• શનિવાર, 18 જુલાઈ, 2026

બન્નીમાં વીરડા જ તરસ છીપાવે છે

ભુજ, તા. 16 : કચ્છમાં સતત વરસાદની ખેંચને કારણે અનેક વિસ્તારોમાં પાણીની ગંભીર અછત સર્જાઈ છે. ખાસ કરીને બન્નીના વિસ્તારમાં સીમાડાનાં તળાવો અને કુદરતી જળસ્રોતો સુકાઈ જતાં પશુપાલકો માટે પીવાનાં પાણીની સમસ્યા વધુ વિકટ બની છે. આવી પરિસ્થિતિમાં આજે પણ સ્થાનિક લોકો પોતાની પરંપરાગત અને ટકાઉ પાણી વ્યવસ્થા -વીરડા  પર નિર્ભર રહેવું પડે છે. બન્નીના ભીટારા ગામના યુવાન પશુપાલકો સુકાઈ ગયેલાં તળાવમાં વીરડા બનાવી પોતાની ભેંસો અને અન્ય પશુઓને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તળાવમાં વરસાદી પાણી ભરાય, ત્યારે તેનો સીધો ઉપયોગ થાય છે, પરંતુ તળાવ સુકાઈ જાય ત્યારબાદ જમીનમાં સંગ્રહાયેલું પાણી કુદરતી રીતે માટી, ઘાસ અને લાકડાંના સ્તરોમાંથી ગળાઈને વીરડામાં એકત્ર થાય છે.  આ પરંપરાગત પદ્ધતિ એ વાતનો જીવંત પુરાવો છે કે, આધુનિક ટેક્નોલોજી સાથે-સાથે આપણી પરંપરાગત જળસંચય પ્રણાલીઓનું પણ અનન્ય મહત્ત્વ છે. વીરડા માત્ર પાણીનો સ્ત્રોત નથી, પરંતુ સ્થાનિક જ્ઞાન, કુદરત સાથેનો સંતુલિત સંબંધ અને ટકાઉ જીવનશૈલીનું  ઉદાહરણ છે. આવતા સમયમાં બન્ની વિસ્તારના કુદરતી તળાવોની ઊંડાઈ વધારવી, તેમની જળસંગ્રહ ક્ષમતા મજબૂત બનાવવી અને વીરડાની પરંપરાનું સંરક્ષણ કરવું અત્યંત જરૂરી છે. વરસાદનું વધુમાં વધુ પાણી સંગ્રહિત થશે, તો ભૂગર્ભ જળ પણ સમૃદ્ધ બનશે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં પશુપાલકોને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આધુનિક બનીએ કુદરત સાથે સુમેળ સાધતી અને પેઢીઓથી અજમાયેલી આપણી પરંપરાગત પદ્ધતિઓ જ ભવિષ્યમાં પાણી સુરક્ષા માટે સૌથી વધુ ઉપયોગી અને ટકાઉ સાબિત થશે તેવું જાણકારોનું કહેવું છે. 

Panchang

dd