• શનિવાર, 27 જૂન, 2026

ચિત્રોડ : ધોરીમાર્ગ હોટેલમાં નશો વેચતા સંચાલકની ધરપકડ

ગાંધીધામ, તા. 26 : રાપરના ચિત્રોડ નજીક સામખિયાળી-આડેસર ધોરીમાર્ગ પાસે હાઇ-વે હોટેલ ચલાવતા સંચાલકની પોલીસે ધરપકડ કરી તેની પાસેથી રૂા. 72,175નો માદક પદાર્થ જપ્ત કર્યો હતો તેમજ ગાંધીધામમાં બાઇકચાલકની અટક કરી તેની પાસેથી રૂા. 38,800નું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. સામખિયાળીથી આડેસર તરફ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27 નજીક ચિત્રોડ નાયરા પંપની બાજુમાં આવેલી જીંદ જુલાના રોહતક હરિયાણા હોટેલમાં માદક પદાર્થ વેચાતો હોવાની પૂર્વ-સચોટ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. હોટેલમાં હાજર સંચાલક મોહિત ઉર્ફે મીનુ સતબીર જાટને સાથે રાખી હોટેલની ઝડતી તપાસ કરવામાં આવી હતી. દરમ્યાન એક થેલામાંથી બે ઝબલાં મળી આવ્યાં હતાં, જે પૈકી એકમાં પોષડેડાની ભૂકી તથા બીજામાં ગાંજો હોવાનું આ શખ્સે જણાવ્યું હતું. પોલીસે એફ.એસ.એલ. અધિકારીને બોલાવી પૃથક્કરણ કરાવતાં આ બંને માદક પદાર્થો જ હોવાનું બહાર આવ્યું હતું. આ હોટેલમાંથી 365 ગ્રામ પોષડેડાની ભૂકી તથા 1.235 કિલો ગાંજો અને ગોગો પેપર એમ કુલ રૂા. 72,175નો માદક પદાર્થ જપ્ત કરાયો હતો. આ નશાને ક્યાંથી લાવ્યો હતો તે કંઇ જ બહાર આવ્યું નથી. બીજી કાર્યવાહી ગાંધીધામના ઓમ સિનેપ્લેક્સ નજીક ફન બ્લાસ્ટ સામેનાં મેદાનમાં કરવામાં આવી હતી. અહીં બાઇક નંબર જી.જે. 12-ડી.એફ. 4231 લઇને હેરોઇન વેચવા ગ્રાહકો શોધતા દિલીપ ઉર્ફે દીપક સોહનલાલ ચૌહાણ નામના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. તેના બાઇકની તપાસ કરતાં બાઇકના ટૂલ બોક્સના ખાનામાંથી પ્લાસ્ટિકની કોથળી મળી હતી, જેમાં માદક પદાર્થ હતો. એફ.એસ.એલ. અધિકારીને બોલાવી ખરાઇ કરાવતાં આ પદાર્થ હેરોઇન હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા શખ્સ પાસેથી રૂા. 38,800નું 1.940 ગ્રામ હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. તેણે આ પદાર્થ રાજસ્થાનના જોધપુરમાં રહેતા રાકેશ નામના શખ્સ પાસેથી લીધું હોવાનું બહાર આવ્યું હતું. તે કેટલા સમયથી નશો વેચે છે, કેટલી વખત ખેપ કરી છે તે સહિતની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd