• શુક્રવાર, 19 જૂન, 2026

વિકાસના પંથે કચ્છ : રેલવે સુવિધા-સમસ્યાના ઉકેલ માટે રવિવારે મુંબઇમાં લોકદરબાર

મુંબઇ, તા. 18 : મુંબઇ અને માતૃભૂમિ કચ્છ વચ્ચે પ્રવાસ કરતા લાખો કચ્છી માડુઓની રેલવે સફરને વધુ સુખદ, સુરક્ષિત અને આરામદાયક બનાવવાના ઉમદા આશય સાથે છેલ્લા પાંચ દાયકાથી કાર્યરત પ્રતિષ્ઠિત સંસ્થા કચ્છ પેસેન્જર્સ એસોસિયેશન દ્વારા એક રચનાત્મક લોકદરબાર આગામી રવિવાર તા. 21/6/26ના સાંજે 4 વાગ્યે નારાણજી શામજી વાડી, ભાઉ દાજી રોડ, માટુંગા, મુંબઇ ખાતે યોજાશે. કચ્છ પેસેન્જર્સ એસોસિયેશનના પ્રમુખ અને પશ્ચિમ રેલવે સલાહકાર સમિતિના સક્રિય સભ્ય કાંતિલાલ સંગોઇએ જણાવ્યું હતું કે, રેલવે પ્રશાસન સાથે સકારાત્મક રજૂઆત કરી શકાય એ માટે રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ કચ્છી પ્રવાસીઓની સાચી સ્થિતિ અને પાયાની જરૂરિયાત મૂકીને પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાનો આ લોકદરબારનો મુખ્ય હેતુ છે. - વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિ : આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ પ્રધાન આશિષ શેલાર, પૂર્વ સાંસદ મનોજ કોટક, વિધાનસભ્યો યોગેશ સાગર, મિહિર કોટેચા, મૂરજીભાઈ પટેલ, સંજય ઉપાધ્યાય, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયા, કોર્પોરેટરો પ્રવીણ છેડા, ડો. હેતલ ગાલા (મુલુંડ), હેતલ ગાલા (સાંતાક્રૂઝ), ધર્મેશ ભૂપતગિરિ, કેશરબેન પટેલ, કલ્પેશ કોઠારી, મોહનભાઈ મણશી ઉપસ્થિત રહેશે. લોકદરબાર-2ના કન્વીનર રમણીક લાલજી સંગોઈ, સમિતિ કન્વીનર રમણીક છેડા (સાયન) સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે. - સકારાત્મક માંગ : આ લોકદરબારમાં રેલવે મંત્રાલયની આધુનિક સેવાસભર અમૃત ભારત ટ્રેન કચ્છ-મુંબઇ વચ્ચે શરૂ કરાય તો પ્રવાસન-રોજગાર અને વરિષ્ઠ નાગરિકને લાભ મળે. - સીએસએમટીથી ભુજ (વાયા કલ્યાણ) નવી કનેક્ટિવિટી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી નવી ટ્રેન શરૂ થાય તો થાણે, ડોમ્બિવલી, કલ્યાણ વિસ્તારના લાખો કચ્છી ભાઇ-બહેનોને સેન્ટ્રલ લાઇનથી જ સીધી ટ્રેન મળી રહે. - પ્રવાસીઓની સગવડતા ખાતર કચ્છ એક્સપ્રેસને બાંદ્રાને બદલે મુંબઇ સેન્ટ્રલ કે દાદરથી ચલાવવાનો અનુકૂળ પ્રસ્તાવ. - સહી ઝુંબેશ અને આવેદનપત્ર : આ અંતર્ગત મુસાફરોની સહીઓ સાથેનું એક સદ્ભાવનાપૂર્વકનું વિગતવાર આવેદનપત્ર રેલવેમંત્રી અશ્વિનીભાઇ વૈષ્ણવને મોકલવામાં આવશે. આ સંદર્ભમાં કચ્છ પેસેન્જર્સ એસોસિયેશને તમામ કચ્છી પ્રવાસીઓને જણાવ્યું છે કે, કોઇ પણ ફરિયાદ નકારાત્મક રીતે કરવાને બદલે આ સકારાત્મક લોકદરબારનો હિસ્સો બની રેલવેના વિકાસમાં પોતાનું યોગદાન આપે. એક વિવેકપૂર્ણ સંવાદનો હિસ્સો બનવા તમામ કચ્છી પ્રવાસીઓને આ લોકદરબારમાં ઉપસ્થિત રહેવા એમણે અનુરોધ કર્યો છે. - કચ્છમિત્ર `કડીરૂપ' બનશે : કચ્છ અને બૃહદ કચ્છમાં વસતા કચ્છીઓને મદદરૂપ બનવા કચ્છમિત્ર હરહંમેશ તત્પર હોય છે. શ્રી સંઘોઈએ જણાવ્યું હતું કે, કચ્છનું જનપ્રિય અખબાર કચ્છમિત્ર આ સમગ્ર અભિયાનમાં પ્રવાસીઓ અને રેલવે પ્રશાસન વચ્ચે એક મહત્ત્વનાં માધ્યમ તરીકે સેતુરૂપ ભૂમિકા ભજવશે. એના માધ્યમથી રેલવેના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ પ્રવાસીઓનાં સૂચનો પહોંચાડવામાં આવશે. 

Panchang

dd