• શનિવાર, 27 જૂન, 2026

એખલાસ અને શાંતિ સાથે કચ્છભરમાં મોહરમ પર્વ મનાવાયું

ભુજ, તા. 26 : કરબલાના મેદાનમાં કુરબાની આપનારા શહીદોનાં માનમાં મુસ્લિમ સમાજ દ્વારા કચ્છભરમાં મોહરમ પર્વ મનાવાયું હતું. માનવજીવનની રક્ષા કાજે કરબલાના મેદાનમાં 72 સાથીદાર સાથે કુરબાની આપનારા ઇમામ હુસેનની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વ મનાવાય છે. શુક્રવારે શહેરના ભીડચોકમાં સીદીવાળા રથ આવી પહોંચતાં તેનું સન્માન-સ્વાગત કરાયું હતું. ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવી પહોંચેલા તાજિયા-ઘોડા વગેરે આ જુલૂસમાં જોડાયા હતા. ઢોલ-નગારા, ચોકારા અને ઓસાણી સાથે માહોલ ગમગીન બન્યો હતો. શહેરના માર્ગો પરથી નીકળેલા જુલૂસને નિહાળવા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. - ભુજમાં ઈમામ હુસેનની શહાદતને યાદ કરાઈ : કરબલાનાં મેદાનમાં 72 સાથીદાર સાથે શહીદી વહોરી લેનાર ઈમામ હુસેનની યાદમાં મુસ્લિમ બિરાદરોએ યા હુસેનના નારા સાથે ભુજમાં મોહરમ પર્વ માતમ મનાવ્યા હતા.  ઈસ્લામ ધર્મના સ્થાપક હઝરત મહંમદ પયંગબર સાહેબના દોહિત્ર હઝરત ઈમામ હુસેને સત્ય માટે ઈરાકનાં કરબલા શહેરમાં સન-61માં યહુદીઓ સામે યુદ્ધ ખેલી પોતાના 72 સ્વજન સાથે શહીદી વહોરી હતી. ઈમામ હુસેનની યાદમાં વિશ્વભરના કરોડો ઈસ્લામ ધર્મીઓ મોહરમ માસના પ્રથમ દશ દિવસ શોક મનાવે છે અને ત્યાર બાદ તાજિયા કાઢવામાં આવે છે. મહાન શાંતિને વરેલ ભારત દેશ કોઈ પણ જાતના ભેદભાવ વિના ઈમામ હુસેનની કુરબાનીને યાદ કરી મોહરમ તહેવારની ગમગીની સાથે ઉજવણી કરે છે. આ તહેવાર કોમી એકતા અને ભાઇચારા સાથે મનાવવામાં આવે છે. સીધીવાળા રથ ભીડચોકમાં આવી પહોંચતાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રથનું સન્માન કરવામાં આવેલું. ઠેર-ઠેરથી ઘોડા- તાજિયા પણ ભીડચોકમાં આવી પહોંચ્યા હતા. ઢોલ, નગારા, ચોકારા, કચ્છી ઓસાણીની ભારે રમઝટ જામી હતી. પ્રથમ રથને નાળિયેરથી વધાવી ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, ધર્મેશ ગોર, ફકિરમામદ કુંભાર, કિશોરદાન ગઢવી, ચેતન શાહ, આદિલ જત, ચંદ્રિકાબેન ઘનશ્યામ સોની, રાણબાઇ મહેશ્વવરી, નૌશીદાબેન લંઘા, અંજલિ ગોર, નરેન્દ્ર ભીલ, કાસમ કેવલ, આઇસુબેન સમા, ફાતીમાબેન સમા, રોશનબેન સમાકાસમભાઇ સમા, હારુન ત્રાયા, ભુજ વેપારી એસો.ના મેહુલ ઠક્કર, પ્રબોધ મુનવર, અકિલ મેમણ, સલીમ મોગલ, ઇમરાન ચૌહાણ જોડાયા હતા.શણગારેલા તાજિયા, તાબુસ, સેજ, રથ અને ઘોડા જોવા ઠેરઠેર લોકો ઊમટી પડયા હતા. ન્યાજનો વિશાળ સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ બિરાદરોએ લાભ લીધો હતો. જુલૂસ કોમી એકતા, ભાઈચારો-એકતા, સંપ અને સંગઠન સાથે શાંતિથી પસાર થયું હતું. એસ.પી. વિકાસ સુંડા, ડીવાયએસપી વિશ્વાબેન શાહ, એ -ડિવિઝન પી.આઈ. એમ.એ. નકુમ, બી-ડિવિઝન પીઆઈ એ.એમ. હેરમા, જિલ્લા ટ્રાફિકના આર.