ભુજ, તા. 26 : કચ્છના પેટાળમાં અનેક કિંમતી
ખનિજ સંપદાઓ ધરબાયેલી પડી છે. કચ્છના પેટાળને ખનિજ સમૃદ્ધિનો ભંડાર ગણવામાં આવી રહ્યો
છે. આગામી સમયમાં કચ્છની આ દુર્લભ ખનિજ સંપદા દેશને આત્મનિર્ભર બનાવવામાં અગત્યની ભૂમિકા
ભજવશે. કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી થતી દુર્લભ ખનિજ તત્ત્વોને શોધવાની કવાયત અંતિમ
તબક્કે પહોંચી છે, ત્યારે આગામી
સમયમાં કચ્છ-ગુજરાત રેર અર્થ મિનરલ્સના પ્રોસેસિંગનું મહત્ત્વનું કેન્દ્ર બને તે દિશામાં
નક્કર ડગ માંડી દેવાયા છે. - વૈશ્વિક દૃષ્ટિએ પણ આ કવાયત અતિ મહત્ત્વની : આ ક્ષેત્ર
સાથે સંકળાયેલા નિષ્ણાતોના મતાનુસાર કચ્છમાં દુર્લભ ખનિજ તત્ત્વોને શોધવાની કવાયત વૈશ્વિક
દૃષ્ટિએ અતિ અગત્યની ગણવામાં આવી રહી છે. અત્યાર સુધી રેર અર્થ એલિમેન્ટસ એટલે કે, દુર્લભ ખનિજ તત્ત્વોના સપ્લાય પર ચીનનું આધિપત્ય
છે. કચ્છમાં ચાલી રહેલી કવાયતમાં દુર્લભ ખનિજ તત્ત્વો મળી આવાથી ચીન પરની નિર્ભરતા
ઘણાખરા અંશે ઘટી જશે અને ભારત તેમાં પણ આધિપત્ય જમાવવા તરફ ડગ માંડી શકશે. - આ દુર્લભ ખનિજ તત્ત્વોની શોધખોળ
: કચ્છમાં હાથ ધરાયેલી કવાયતમાં કે લિથિયમ
જે ઈલેક્ટ્રિક વાહનોની બેટરી બનાવવા માટે મહત્ત્વનું ખનિજ છે તેની શોધખોળ ચાલી રહી
છે. કચ્છના રણમાં અને પથરાળ વિસ્થારમાં તેનો વ્યાપક ભંડાર હોવાની સંભાવનાથી તકનિકી
સર્વે ચાલી રહ્યો છે. આ ઉપરાંત લિગ્નાઈટને પણ આધુનિક ટેક્નોલોજીની મદદથી ડેટા અપડેટ
કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત લેઝર, સેમિકન્ડક્ટર, એરોસ્પેસ, સંરક્ષણ
ઉપકરણો તેમજ ગ્રીન ટેક્નોલોજીમાં વપરાતા 17 દુર્લભ તત્ત્વનું સંશોધન કરવામાં આવ્યું છે. - અલગ-અલગ સંસ્થા મોજણીના કાર્યમાં
સામેલ : કચ્છના પેટાળમાંથી દુર્લભ ખનિજ તત્ત્વોને શોધવાની કામગીરીમાં
જિયોલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયા, નેશનલ
મિનરલ્સ એક્સપ્લોરેશન ટ્રસ્ટ, ઈન્ડિયન મિનરલ ઈન્વેસ્ટીગેશન કોર્પેરેશન
એટોમેટિક મિનરલ ડિરેક્ટોરેટ સહિતની સંસ્થાઓએ કેન્દ્ર સરકારના દિશાનિર્દેશ હેઠળ આ કામગીરી
હાથ ધરી છે. - સેમ્પલનાં
પરીક્ષણનો ધમધમાટ : આ કવાયતના
ભાગરૂપે પથ્થર-ખડક સહિતના સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા છે. આ એકત્રિત કરાયેલા નમૂનાઓનું
હાલ પરીક્ષણ ચાલી રહ્યું છે. આ પરીક્ષણના આધારે જ કેટલા દુર્લભ ખનિજ તત્ત્વો મળ્યા
અને કેટલા મળવાની સંભાવના છે, તેનો
ચોક્કસ ક્યાશ નીકળશે, તેવું સત્તાવાર રીતે અપાયેલી વિગતમાં જણાવાયું
છે.