ભુજ, તા. 26 : મુંદરા તાલુકાના વાંકી ગામની
સીમમાં આવેલી જમીનનો વેચાણ અર્થે સાટાકરાર કરી જમીન દસ્તાવેજ કરવાના ટોકન મેળવી 1,39,41,000ની છેતરપીંડી કરવાના મામલે
પ્રાગપર પોલીસ મથકે ત્રણ મહિલા સહિત પાંચ જણા સામે ફરિયાદ નોંધાઈ હતી. વાંકી ગામમાં
આવેલી જમીન આરોપી વેજીબેન વાલજી ચાડે અન્ય આરોપીઓ જોહરાબાઈ અમીરઅલી ખોજા, અમીન અમીરઅલી ખોજા, ઈરફાન
અમીરઅલી ખોજા અને કરીશ્મા અમીરઅલી ખોજા પાસેથી ખરીદી હોવાના વેચાણ સાટાકરાર બતાવી ફરિયાદી
મહમદરફીક હાજી ખોજાને વેચવાનું જણાવ્યું હતું, જેના પેટે જુદા-જુદા
સમયે રોકડ તથા ચેક મારફતે કુલ રૂા. 1.39 કરોડ મેળવ્યા બાદ જમીન કે નાણાં પરત ન આપી ઠગાઈ આચરી હતી. પોલીસે
આપેલી વિગતો મુજબ, ખેતી તથા જમીન
લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા મહમદરફીક હાજી ખોજાએ લખાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું
કે, આશરે આઠેક માસ પહાલાં નાના કાંડાગરા ખાતે ખેતીની જમીન વેચ્યા
બાદ જે નાણાં મળ્યા હતા, તે જમીનમાં રોકવા તેમના મિત્ર ધીરુભા
રતનજી જાડેજાએ જણાવ્યું હતું અને વાંકીમાં એક જમીન વેચાણમાં હોવાનું કહ્યું હતું. વાંકી
ગામમાં આવેલી જમીનનો સોદો વેજીબેન વાલજી ચાડે કર્યો છે, જેના
વેચાણ કરાર થઈ ગયા છે અને તે આ જમીન વેચવા માગે છે. તેથી ફરિયાદી જમીન જોવા ગયા હતા,
ત્યારે વેજીબેને જમીનના માલિક જોહરાબાઈ અમીરઅલી ખોજા તથા તેના પરિવારના
સભ્યોએ વેચાણ કરાર કરી આપ્યા હોવાની નકલ બતાવી હતી. જેથી સોદો નક્કી થયો હતો,
જેના પેટે એક એકરના 13 લાખ મુજબ કુલ 2,86,25,000નો સોદો નક્કી થયો હતો. વેજીબેને જણાવ્યું હતું કે, જમીનના વેચાણ કરાર થયા હોવાથી બાકીની રકમ ઈરફાન
અમીરઅલી ખોજા તથા તેના પરિવારના સભ્યોને આપવાની રહેશે, જે પછી
ફરિયાદીએ 10 લાખનો ચેક
તથા એક લાખ રોકડા બાના પેટે વેજીબેનને આપ્યા હતા અને મુંદરા ખાતે સાટાકરાર કર્યા હતા, ત્યારબાદ 29 લાખ રોકડા આપ્યા હતા. દરમિયાન
ઈરફાન ખોજાએ જમીન વેચવા બાબતે કોઈ વાંધો નથી, માત્ર અમારા નાણાં મળી જાય એટલે દસ્તાવેજ કરી આપશું. ત્યારબાદ દસ્તાવેજ માટે
ટોકન લેવાયું હતું. થોડા દિવસો બાદ અખબારમાં તે જ જમીન મામલે નોટિસ જોઈ હતી,
જેમાં દિલસાદબેન મહમદભાઈ રામાણીના તે જમીનમાં વારસાઈ હક્ક હોવાથી કોઈએ
ખરીદવી નહીં તેમ જણાવાયું હતું. તેથી ઈરફાનને ફરિયાદીએ ફોન કરી જાણ કરતાં મામલો સુલટાવી
લઈશ તેમ જણાવાયું હતું અને થોડા દિવસો બાદ દસ્તાવેજ કરાવી દેશે તેમ કહ્યું હતું. થોડા
દિવસો બાદ આરોપી ઈરફાને પાંચ લાખની જરૂર હોતાં આપવા કહ્યું હતું. આમ, વિવિધ બહાના બનાવી આરોપીઓએ મહમદરફીક પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂા. 1.39 કરોડથી વધુની રકમ પડાવી લીધી
હતી અને રકમ કે જમીનના દસ્તાવેજ ન કરી આપી અંતે આ મામલે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી
હતી. પ્રાગપર પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.