બી. જોષી, સિટી ટ્રાફિક પીએસઆઇ શ્રી લખણોત્રા, એલસીબી પીઆઈ શ્રી મકવાણા, એસઓજીના શ્રી પરમાર અને સ્ટાફ સર્વેનાં માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જી.ઈ.બી. તથા ભુજ નગરપાલિકા દ્વારા લાઇટ- પાણી-સફાઈની સુંદર વ્યવસ્થા થઈ હતી. એ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનોએ સહકાર આપ્યો હતો.તાજિયા કમિટી પ્રમુખ નોડે અભ્ભાસ ઇલિયાસ તથા ઉપપ્રમુખ કુંભાર ગની તાલબ, રફીક બાવા, સુરંગી નૂરમામદ રમજુ, મહામંત્રી ધોબી ઇકબાલ, ઇસ્માઇલ, સમા શહેજાદ અનવર, સહમંત્રી નોડે સાલેમામદ, ખલીફા અહેમદ, તુર્ક સલીમ, પઠાણ દાઉદ ફકીરમામદ, મંત્રી રાઠોડ ઇમરાન ઉમર, મુકરશી મુબારક, કુરેશી મામદ હુશેન, ખજાનચી લોટા અદ્રેમાન, સલાહકાર મણિયાર હાજી અલ્તાફ, કોઠારી અજીજભાઇ, ખત્રી રશિદ હુસેનભાઇ, હાજી આમદભાઇ એ. જતે સૌનો આભાર માન્યો હતો. - માધાપરમાં જુલૂસ નીકળ્યું : ભુજની ભાગોળે આવેલા માધાપર ખાતે પણ મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાનું જુલૂસ કાઢવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. - માંડવીમાં તાજિયા ઠારવા સાથે મોહરમ પર્વનું સમાપન : શહીદે કરબલાની યાદમાં આજે સાંજે નદીપટ પ્રદેશમાં તાજિયા ઠારવાની સાથે મોહરમનું સમાપન કરવામાં આવ્યું હતું. પરંપરાગત મોટા સલાયા, કાંઠા વિસ્તાર (તબીલા) અને ભડાલાપોળ વિસ્તારમાંથી તાજિયાઓને નદીપટમાં લાવવાની સાથે રસમ મુજબ ત્રણ ફેરા સાથે તાજિયા ઠારવામાં આવ્યા હતા. આ અવસરે સુન્ની મુસ્લિમ ભડાલા જમાતના પ્રમુખ હાજી ઇશા હાજી સિધિક થૈમ (પટાશેઠ), માનસ મહોબ્બતના સંવાહક સૈયદ કૌશરઅલીશા હાજી મખ્દુમઅલીશા બાવા, સલાયા તાજિયા કમિટીના પટેલ હાજી અહમદ હાજી હસન જુણેજા, કાંઠા વિસ્તારના પટેલ હાજી ફકીરમામદ છુછિયા, હુશેન સિધિક જુણેજા, હાજી આદમ હાજી સિધિક થૈમ (ભોલુશેઠ), જુસબ સુલેમાન જાફરાબાદી, હાજી અલીમામદ રોહા, મમુ સિંધી સહિત બહોળી સંખ્યામાં બિરાદરો જોડાયા હતા. સમગ્ર વિસ્તાર ભરચક બન્યો હતો. - મુંદરામાં ભવ્ય તાજિયા જુલૂસ અને ભાઈચારા સાથે મોહરમની ઉજવણી : શહેરમાં  હઝરત ઇમામ હુસેન (અ.સ.) અને તેમના સાથીઓની  શહાદતની યાદમાં તાજિયાના જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મોહરમના દસ દિવસ દરમિયાન મુંદરામાં ઠેર-ઠેર મજલિસ, ન્યાજ અને સબિલ જેવા ધાર્મિક  આયોજન કરવામાં આવ્યાં હતાંજેની પૂર્ણાહુતિ રૂપે દસમા દિવસે ભવ્ય તાજિયા જુલૂસ નીકળ્યું હતું. આ જુલૂસમાં લશ્કરી, ધારણા, ધોબીની સેઝ, કુંભારનો ઝંડો, હજામની સેઝ અને બે ઘોડા સહિતના આકર્ષણ સાથે શ્રદ્ધાળુઓ જોડાયા હતા, જે બાદ તમામ તાજિયાઓને તબેલા ગ્રાઉન્ડ ખાતે વિધિવત રીતે ઠંડા કરવામાં આવ્યા હતા. માહે મોહરમ સોહદા-એ- કરબલાની શાનમાં 1થી 10 મોહરમની 10 મજલિસનું આયોજન તબેલા ગ્રાઉન્ડ મધ્યે કરવામા આવ્યું હતુ.  