નવી દિલ્હી, તા. 18 : દુનિયાભરને
પગના અંગૂઠા પર ઊભી રાખી દેનાર કાળમુખાં યુદ્ધનો વિધિવત અંત આવ્યો છે. અમેરિકા અને
ઈરાન વચ્ચે યુદ્ધ ખતમ કરવા માટે વચગાળાની સમજૂતી પર અંતે એક દિવસ વહેલા હસ્તાક્ષર થઈ
ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારની રાત્રે ફ્રાન્સના
વર્સાય પેલેસમાં સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ
ઈમેનુઅલ મેક્રોં આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન, ઇઝરાયલે વિદ્રોહી વલણ લઇને લેબેનોનમાંથી પોતાની
સેના પાછી ખેંચવાનો ઇન્કાર કરી દીધો છે. ધૂંધવાયેલા ટ્રમ્પે નેતન્યાહુને શાણપણ દાખવવા
કહ્યું છે. બીજી તરફ સમજૂતીની શરતોના અમલ મુદ્દે અમેરિકા-ઇરાન તરફથી બયાનબાજી ચાલુ
રહી છે. ટ્રમ્પે તેહરાન પાલન ન કરે તો ભીષણ બોમ્બવર્ષાની ધમકી આપી છે. આ સિનારિયોમાં
સમજૂતી થયા પછી સમજણની કસોટી થશે એમ સમજાય છે. સમજૂતી પર હસ્તાક્ષર કર્યા બાદ વર્સાય
પેલેસથી બહાર આવેલા ટ્રમ્પે પત્રકારોના પ્રશ્નોના જવાબમાં ઉત્સાહભર્યા મોટા અવાજે કહ્યું
હતું કે, સમજૂતી પર હસ્તાક્ષર થઈ ગયા છે. આ સમજૂતી હેઠળ ઈરાનને
28 લાખ કરોડ ડોલરનું વળતર મળશે.
બદલામાં ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવે. ટ્રમ્પ બાદ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને
પણ ઈરાનમાં ભારતીય સમય મુજબ ગુરુવારની સવારે સાડા પાંચ વાગ્યે સમજૂતી પર ઈલેક્ટ્રોનિક
હસ્તાક્ષર કર્યા હતા.બન્ને નેતાના હસ્તાક્ષર સાથે જ આ સમજૂતી તાત્કાલિક અસરથી અમલી
થઈ ગઈ છે. આ સમજૂતી હેઠળ ઈરાન અને લેબેનોનમાં સૈન્ય પગલાં ખતમ કરાશે. સાથોસાથ દુનિયાભરના
દેશોના જીવ અદ્ધર કરી દેનાર હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખોલાશે અને અમેરિકાના નૌકાદળની નાકાબંધી
પણ હટાવી દેવાશે. આમ તો યુદ્ધ ખતમ કરવા માટેના વચગાળાના સમજૂતી કરાર પર આવતીકાલે શુક્રવારે
સ્વિત્ઝર્લેન્ડનાં જીનિવામાં હસ્તાક્ષર થવાના હતા. જીનિવાના લુસર્ન શહેરનાં સ્થાને
ફ્રાન્સમાં જ એક દિવસ પહેલાં હસ્તાક્ષર થઈ ગયા છે. સમજૂતી પર હસ્તાક્ષર થઈ ગયા હોવાનું
એલાન થતાંની સાથે જ હોર્મુઝ સ્ટ્રેટમાં વિવિધ દેશોને તેલ - ગેસ પહેંચાડનારાં જહાજોની
અવર-જવરે ગતિ પકડી હતી. સમજૂતીની સકારાત્મક અસર રૂપે ગુરુવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત
લગભગ બે ટકા ઘટતાં 78 ડોલર પ્રતિ
બેરલ થઈ ગયું હતું. યુદ્ધ દરમ્યાન કિંમત 114.44 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગઈ હતી, એ જોતાં હવે ક્રૂડતેલ 35 ડોલર સસ્તું થઈ ચૂક્યું છે.
ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઈરાન પાસે
કેટલાક બેલેસ્ટિક મિસાઈલ છે તેમાં કંઈ ખોટું નથી, પરંતુ અસલી
ચિંતા પરમાણુ હથિયારોની છે. - ભારતની ભૂમિ પરથી ઈઝરાયલે શાંતિ
કરારનો વિરોધ કર્યો : નવી દિલ્હી, તા. 18 : ભારતની ભૂમિ
પરથી ઈઝરાયલે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ રોકવા માટે થયેલી સમજૂતીનો બહિષ્કાર કર્યો
છે. ભારતમાં ઈઝરાયલના રાજદૂત રૂવિન અજારે કહ્યું હતું કે, ઈઝરાયલ આ સમજૂતીનો હિસ્સો નથી. ઈઝરાયલ એક સંપ્રભુ
દેશ છે અને કદી પણ અમેરિકાનાં દબાણમાં નહીં આવે, તેવું રૂવિન
અજારે સ્પષ્ટ પણે કહી દીધું હતું. બીજી તરફ, ઈઝરાયલી સંરક્ષણ
દળ (આઈડીએફ)એ દક્ષિણી લેબેનોનમાં તૈનાતીનો નકશો જારી કરતાં કહ્યું હતું કે, ઈઝરાયલી સેના લેબેનોનમાંથી પાછળ હટવાની
નથી. સમજૂતી કરાર સામે સવાલ ઉઠાવતાં રૂવિને જણાવ્યું હતું કે, તેમાં ઈઝરાયલની મુખ્ય ચિંતાઓને સામેલ કરાઈ નથી. ભારતમાં ઈઝરાયલના રાજદૂત રૂવિન
બોલ્યા હતા કે, હિઝબુલ્લાહ હુમલા કરશે તો અમે જવાબી કાર્યવાહી
કરીશું. ઈઝરાયલે હમાસ અને હિઝબુલ્લાહને હરાવી દીધા છે. ઈરાનની મિસાઈલ તાકાત નબળી પડી
ગઈ છે, તેવું તેમણે કહ્યું હતું. જો કે, રૂવિને એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે, ઈઝરાયલ અમેરિકા
સાથે કામ કરવું જારી રાખશે. સહિયારાં હિતો માટે પ્રતિબદ્ધ છે.