ભુજ, તા. 18 : યુવાનો ઉપર દેવું ચડી જતાં
મિત્રએ બેન્ક ખાતાં ભાડે આપી મહિને 2પ હજાર કમિશનની લાલચ આપતાં આ લાલચમાં આવી બેન્ક ખાતાં ભાડે આપતાં
ચાર દિવસમાં જ રૂા. 3.34 કરોડની લેવડ-દેવડ
થઈ અને પ4 ફ્રોડની ફરિયાદમાં કુલે રૂા. 1,05,27,997 જમા થયાનો પર્દાફાશ થતાં માધાપર
અને ભુજના ચાર શખ્સ સામે ગુનો દાખલ થયો છે. ઓનલાઈન છેતરપિંડીના બનાવો વધ્યા છે, જે અંગે દેશભરમાં ફ્રોડની ફરિયાદો નોંધાઈ રહી
છે. પોલીસ પણ ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે આ નાણાં જે-જે બેન્ક ખાતાં સુધી પહોંચે છે
ત્યાં સુધી પગેરું દબાવે છે. આવા મ્યુલ એકાઉન્ટની સમન્વય પોર્ટલ આધારે પશ્ચિમ કચ્છની
એલસીબીની સાયબર સેલે છાનબીન કરતાં માધાપરના ઈન્દ્રધામમાં રહેતા અને ડ્રાઈવિંગ કરતા
જેનીશ અરવિંદભાઈ ગોરના ખાતાંમાં દેશભરની પ4 ફ્રોડની ફરિયાદના રૂા. 1,05,27,997 આવ્યા હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે ખાતાધારક જેનીશ તથા
સેલ્સમેન એવા કરણ રાજેશભાઈ વડોર (રહે. રઘુવંશીનગર,
નવી રાવલવાડી, ભુજ) પાસેથી હકીકતો મેળવતાં આ ખાતું
તેઓએ નવેમ્બર-2025માં ખોલાવ્યું
હતું. તેઓ ઉપર ખૂબ જ દેવું થઈ જતાં રૂપિયાની જરૂરત હોવાથી મિત્ર કનૈયાલાલ મંગલદાસ નંદા-ભાનુશાલી
(રહે. મંગલમ હોટેલની સામે, ભુજ અને ધંધો
સોનલ શક્તિ ટી હાઉસ, મિરજાપર પોલીસ ચોકી સામેવાળા)એ તેના મિત્ર
મૌલિકભાઈ સાથે મળીને તેઓએ જણાવ્યું કે, તેઓનાં નામનું કરંટ બેન્ક
ખાતું ખોલાવીને તેની કિટ અમને આપો અને બદલામાં દર મહિને રૂા. 25 હજાર કમિશન પેટે આપશું, જેથી બન્ને બેન્ક એકાઉન્ટ હોલ્ડર જેનીશ અને
કરણ લાલચમાં આવી એક્સિસ બેન્ક માધાપરમાં ક્રિષા એન્ટરપ્રાઈઝનાં નામે કરંટ બેન્ક એકાઉન્ટ
ખોલાવ્યું હતું. નવેમ્બર-2025માં ખૂલેલા આ બેન્ક ખાતાંમાં
તા. 10/12/25થી 13/12/25 એમ માત્ર ચાર દિવસમાં જ કુલે
રૂા. 3,33,09,188 જેવી માતબર રકમ જમા થઈ અને
ઉપાડ રૂા. 3,33,54,240 અને ક્લોઝિંગ એમાઉન્ટ રૂા.
54,969.36 જોવા મળી છે. આ ઉપરાંત 54 સાયબર ફ્રોડની અરજીને લગતા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન કુલે રૂા.
1,05,27,997 ઓનલાઈન જમા થયા હતા. સાયબર
પોલીસે ચારે વિરુદ્ધ માધાપર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતાં પોલીસે છેતરપિંડી, આઈટી એક્ટ તળે ગુનો દાખલ કરી તજવીજ આદરી છે.