મૌલાના કાતિબ અહેંમદ ખાન દ્વારા તકરીર કરવામાં આવી હતી. તિલવાતે કુર્આન મૌલાના અઝિમુદ્દીન તથા નાતખ્વાની ખત્રી સકીલ અહેમદ તથા ખત્રી હાજી અહેમદ દ્વારા પઢાવવામાં આવી હતી. સલાંતો સલામ હાજી જમાલુદ્દીન દ્વારા પઢવામાં આવ્યું હતુ. આ આયોજન ગોષિયા કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજન દરમિયાન શાંતિ અને સુલેહ જળવાઈ રહે તે માટે મુંદરા પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ પહેલાં અંજુમન-એ-હુસૈન કમિટી દ્વારા મુંદરા બસ સ્ટેશન પાસે `સબીલ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ  દરમિયાન, રાહદારીઓ અને મુસાફરો માટે ઠંડા પાણીની બોટલ તથા કોલ્ડાડ્રિંક્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. હઝરત ઇમામ હુસેનની  યાદમાં મુંદરા નદીવાળા નાકા મધ્યે `નૂરે ઇલાહી સેવા કમિટી' દ્વારા શરબત અને ન્યાજે હુસૈનનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અલા હઝરત ટ્રસ્ટના મહામંત્રી અને કચ્છી આર્ટ ટ્રસ્ટના પ્રમુખ કુંભાર રમજુ મોહમ્મદે બયાન ફરમાવ્યું હતું.  કાર્યક્રમમાં હાજી સુલતાન, ધ્રબ પંચાયતના સરપંચ હાજી અસલમ તુર્ક, ભુજ સહકાર મંડળના પ્રમુખ ઝહીર સમેજા, સેવા કમિટીના પ્રમુખ ઇમરાન અવાડિયા વિ. ઉપસ્થિત રહ્યા હતા. ગઢશીશામાં તાજિયા જુલૂસ નીકળ્યા : ગઢશીશામાં સમસ્ત મુસ્લિમ જમાત, સબીલેહુસેન કમિટી અને તાજિયા કમિટીના સંયુક્ત આયોજનથી એક મોહરમથી 10 મોહરમ સુધી ઇમામ ચોકમાં મૌલાના અબ્દુલ કરીમ ગજણની સિલસિલાવર તકરીરો, સબીલે હુસેનમાં વિવિધ ન્યાજ અને ઠંડા પીણા રાખવામાં આવ્યા હતા તેમજ તાજિયાનું જુલૂસ નિકળ્યું હતું, જેમા અંબિકા ચંદ્રનિકેતનના દેવી ચંદુમાએ વથાણ ચોકમાં સ્વાગત કર્યું હતું. તાજિયાના જુલૂસમાં કલાકાર જુમાભાઈ જુણેજા (દહીંસરા)એ ઓસાણી રજૂ કરી હતી. ગામના હિન્દુ-મુસ્લિમ શ્રદ્ધાળુઓએ તાજિયાનાં દર્શન કરી શ્રીફળ પ્રસાદ ધરાવ્યા હતા.   - મોટી વિરાણીમાં ધારાસભ્યની ઉપસ્થિતિ : નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે દસ મજલિસ મૌલાના ઇબ્રાહિમે અને તયબાહ નગરમાં મૌલાના ફકીરમામદ કુંભારે પઢાવી હતી. ગામમાં નીકળેલા જુલૂસમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નખત્રાણા નગરપાલિકા પ્રમુખ વસંત વાઘેલા, જયેશ કાનાણી, ગોવિંદ બળિયા, પોલીસના મુકેશભાઇ, કોમલબેન હાજર રહ્યા હતા. નવા વરાયેલા મુસ્લિમ જમાતના પ્રમુખ નૂરમામદ ખત્રીનું ધારાસભ્યના હસ્તે સન્માન કરાયું હતું. રાપરમાં જૂલુસ : રાપરમાં  મોહરમ નિમિત્તે રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા તાજિયા જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું, જે માંડવી ચોક ખાતેથી સોની બજાર, માલીચોક થઈ આથમણા નાકા ખાતે ઠારવામાં આવ્યા હતા, જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગાંધીધામ નાયબ પોલીસ અધીક્ષક એ.વી. રાજગોર, રાપર પીઆઇ આર.એલ. ખટાણાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. 

Panchang

dd