• શનિવાર, 18 જુલાઈ, 2026

કચ્છી નવા વર્ષે ભુજના હમીરસર કાંઠે કાર્નિવલમાં છલકાયો કચ્છી સંસ્કૃતિનો વૈભવ

હેતલ પટેલ દ્વારા : ભુજ, તા. 16 : કચ્છી નૂતન વર્ષ એટલે કે આષાઢી બીજનાં પાવન પર્વે કચ્છની ધીંગી ધરાના સંસ્કાર વારસા અને લોકકળાને ઉજાગર કરતા સાંસદ કચ્છ કાર્નિવલ-2026 પ્રસંગે ભુજના હૃદયસમા ઐતિહાસિક હમીરસર તળાવના કાંઠે લોકસંસ્કૃતિના વૈભવ સાથે કચ્છી અસ્મિતા ધબકી ઊઠી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અને સાંસદ વિનોદભાઈ ચાવડાનાં નેતૃત્વમાં તથા પ્રભારીમંત્રી કાંતિભાઈ અમૃતિયા, મંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં કચ્છ લોકસભા અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ તેમજ કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક અને ભુજ કોમર્શિયલ બેંકના સહયોગથી આયોજિત સાંસદ કચ્છ કાર્નિવલ નીહાળવા સતત બીજાં વર્ષે કચ્છભરમાંથી જનમેદની ઊમટી પડતાં 47થી વધુ ઝાંખીઓનું પ્રદર્શન નિહાળ્યું હતું. - કચ્છીયતની થીમ : કચ્છીયતની થીમ પર હમીરસરના કાંઠે કચ્છ કાર્નિવલને માણવા નગરજનોના ચહેરા પર અનોખો આનંદ દેખાતો હતો. રાત્રે મોડે સુધી ચાલેલા કાર્યક્રમે અનોખી ભાત ઊભી કરી હતી. આ સાંસ્કૃતિક ઉત્સવમાં 47થી વધુ કલા-કૃતિનાં પ્રદર્શન સાથે 1200થી વધુ કલાકારોએ કચ્છી લોકસંસ્કૃતિ, પરંપરાગત વેશભૂષા અને કળા-કૌશલ્યનું પ્રદર્શન કરી હમીરસર કાંઠાને ગુંજતો કરી દીધો હતો. - વૈવિધ્યસભર પ્રસ્તુતિ : સ્વરા ડાન્સ એકેડેમી દ્વારા સ્વાગતગીત રજૂ કરાયું હતું. તલવાર ડાન્સ, મંજીરા, ઘંટા, ઢોલનાદ, ભુજિયા ડુંગરની પ્રતિકૃતિ, ઝાંસીની રાણીની અભિવ્યક્તિ, મા આશાપુરાની ચામરવિધિ - પતરીવિધિનું નિદર્શન, યોગાસનોના કરતબ, રંગીલો રાસ-કચ્છી વારસો, યોગા ફોર જેન-ઝી, પશુપાલન, મહિલા સશક્તિકરણ, ભીલ સમાજની સંસ્કૃતિ, શિવાજી મહારાજ પ્રસ્તુતિ, જેસલ-તોરલ, હનુમાન ચાલીસા, સૂફી સંતો, આહીર લગ્નોત્સવ, સ્વચ્છતા અભિયાન, પપેટ શો જેવી પ્રસ્તુતિ માત્ર મનોરંજન નહીં પરંતુ કચ્છ જો રંગ, કચ્છ જો ઢંગ અને કચ્છી અસ્મિતાનાં દર્શન કરાવ્યાં હતાં. - પ્રભારીમંત્રી શ્રી અમૃતિયા : કચ્છી માડુઓને કચ્છી નૂતન વર્ષ આષાઢી બીજની શુભેચ્છા પાઠવીને પ્રભારીમંત્રી તથા શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કચ્છ કાર્નિવલનું આયોજન શરૂ કરી કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતાને વિશ્વથી રૂબરૂ કરાવી હતી. વડાપ્રધાનના વિકાસનાં વિઝનથી વિકસિત બનેલાં કચ્છનો હજુ પણ વધુ વિકાસ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કચ્છ ભૂતકાળમાં અનેક મૂળભૂત સુવિધાથી વંચિત હતું, પરંતુ વડાપ્રધાને કચ્છની કાયાપલટ કરી દીધી છે. આજે મૂળભૂત સુવિધાથી લઈને રોજગારીનાં નવાં દ્વાર ખૂલતાં કચ્છ મોડેલરૂપ બન્યું છે. - ત્રિકમભાઇ છાંગા  : સાંસદ વિનોદભાઈ ચાવડાને ઉચ્ચ અને ટેકનિકલ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ અભિનંદન