• શનિવાર, 27 જૂન, 2026

રામવાવમાં રામ મંદિર પાસે ગૌવંશનું કપાયેલું માથું મળતાં ચકચાર

રાપર, તા. 26 :  તાલુકાનાં રામવાવ ખાતે આવેલા રામમંદિરની બાજુમાં નાનકડા ગૌવંશનું કપાયેલું મસ્તક મળી આવતાં નાનાં એવાં ગામમાં રોષ ફેલાયો હતો. સમાચાર મળતાં જ હિન્દુ સંગઠનનાં અગ્રણીઓ અને પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ઉંડી તપાસ હાથ ધરી હતી. બપોરે રામમંદિર પાસે વાછરડાનું કપાયેલું મસ્તક મળી આવતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. માહિતી મળતાં ડીવાયએસપી સાગર સાંબળા, રાપર પીઆઈ આર.એલ.ખટાણા સહિતનાં પોલીસ અધિકારીઓએ રામવાવ પહોંચી છાનબીન હાથ ધરી હતી. તો હિન્દુ સંગઠનનાં અગ્રણીઓ, ગૌ સેવકો અને ગામનાં રાજકીય અને સામાજિક આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. આસપાસ શોધખોળ કરતાં અલગ અલગ જગ્યાએથી કપાયેલા ત્રણ પગ પણ મળી આવ્યા હતાં.  આ અંગે ઘટના સ્થળે ઉપસ્થિત રાપરનાં પશુ ચિકિત્સકને પુછતાં તેમણે પેનલ પોસ્ટમોર્ટમ બાદ જ સાચી હકીકત બહાર આવે તેમ જણાવ્યું હતું. સ્થળ પર પંચનામું કરી ગૌવંશનાં કપાયેલા અંગો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતાં. શાંત એવા વાગડ વિસ્તારમાં આવું હીન કૃત્ય થાય તો ગૌભક્તો અને હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચી હતી. માહોલ ન બગડે તે માટે પોલીસે સતર્ક બની કાર્યવાહી કરી હતી. રાપર પીઆઇ આરએલ ખટાણા એ જણાવ્યું હતું કે પીએમ રિપોર્ટ અને એફએસએલના અહેવાલ બાદ  પોલીસ આગળ તપાસ હાથ ધરશે.   

Panchang

dd