ભુજ, તા. 26 : નર્મદા આધારિત થતાં પાણી વિતરણનાં
કારણે જ્યારે લાઈનમાં ભંગાણ પડે ત્યારે ભુજવાસીઓને દિવસો સુધી જળતરસ્યા રહેવાનો વારો
આવતો હતો. ભુજમાં પાણીની કટોકટીને ભૂતકાળ બનાવવા માટે રાજ્ય સરકારે લેર ડેમનું પાણી
ભુજ શહેર માટે અનાતમ રાખવાનો ઐતિહાસિક ગણી શકાય તેવો નિર્ણય લેવાયો છે, ત્યારે ભુજ શહેરને પાણીનો જથ્થો નિયમિત રીતે
પૂરો પાડવા માટે લેર ડેમને બારેમાસ નર્મદાનીરથી ભરેલો રાખવામાં આવશે. લેર ડેમમાં નર્મદાનીર
પહોંચાડવા માટે અલાયદી પાણીની લાઈન નાખવામાં આવશે. આ ડેમમાંથી ભુજને 60 એમએમલડી પાણીનો જથ્થો કાયમી
રીતે મળી રહે, તેવું આયોજન ગોઠવાયું છે,
તેવું ધારાસભ્ય કેશુભાઈ પટેલે વિગત આપતાં કહ્યું હતું. લેર ડેમ ભુજની
પાણી સમસ્યાનો વિકલ્પ બને એ માટે રાજ્ય સરકારમ સક્રિય રજૂઆત કરી પરિણામલક્ષી કાર્ય
કરનાર ધારાસભ્ય કેશુભાઈએ વિગતવાર માહિતી આપતાં કહ્યું કે, ભુજ
નગરપાલિકા હસ્તકના કુકમા હેડવર્કસથી ઉપરની બાજુએ 4.પ0 કિ.મી.નાં અંતરે આવેલા લેર ડેમ સુધી પાણી પહોંચાડવા માટે ડેમથી
કુકમા પાણી શુદ્ધીકરણ પ્લાન્ટ સુધીની પાઈપલાઈન બિછાવાશે. આ લાઈન મારફત પાણી પુરવઠા
વિભાગ નર્મદાનીર ડેમમાં પહોંચાડશે. - સિંચાઈ વિભાગ ડેમની
જળસંગ્રહ ક્ષમતા વધારશે : કેશુભાઈએ કહ્યું કે, લેર ડેમની હાઈટ વધારવા તેમજ તેને થોડો ઊંડો કરી ડેમમાં વધુ પાણીનો જથ્થો સંગ્રહિત
થાય એ માટે સિંચાઈ વિભાગ દ્વારા પાંચેક કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. 1.241 મિલિયન ક્યુબિક મીટરની ક્ષમતા ધરાવતો આ ડેમ વરસાદમાં તો કાયમી ભરાયેલો
રહે તેમ નથી, જેથી નર્મદાથી ડેમને ભરવાનું
આયોજન હાથ ધરાયું છે. ધારાસભ્યે જણાવ્યું કે, સિંચાઈ વિભાગની
મંજૂરી મળવી મોટી વાત છે. - ભુજની જળવિતરણ વ્યવસ્થાને સુચારુ બનાવાશે : લેર ડેમનું પાણી ભુજ માટે અનામત રાખવાને
રાજ્ય સરાકરે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, ત્યારે આગામી સમયમાં ભુજની જળવિતરણ વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવનું આયોજન પણ
હાથ ધરાયું છે.પાણીનો યોગ્ય રીતે પૂરતાં પ્રમાણમાં સંગ્રહ થાય અને ભવિષ્યમાં ભુજ નગરપાલિકા
અને ભુજ શહેરી વિકાસ સત્તામંડળની હદ સિવાયના વિસ્તારોને પણ પાણી આપી શકાય તેમ છે. - પાણીની પાઈપલાઈનનું નેટવર્ક
પણ બદલાશે : ધારાસભ્યે કહ્યું કે, ભુજને પાણી પૂરું પાડતી પાઈપલાઈન ઘણા વર્ષોથી બદલાઈ નથી. ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને
રાખી ભુજ અને બન્ની વિસ્તારની અલાયદી પાઈપલાઈન આગામી 2પ વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખી નખાય
તે માટે પણ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. મુખ્યમંત્રીએ સાનુકૂળ પ્રત્યુત્તર પાઠવતાં
ભુજને પાણી પૂરું પાડતી પાઈપલાઈનું નેટવર્ક પણ બદલવામાં આવશે.