પાઠવતાં ઉમેયું હતું કે, કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા વડાપ્રધાને કચ્છનું પુનર્નિર્માણ કરવા સાથે કચ્છ કાર્નિવલની શરૂઆત કરાવી હતી. આ પરંપરા ફરી શરૂ થતાં કચ્છની સંસ્કૃતિ દેશ - દુનિયા સમક્ષ ઉજાગર થઈ રહી છે. - સાંસદ વિનોદ ચાવડા : આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ કચ્છીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, આષાઢી બીજ એટલે દેશ-વિદેશમાં વસતા દરેક કરછી માડુઓનો લોકોત્સવ છે.  દરિયાખેડુ, ખેડૂત, માલધારી સહિત તમામ કચ્છીઓ માટે આષાઢી બીજ મહત્ત્વપૂર્ણ છે. રાજાશાહીથી ચાલતી પરંપરા આજે પણ જીવંત છે, તેનું શ્રૈય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જાય છે. સાંસદે આયોજનમાં સહભાગી થનારા કલાકારો તથા કચ્છવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છ જિલ્લા ભાજપ પ્રભારી ફલજીભાઈ ચૌધરી અને જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે દરેક કચ્છવાસીઓને નવાં વર્ષની શુભકામના પાઠવી હતી. સાંસદ વિનોદભાઈએ કાર્નિવલની પરંપરાનું સાતત્ય જાળવ્યું તે માટે બિરદાવ્યા હતા. - નેતા-અધિકારીઓ : જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઇ પટેલ, પ્રદ્યુમનાસિંહ જાડેજા, વીરેન્દ્રાસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, કલેક્ટર અનિલ રાણાવસિયા, પશ્ચિમ કચ્છ એસ.પી. વિકાસ સુંડા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, રાજવી પરિવારના સભ્યો, સિનિયર અધિકારીઓ, જિલ્લા ભાજપના મહામંત્રીઓ ધવલ આચાર્ય, ભીમજી જોધાણી, હિતેષભાઇ ખંડોર, પ્રદેશ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ છાયાબેન ગઢવી, જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ મહાવીરસિંહ જાડેજા, કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવી, ભુજ શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કર, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ અશોક બરાડિયા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ લક્ષ્મીબેન ખેતાણી સહિત ઉચ્ચ અધિકારીઓ, મોટી સંખ્યામાં કચ્છીઓ અને ભુજ નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા રિતેન ગોર, વિરમભાઇ આહીર, રાજેન્દ્રસિંહ જાડેજા, કમલ ગઢવી, જગત વ્યાસ, કિશોર નટ, જયંત ઠક્કર સહિત સમગ્ર ટીમે રાત-દિવસ મહેનત કરી કચ્છ સાંસદ કાર્નિવલને સફળ બનાવ્યો હતો. કાર્નિવલની કૃતિઓની વ્યવસ્થામાં મહિલા ટીમના બિંદિયાબેન ઠક્કર, મનીષાબેન સોલંકી, બીનાબેન ભાનુશાલી, સાવિત્રીબેન જાટ, રિટાલીબેન ગણાત્રા, હસ્મિતાબેન ગોર, રૂપલબેન ચાવડા, વિમિબેન ઠક્કર, ધ્વનીબેન ગણાત્રા, વંદનાબેન પીઠડિયા, પ્રિયંકા જોષી સહિતના બહેનો જોડાયા હતા. સંચાલન પંકજભાઇ ઝાલા તથા મીડિયા વ્યવસ્થા ચેતનભાઇ કતિરાએ સંભાળી હતી. - નિર્ણાયકો : બેલાબેન મહેતા, વૈશાલી જેઠી, ચિન્મય ભટ્ટ, નયન રાણા, શૈલેશ સિંધલ, સ્વાતિ ઝાલા, કૃપલ સોમપુરા, અર્ચના ચૌહાણ, નરેશ અંતાણી, હેલી વચ્છરાજાની, અનીપ્રીષા સુંડા. - વિશેષ આકર્ષણ : બાળકોને આકર્ષવા માટે 3 પાંડા, ગોરીલા ને ખિસકોલીના વેશમાં ડિઝનીલેન્ડ જેવો મહોલ છવાયો હતો. બાળકો સાથે મોટેરાએ પણ ફોટો ક્લિક કરાવી આનંદની પળો માણી હતી. આકર્ષક સેલ્ફી પોઇન્ટ અને હમીરસરની મનોહર શોભાએ દર્શકોને કચ્છી ગૌરવની અનુભૂતિ કરાવી હતી. કચ્છડો વતાઈયાં, મન મોર બની થનગનાટ કરે, અચો પખી પરદેશીડા જેવાં ગીતોની પ્રસ્તુતિ સાથે કાર્નિવલ મંચ પર કચ્છના લોકકલાકારો દ્વારા કચ્છી સંસ્કૃતિના સંગીતના સૂરો રેલાવાયા હતા. નીલેશ ગઢવી, બાબુ આહીર, રાજેશ ગઢવી, અનિરુદ્ધ આહીર, દિવાળીબેન આહીર, પૂનમબેન ગઢવી, રાજ ગઢવી, દીપાલીબેન ગઢવી, પીયૂષ મારાજ, વસંત મારાજ (પનુડો) સહિતના કલાકારોએ કચ્છની ધરા પર પ્રથમ વખત કાર્નિવલ પ્રસંગે ભજન જેમિંગ દ્વારા જનમેદનીને ડોલાવી હતી. દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે ભજનો ઝીલ્યા હતા અને હમીરસરના આંગણે ભક્તિસંગીતમાં રાગ-આલાપ રેલાયા હતા. - વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડન દ્વારા સાંસદ વિનોદ ચાવડાને એવોર્ડ અર્પણ : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સક્રિયતા સાથે જનસંવાદ જાળવી રાખવાના પ્રયાસોને બિરાદાવતાં 5,20,000થી વધુ ફોલોઅર્સ છે તેની નોંધ લઇ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડન દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાનું સાંસદ કચ્છ કાર્નિવલના રંગારંગ પ્રસંગે એવોર્ડ આપી વિશેષ સન્માન કરાયું હતું. સમગ્ર કચ્છ માટે આ ગૌરવશાળી પળ બની રહી હતી.  - કાર્નિવલની વિજેતા કૃતિઓ (1) સહજાનંદ મહિલા આર્ટસ એન્ડ કોમેર્સ કોલેજ ભુજ, (2) હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક, (3) સંત શ્રી ઓધવરામ વૈદિક ગુરુકુળ, ભવાનીપુર ગુરુકુળ, (4) નવી સુંદરપુરી પ્રાયમરી ગર્લ્સ સ્કૂલ (હનુમાન ચાલીસા), (5) વીરાયતન વિદ્યાપીઠ, રુદ્રાણી. - આશ્વાસન ઇનામો  (6) નટ સમાજ, (7) દરજી સમાજ, (8) કેરા કુંદનપર, (9)  વિરલ યોગા સેન્ટર, (10) ક્રીડાભારતી કચ્છ વિભાગ. - કાર્નિવલમાં માર્ગ બંદોબસ્ત વખતે પોલીસ વિવેકબુદ્ધિ ચૂકતાં આઘાત : ભુજ, તા.16 : હમીરસર કાંઠે રંગ જમાવનારા કાર્નિવલ માટેના માર્ગના બંદોબસ્ત દરમ્યાન પોલીસ વિવેકભાન ચૂકી હતી અને ઈમર્જન્સી જેવા કિસ્સાઓમાં પણ પોલીસ અધિકારીઓ માનવતા ચૂકતાં લોકોમાં રોષ ફેલાયો હતો. પાટવાડી નાકા પાસે તૈનાત એક પોલીસ અધિકારી દ્વારા સામાન્ય લોકો જ નહીં, પણ પત્રકાર સામે પણ અણછાજતું વર્તન કર્યુ હતું અને લોકોને પાટવાડી નાકાથી આશાપુરા મંદિર તરફ પણ ન જવા દેવાતાં આશ્ચર્ય તેમજ આઘાત ફેલાયા હતા. કાર્નિવલ હમીરસર કાંઠે હોય અને તેનાથી વિપરિત જતા રસ્તા પણ બંધ કરી દેવાતાં  કચવાટનો માહોલ ઊભો થયો હતો. પોલીસે નિયમપાલન કરવાનું હોય છે, પણ સાથે જ વિવેકબુદ્ધિનો પણ ઉપયોગ કરવાનો હોય છે. 

Panchang

dd