલવે દ્વારા નવું ટાઈમટેબલ બનાવવામાં
આવશે. આ સ્ટેશન શરૂ થઈ જતાં બ્રોડગેજ બાદ સૂનકાર
સ્ટેશન ફરી પ્રવાસીઓની અવરજવરથી ધમધમતું થઈ
જશે. - અંડરપાસ સહિતની
સુવિધા સાથેનું પ્રથમ રેલવે સ્ટેશન : ગાંધીધામ, તા. 16 : બ્રોડગેજ લાઈનનું ભુજ
સુધી વિસ્તરણ કરાયું, તે પહેલાં
મીટરગેજ લાઈન વખતે લોકલ ટ્રેન થોભતી હતી, પરંતુ બ્રોડગેજ લાઈન
ભુજ સુધી વિસ્તારિત કરાયા બાદ વર્ષ 2001થી આ સ્ટેશન ફ્લેગ હતું, પરંતુ આખરે રેલવે દ્વારા નવનિર્માણ
કરાયું છે, ત્યારે નવા માપદંડો સાથેનું કચ્છનું પ્રથમ રેલવે સ્ટેશન
છે. એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ ઉપર જવા માટે અહીં દાદરા નથી, પરંતુ મુંબઈના સ્ટેશનોની જેમ અંડરપાસ
બનાવાયો છે. આ ઉપરાંત સ્ટેશન પરિસરમાં કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતાં ચિત્રો અંકિત કરાયાં છે. - કચ્છ એક્સપ્રેસ
સહિતની ચાર ટ્રેન ગાંધીધામ આવશે : ગાંધીધામ, તા. 16 : રેલવે બોર્ડ દ્વારા ભુજથી ઉપડતી સાત ટ્રેન હવેથી ગોપાલપુર થોભશે, જ્યારે
હજુ પણ ચાર ટ્રેન ગાંધીધામ ખાતે જ આવશે. આ અંગે મળતી વિગતો મુજબ રેલવે દ્વારા
પ્રથમ તબક્કામાં સાત ટ્રેનને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ભુજ-બાન્દ્રા
ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ, ભુજ-બરેલી આલાહઝરત એક્સપ્રેસ,
ભુજ-દિલ્હી (દૈનિક) અને ભુજ સરાયરોહિલ્લા (દ્વિ સાપ્તાહિક) ટ્રેન હજુ
પણ ગાંધીધામ ખાતે જ આવશે.